Nirmal Metro Gujarati News
article

પ્રભુ કે પ્રભુધારક સંતો પરિવર્તન કરનારા હોય છે.. તેમનો નિ:સ્વાર્થ પ્રેમ અસરકારક બનીને યુવાનને સન્માર્ગે વાળે છે.. તેમનો નિર્વ્યાજ પ્રેમ યુવાનને જવાબદાર બનાવીને પરિવાર અને સમાજને સાચવતા શીખવે છે

 

કૃષ્ણ પરમાત્માના પ્રેમથી રાધાજી લય થયા.. અર્જુન સરળ થયા.. વિદુરજી ભક્ત થયા, ઉદ્ધવજી પ્રભુધારક થયા અને સુદામા ધન્ય થયા..

 

ભગવાન શ્રી સ્વામિનારાયણે એક હાથમાં ફુલ રાખીને પ્રેમ પ્રસારીત કર્યો અને બીજા હાથમાં માળા રાખીને સમાજને ભક્તિમય કર્યો..

તેમણે વિચારોની સમૃદ્ધિ વહેંચીને હજારોને વ્યસનથી અને કુરિવાજોથી મુક્ત કર્યા અને સમાજને સુગ્રથિત, સુદ્રઢ કર્યો..

 

ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના યોગમાં આવનાર આશ્રિતોને વરદાન આપ્યા, ‘‘કરોડ વિંછીંનું દુ:ખ મને આવો પણ મારા હરિભગતને નહીં.’’ ‘‘હરિભક્તો અન્નવસ્ત્રે દુ:ખી નહિ થાય.’’ ‘‘અંત અવસ્થાએ દર્શન આપીને ધામમાં તેડી જાશું.’’ ‘‘પ્રગટ સંત થકી અખંડ રહીશું.’’

 

ભગવાન શ્રી સ્વામિનારાયણની કલ્યાણ પરંપરાના સંત એટલે ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજી..

તેઓ યુવકોના મર્મી અને પરિવારોના હામી હતા.

એમના સ્પર્શમાત્રથી યુવાનોમાં અદ્વિતીય ચેતનાનો સંચાર થતો.

એમના દ્રષ્ટિમિલાપથી યુવાનોને નિરામય પ્રેમથી ભીંજાવાનું મળતું હતું.

એમની પરાવાણીથી યુવાનોને પરમાત્મા સાથે એકતાની અનુભૂતિ થતી હતી.

એવા સુહૃદસમ્રાટ ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદસ્વામીજી હતા..

 

યુવાનીને સન્માર્ગે વાળવા અને પરિવારોને મંદિરતુલ્ય બનાવવા પ. પૂ. હરિપ્રસાદસ્વામીજીએ પોતાનું સમગ્ર જીવન હોમી દીધું..

૧૦ વર્ષ પોતાના ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજનું સેવન કર્યું.

ગુરુદેવનું સેવન કરીને પ્રભુદાસભાઈએ યોગીજીમહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા કે – જેવું અમે અમારા ગુરુદેવ શાસ્ત્રીજીમહારાજનું સેવન કર્યું એવું સેવન તમે અમારું કર્યું. આજથી જ્ઞાનનો ઝરો ફૂટશે અને કાયમ વહેતો રહેશે. તમારા યોગમાં જે આવશે એનું આત્યંતિક કલ્યાણ થશે.

 

પ.પૂ. હરિપ્રસાદસ્વામીજીનું સૂત્ર હતું – ‘યુવકો મારી પૂજા છે.’ ‘યુવકો મારું સર્વસ્વ છે.’

પ.પૂ. હરિપ્રસાદસ્વામીજીએ નિ:સ્વાર્થ પ્રેમ આપીને યુવકોના વ્યસનો છોડાવ્યા;

યુવાનોને વિચારશીલ બનાવ્યા;

યુવાનોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું;

યુવાનોની શક્તિને સેવાકાર્યોમાં પરિવર્તિત કરી;

યુવાનોની ઈન્દ્રિયો અને અંત:કરણને આધ્યાત્મિક વિવેક આપ્યો.

સમાજને આવા ૭૫ હજાર જેટલા યુવકોની ભેટ આપીને પ.પૂ. હરિપ્રસાદસ્વામીજીએ ભગીરથ કાર્ય કર્યું.

આજે આવા હજારો ધ્યેયનિષ્ઠ, વિવેકી અને ધાર્મિક યુવાનો પરિવાર, સમાજ અને રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે.

અઠવાડિક સત્સંગ સભા અને સંતોના માર્ગદર્શનથી યુવાનોનું માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સ્તર ઊંચું આવ્યું છે.

 

પ.પૂ. હરિપ્રસાદસ્વામીજીનું બીજું બહુમૂલ્ય કાર્ય હોય તો તે છે – અંબરીષસમાજનું સર્જન.

સંસારને પ્રભુમય બનાવીને સેવા અને ભક્તિ કરતો સમાજ એટલે અંબરીષસમાજ.

પ.પૂ. હરિપ્રસાદસ્વામીજીએ આત્મીયતાના મંત્રથી હજારો પરિવારોમાં આત્મીયતા પ્રગટાવી છે. હજારો પરિવારોને તૂટતા બચાવ્યા છે. સેવા, ભક્તિ, આત્મીયતા જેવા ગુણો પ્રગટાવીને હજારો પરિવારોમાં પારિવારિક મૂલ્યોનું સિંચન કર્યું છે.

આજે અનેક ક્ષેત્રોમાં યુવાનો સત્સંગ અને સંસ્કૃતિના મૂલ્યોને ધારણ કરીને સિદ્ધિના શિખરો સર કરી રહ્યાં છે. સમાજ અને રાષ્ટ્રનું ગૌરવ વધારી રહ્યા છે.

 

ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદસ્વામીજીનાં આ યુગકાર્યને વર્તમાનકાળે સાધુતામૂર્તિ ગુરુહરિ પ.પૂ. પ્રબોધસ્વામીજી આગળ ધપાવી રહ્યા છે.

એમની સાધુતા અને સહજતાના હજારો યુવકો અને ભક્તો દિવાના બન્યા છે.

હરિપ્રસાદસ્વામીજી જેવી જ દિવ્ય અનુભૂતિ અને પ્રતીતિ હજારો ભક્તોને એમનામાં થઈ રહી છે.

પ.પૂ. પ્રબોધસ્વામીજીનો નિ:સ્વાર્થ પ્રેમ હજારો યુવાનોને આધ્યાત્મિક માર્ગે દોરી રહ્યો છે.

એમની નિર્માનીતા હજારો મુમુક્ષુજનોને અંતરસ્પર્શ આપી રહી છે. એમની દિવ્યતા અને પ્રભુધારકતા અનેકોને સ્પર્શી રહી છે.

પૂ. પ્રબોધસ્વામીજીની પ્રભુભક્તિ અને ગુરુભક્તિનું સાતત્ય અખંડ અને અવિરત છે. તેઓ ભક્તિની ક્રિયા, સેવાનું કર્મ કે ગુરુનું વચનપાલન હજી સુધી ચૂક્યા નથી.

 

પ.પૂ. પ્રબોધજીવન સ્વામીજી મહારાજના સાન્નિધ્યમાં ઘાટકોપર, મુંબઈના આંગણે… તા. 19/01/2025 ના રોજ હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા મહોત્સવ માં ડો. અંબરીશ શરાફ (ઓર્થોપેડિક સર્જન, ગોદરેજ હોસ્પિટલ), પાર્થ મહેતા (Paradigm રિયાલિટી), હરેશભાઇ મહેતા (સર્વોદય ટ્રસ્ટ), મુકેશ ભાઈ સોની (ડેવલપર), રાઘવેન્દ્ર દ્વિવેદી (હમારા પ્રેસ), મુકેશ અલવામની (કેટરર્સ મીટ એન્ડ ઈટ ), શ્રી માને અને શ્રી ગાવાને (પોલીસ ઇન્સ્પેક્ટર), અભય કોટક અને સંજય કોટક, સુરેશ અવલે (નગર સેવક), ભાવેશ ભાઈ ભાનુશાલી (BJP), વિનય કુમાર (HSBC બેંક), મગનભાઇ ખીમજી ઠક્કર જેવા અનેક મહાનુભાવો ગુરુહરિ પ.પૂ. પ્રબોધજીવન સ્વામીજી ના દર્શન અને આશીર્વાદ માટે ઉપસ્થિત રહ્યા હતા.

 

આ યુવા મહોત્સવમાં પૂ.ભક્તિપ્રિય સ્વામી એ વાત કરતા જણાવ્યું કે ભગવાન કિશન ધરતી પર આવ્યા ન હોત તો આજના જમાના નું frustration, depression, anxiety કે stress નું solution ના મળત. ભગવાન મહાવીર સ્વામી ન પધાર્યા હોત તો સાચી અહિંસા,સાચી તપશ્રર્યા, સાચો પ્રેમ, સાચી કરુણા અને સાચી પવિત્રતતા ની ખબર ના પડત. એવી રીતે ભગવાન સ્વામિનારાયણ 245 વર્ષ પહેલા લક્ષાવધિ જીવોનું કલ્યાણ કરવા ધરતી પર પધાર્યા. 11 વર્ષની ઉંમરે આખા ભારત નું વિચરણ કરીને મનુષ્યોને આલોક અને પરલોક માં સુખિયા કર્યા.

 

ભગવાન સ્વામિનારાયણ ભગવાનનો આશરો દ્રઢ કરાવે છે, ભગવાનના બળે જીવડાવે છે. એ વસ્તુ લાખો જીવને પાકી કરાવે છે અને એના પ્રતીક રૂપે હાથ માં માળા રાખે છે. ભગવાન સ્વામિનારાયણ સમર્થ પુરુષ હોવા છતાં દાસ બનીને માનવ જાતિને પ્રેમ પ્રદાન કર્યો જેના ફળ સ્વરૂપે લોકો અંતર થી સુખી થયા. ભગવાન અને સંત પૃથ્વી ઉપર પધારે છે ત્યારે દેખાય છે મનુષ્ય જેવા પણ એમાં નખ થી શીખા પર્યંત ભગવાનની શક્તિ કાર્ય કરે છે. ગુરુહરિ પ.પૂ. પ્રબોધ સ્વામીજી એવા સંત છે. શ્રીમદ ભાગવત માં કહ્યું છે એમ 39 લક્ષણે યુક્ત રાજા અને 30 લક્ષણે યુક્ત સાધુ, કળિયુગ માં મોક્ષ ના દાતા છે. ભગવાન ના પવિત્ર સંત આલોક અને પરલોક માં સુખિયા કરે. કદાચ આપણા નસીબ માં ન હોયતો પણ આશીર્વાદ આપશે અને અશક્ય નું શક્ય કરશે. જીવન દરમ્યાન આપણા આત્મા ની યાત્રા ભગવાન તરફ ચાલે અને છેલ્લો જન્મ થાય એ એ આપણા જીવન ની ફલશ્રુતિ છે. એના માટે જ આ યુવા મહોત્સવ છે.

 

પ.પૂ. પ્રબોધ સ્વામીજીએ પ્રવચન માં જણાવ્યું કે ગુરુહરિ પ.પુ. હરિપ્રસાદ સ્વામીજી એ મુંબઈ માં સત્સંગ કાર્યની શરૂઆત ઘાટકોપર થી 34 વર્ષ પહેલા કરી હતી. સંત જયારે ધરતી ને પસંદ કરે ત્યારે ધરતી ખુબ સંસ્કારી કહેવાય. ભક્ત પ્રહલાદ ને ભગવાન પર ભરોસો હતો એટલે ભગવાને એની રક્ષા કરી હતી. જેને જેનો આશરો એને એની લાજ. એમ આપણે ભગવાનને ભરોસે બેસીએ તો ભગવાન આપણી બધી ચિંતા કરે. આપણે ભગવાનમાં વિશ્વાસ કેળવવો છે. સંતો સાથેની મૈત્રી હોયતો વિશ્વાસ દ્રઢ થાય. વિશ્વાસ વગર નિશ્ચિંતતા ન પ્રગટે. આપણે જીવન માં નિશ્ચિતતા પ્રગટાવવી છે.

પૂ. ભક્તિપ્રિય સ્વામી નું સૂત્ર છે “પ્રાણ જાય પણ સભા ન જાય”. સભા થી જીવન પરિવર્તન થાય. સંતોને કોઈ સ્વાર્થ નથી. ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજીની ભાવના છે જે કોઈ યોગ માં આવે એ ભગવાનના માર્ગે ચાલતા થાય, ભગવાન ના બળે જીવતા થાય. એ ભાવના થી સ્વામીજીએ યુવા પ્રવૃત્તિ ચાલુ કરી છે. સભામાં રેગ્યુલર હોય એની તન ની, મન ની, આત્મા ની બધીજ જવાબદારી ભગવાન લે છે. અઠવાડીએ એક-દોઢ કલાક સભા ભરવાનો સંકલ્પ કરીએ અને ભગવાન 100% જવાબદારી લે એ deal સસ્તી કે મોંઘી? આપણે સભા માં જવું છે. બધા સુખી થવા માટે પ્રયત્ન કરે છે પણ સાચું સુખ શું છે એ કોઈને ખબર નથી. બધી રીતે સુખી થવું હોયતો સભા સરસ માધ્યમ છે. આપણે અઠવાડિક સભા ભરવી છે.

 

અંત માં યુવા મહોત્સવ ની પુર્ણાહુતી દિવ્ય અને ભવ્ય શ્રી ઠાકોરજી ની સમૂહ આરતી થી થઇ હતી.

Related posts

A Grand Arrival: Tatiana Navkas World-Class Ice Show Scheherazade Premieres in India at EKA Arena Ahmedabad today

Reporter1

હું સંકલ્પનું ગંગાજળ હાથમાં લઈને કહું છું: રામાયણ અને મહાભારત રાખો અને તમને કંઈ મુશ્કેલી પડે તો અડિયો દડિયો મારા ઉપર!”-બાપુ

Reporter1

૯૪૪મી રામકથાનું ભાવપૂર્ણ સમાપન;૯૪૫મી કથાનો નાદ તલગાજરડીય વાયુ મંડળ-ત્રિભુવન ભૂમિ કાકીડી(મહૂવા)થી ૧૯ ઓક્ટોબરથી ગૂંજશે.

Reporter1
Translate »