Nirmal Metro Gujarati News
article

તલગાજરડા ખાતે રામવાડીમાં નરસિંહ મહેતા એવૉર્ડ સમારંભ યોજાયો  

 

પૂજ્ય બાપુની પ્રેરણા અને પ્રોત્સાહનથી સ્થપાયેલા “નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ” દ્વારા બાપુની નિશ્રામાં આ એવૉર્ડ ૧૯૯૯થી એનાયત થાય છે. પ્રારંભે સૌ પ્રથમ એવોર્ડ કવિ શ્રી રાજેન્દ્ર શાહને અર્પણ થયો હતો. આજે ૨૦૨૪ ના પચ્ચીસમા એવૉર્ડ માટે મુંબઈના પ્રસિદ્ધ કવિ શ્રી કમલ વોરા પસંદગી પામ્યા છે.

કવિ શ્રી નીતિનભાઇ વડગામાના સંચાલન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં સૌ પ્રથમ દીપ પ્રાકટ્ય દ્વારા સમારંભનો શુભારંભ થયો.

ત્યાર બાદ ભાવનગરની ૐ શિવ સંસ્થા દ્વારા “આજની ઘડી તે રળિયામણી” ની ધૂન ઉપર લોકનૃત્યની દર્શનીય પ્રસ્તુતિ થઇ. પછી પ્રસિદ્ધ ગાયક શ્રી સુરેશ જોશીએ સુમધુર સ્વરે નરસિંહ મહેતાની પદ રચનાની પ્રસ્તુતિ કરી.

સંસ્થાના ટ્રસ્ટી, કવિ શ્રી દલપત પઢિયારે આ પ્રસંગે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતાં પોતાની પદ્ય રચનાનું ગાન કર્યું.

ત્યારબાદ મંચસ્થ સાહિત્યકારોનું

સૂત્રમાલાથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ કવિ શ્રી રાજેશ પંડ્યાએ એવૉર્ડ  કવિ શ્રી કમલ વોરાની કવિતાની રસ સૃષ્ટિનું શ્રોતાઓને રસપાન કરાવ્યું. શ્રી રાજેશ પંડ્યાએ પ્રસ્તુત કરેલો પોતાના વિદ્વતાપૂર્ણ સ્વાધ્યાય શ્રવણીય બની રહ્યો.

 શ્રી રઘવીરભાઈ ચૌધરીએ પોતાની  લાક્ષણિક શૈલીમાં કમલભાઈ ના કવિ કર્મ ને બિરદાવ્યું.

અવોર્ડ થી વિભૂષિત થયેલા કવિ કમલભાઈએ પોતાની કાવ્ય રચનાઓનું પઠન કર્યું.

એવૉર્ડ સમારોહના સમાપનમાં પૂજ્ય બાપુએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું આજના સંધ્યા આરતીના ટાણે, એવૉર્ડ રૂપી અર્ઘ્ય સ્વીકારવા બદલ કવિ કમલભાઇને અભિનંદન સાથે ધન્યવાદ આપ્યા.

પૂજ્ય બાપુએ કહ્યું કે કવિતામાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ હોય છે. કવિતામાં શબ્દ તો હોય જ. શબ્દ વિહોણી કવિતા ન હોઇ શકે. તેથી કવિતા જો કવિતા છે, તો ત્યાં બ્રહ્મ છે અને બ્રહ્મ હોય ત્યાં આકાશ હોય. શબ્દ આકાશનું છોરૂં છે.

બાપુએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે કવિતા સ્પર્શ પણ બને છે. કમલભાઇની કવિતા બાપુને સ્પર્શી ગઇ.

એ જ રીતે કવિતાને ગંધ પણ હોય છે, એની “નૂરાની ખુશ્બુ” હોય છે. પણ શબ્દની ગંધને પારખી શકે એવા નાક ભગવાને બહુ ઓછા બનાવ્યા છે!

બાપુએ કહ્યું કે ગિરનારની છાયામાં રહેતા ક્યારેય એમને ગિરનારની ગંધ અનુભવાય છે.

કવિતાના સંદર્ભમાં બાપુએ કહ્યું કે શબ્દ એક આકાર પકડે છે, એનું એક રૂપ ઘડાય છે! બાપુએ સ્વાનુભાવ વર્ણવતા કહ્યું કે માનસનો પાઠ કરતા ક્યારેક તેમને શબ્દ આકારિત થતો અનુભવાય છે.

શબ્દનો એક રસ પણ હોય છે. સાહિત્યના નવે નવ રસ કવિતામાં રાસ લેતા હોય એવો રસ પોતે અનુભવ્યો છે.

અંતમાં કવિ શ્રી વિનોદ જોશીના પ્રબંધ કાવ્ય સૈરંધ્રી ના હિંદી અનુવાદના પુસ્તકનું વિમોચન કર્યું.

એવોર્ડ સમારંભ પછી સૈરંધ્રી કાવ્યની નૃત્ય નાટીકા પ્રસ્તૂત થઈ. આર જે દેવકીએ અભિનય ના અજવાળા પાથર્યા. એ સાથે આજનાં કાર્યક્ર્મ નું સમાપન થયું.

Related posts

Ahmedabad to witness grand Nagar Yatra on February 26

Reporter1

Casio strengthens its retail presence in Gujarat, launches a new exclusive store in Vadodara

Reporter1

Morari Bapu’s tributes and assistance to victims of Maha Kumbh stampede

Reporter1
Translate »