Nirmal Metro Gujarati News
article

આત્મરતિ ભજનનો અંતિમ પડાવ છે

 

એકલા જ,રાતના અકારણ ભજન આંસુ લાવી દે તો સમજવું કે ભજન હૃદયથી પ્રગટ થયું છે.

ભજન આત્મરતિ બની જાય ત્યારે દ્રષ્ટિ બદલાઈ જાય છે.

સુખ મળે તો વરદાન સમજવું,અને દુઃખ મળે તો પ્રસાદ સમજીને એનો સ્વીકાર કરો.

 

તાંજૌર-તમિલનાડુ પર ચાલી રહેલી રામકથાનાં આઠમા દિવસે રામચરિત માનસમાં લગભગ ૩૨ વખત ભજન શબ્દનો પ્રયોગ કઈ-કઈ પંક્તિઓમાં થયો છે એ બતાવ્યું.રાવણ કહે છે કે તામસ દેહને કારણે ભજન નહીં કરી શકું!રાવણ છટકવાની કોશિશ કરે છે.આ એની ચાલાકી છે કારણ કે અસુરનો દીકરો પ્રહલાદ તામસ દેહ હોવા છતાં ભજન પણ કરે છે અને ભજનનો પ્રચાર કરીને ભગત શિરોમણી પણ બન્યો છે.

તુલસીજીના અન્ય સાહિત્ય દોહાવલિ,કવિતાવલિ, ગીતાવલિ,રામાજ્ઞા,વિનય પત્રિકા,કૃષ્ણ ગીતાવલિ આ તમામમાં ભજન પરક પંક્તિઓ છે જે ભજનની વ્યાપકતા બતાવે છે.

આત્મા માત્ર સાંભળવાથી,દર્શન કરવાથી પ્રવચનો કરવાથી પૂરેપૂરો કામ નહીં આવે અનુભવથી પણ નહીં આવે અને વિજ્ઞાનથી પણ નહીં આવે. આત્મરતિ થઈ જાશે ત્યારે કામ બનશે.

બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય મૈત્રેયીની સામે જે સૂત્ર કહે છે એ ભજન ધારામાં પણ ખૂબ ઉપયોગી લાગે એવું છે.ત્યાં કહે છે:

મૈત્રેયી! આત્માનો વા દર્શનેન, શ્રવણેન….આ મંત્ર કહે છે કે આત્માનાં દર્શનથી બધાનું દર્શન,આત્માના શ્રવણથી નિશ્ચયથી વધુ જાણી શકાય છે.વિજ્ઞાન પર્યાપ્ત છે,પણ એવું નથી.આત્મરતિ થાય એ પર્યાપ્ત છે.

એટલે જ ભરત કહે છે:જનમ જનમ રતિ રામ પદ યહી બરદાન ન આન.

અહીં રામ આત્મા છે.આત્મરતિ ભજનનો અંતિમ પડાવ છે.ક્યા ક્રમથી ભજન અવતરિત થાય છે?પાંચ પડાવ પરથી યાત્રા પસાર થાય છે,ભજનની યાત્રામાં પાંચ મુકામ દેખાય છે.જે મારો પોતિકો અનુભવ છે,કદાચ ખોટો પણ હોઈ શકે, દરેકનો અનુભવ અલગ હોઈ શકે.

એક-ભજન સૌપ્રથમ દેહમાં પ્રગટ થાય છે.ત્યાં પડ્યું જ છે,પણ કળીની જેમ ખુલે છે.આ ખૂબ જ સ્થૂળ સ્થાન છે.કોઈ ભજનિક ભજન ગાય,ગઝલ કે કવિતા ઊંચાઈ ઉપરથી ઉતરે તો એ પણ ભજન છે. કોઈ વિશેષ ઇંગિત આવા પ્રકારની રચનાઓ કરે છે. યોગી લોકો કહે છે કે યોગ સૌપ્રથમ દેહ-શરીર બોડીને અસર કરે છે,પણ મારો આ માર્ગ નથી,એમાં રુચિ પણ નથી.પણ

યહ કલિકાલ ન સાધન દુજા;

જોગ જગ્ય જપ તપ વ્રત પૂજા,

રામહિ સુમિરિઅ ગાવહિ રામહિ;

સંતત સુનિઅ રામગુન ગ્રામહિ.

બીજું-ભજન મનના સ્તર ઉપર આવી જાય છે. તુલસીએ શરીરના સ્તર પર આવેલા ભજન કરતા મનના સ્તરે ઉતરેલા ભજનને વધારે આદર આપ્યો છે મન નાચવા લાગે,મીરાં,ચેતન્ય,જલાલુદ્દીન રૂમી, સૂફીઓ નાચ્યા છે,કૃષ્ણ પણ નાચ્યા છે.

રામ ભજ તું શેઠ મના!-એવું તુલસી કહે છે.એ એમ પણ કહે છે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન-અહીં મનને પ્રધાનતા આપે છે.

આપણી ઓળખાણ બાહ્ય વસ્ત્રો પદ,પ્રતિષ્ઠાથી થાય છે.હું માત્ર વક્તા કે ધાર્મિક નથી,આપ માત્ર શ્રોતા એટલી જ આપની ઓળખાણ નથી.

ત્રણ-ભજનનો ત્રીજો પડાવ હૃદય છે.કોઈને બતાવવું નથી.એકલા જ,રાતના અકારણ ભજન આંસુ લાવી દે તો સમજવું કે ભજન હૃદયથી પ્રગટ થયું છે.

ચાર-આત્મા સુધી ભજન પહોંચે.એ ટકાઉ ત્યારે જ હોય છે જ્યારે આત્મરતિ બની જાય.પણ ચિંતા ન કરતા.પહેલા સ્તર ઉપર પણ પ્રગટ્યું એ પણ ખૂબ મોટી વાત છે.

એટલે જ આત્મ શ્રવણ,આત્મદર્શન,આત્મ નિશ્ચય કે આત્મવિજ્ઞાન પર્યાપ્ત નથી,આત્મરતિ પણ હોવી જોઈએ.ભજન આત્મરતિ બની જાય ત્યારે દ્રષ્ટિ બદલાઈ જાય છે.

કથા પ્રવાહનું વિહંગાવલોકન કરતા અયોધ્યાકાંડમાં ગુરુ વંદનાથી આરંભ કરવામાં આવ્યો.ચારે રાજકુમારો વિવાહ કરીને ઘરે આવ્યા ત્યારે અયોધ્યામાં નીત નવા ઉત્સાહનું વર્ધન થતું રહ્યું. બધાને બધા જ પ્રકારના સુખ હતા.એવું ઓછું બને કે બધાને તમામ પ્રકારનું સુખ હોય પણ એ બધા રામચંદ્રના મુખને જોઈને સુખી હતા.

અહીં ભરત મિલાપન પ્રસંગમાં પાદુકાને આધાર બનાવીને ભરત અયોધ્યામાં આવે છે.ભરત ચરિત્રનું ગાન કરીને અયોધ્યા કાંડનું સમાપન થાય છે.અરણ્ય કાંડ કે જ્યાં પ્રભુ બારથી તેર વર્ષ સુધી ચિત્રકૂટમાં રહ્યા છે.અહીં અત્રિ અને અનસુયાને મળીને પંચવટીમાં નિવાસ કરે છે.લક્ષમણ પાંચ પ્રશ્નો પૂછે છે.ખર-દૂષણને વીરગતિ મળે છે.શબરીને મળે છે અને એ પછી સીતા હરણનો પ્રસંગ આવે છે.અહીં સંતના લક્ષણો વિશે રામ વાત કરે છે.કિષ્કિંધાકાંડમાં સુગ્રીવ સાથે મૈત્રી થાય છે.કિષ્કિંધાકાંડ બરાબર મધ્યમાં છે.ત્રણ કાંડ આ બાજુ અને ત્રણ કાંડ પેલી બાજુ છે,મધ્યમાં છે.ત્રણ જ દોહાનો નાનકડો કાંડ જે હૃદય છે એનો સંકેત તુલસીદાસજી કરે છે.

એ પછી સુંદરકાંડમાં સીતાની ખોજ કરવા માટે દરેક દિશાઓમાં ટુકડી જાય છે અને હનુમાનજી દ્વારા લંકાદહનનો પ્રસંગ સંક્ષિપ્ત રીતે ગાઇને સુંદરકાંડના અંતે હનુમાનજી સીતાજીની ભાળ મેળવીને આવે છે અને લંકાનાં સાગરને કિનારે સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરવામાં આવે છે.

આવતીકાલે આ રામકથાનો પૂર્ણાહુતિ દિવસ છે અને કથા સવારે ૯:૩૦ વાગે શરૂ થશે.

કથા વિશેષ:

બધાને બધું જ મળે એવું ક્યારેક જ બને.

બહુધા એવું બને છે કે ધન હોય છે,ધન્યતા નથી હોતી.

પદ હોય પણ પાદુકાનો અભાવ હોય.

સત્તા હોય પણ સત ન હોય.

સામગ્રી હોય પણ સંસ્કાર ન હોય.

વાણી હોય પણ આચરણ ન દેખાતું હોય.

પૈસા હોય પણ પ્રેમ ન હોય.

કારણ કે સુખ-દુઃખ સાપેક્ષ છે.

સુખ મળે તો વરદાન સમજવું,અને દુઃખ મળે તો પ્રસાદ સમજીને એનો સ્વીકાર કરો.

Related posts

Celebrating the Furry Companions: Zee TV actors share their favourite pet stories on International Dog Day  

Reporter1

Hero MotoCorp and FIH Embark on Global Partnership Strengthen association with new partnership for hockey’s growth

Reporter1

Reaction Quote , RBI Monetary Policy Manish Kothari, Head – Commercial Banking, Kotak Mahindra Bank Limited

Reporter1
Translate »