“આ ભલે(મારા જેવા )ઠોઠનો ગ્રંથ,પણ ઠેઠનો ગ્રંથ છે.”
“રામાયણ અભણ લોકોનું આભૂષણ છે.”
શક્તિ ભ્રાંતિ રૂપે પણ જગતમાં પ્રવર્તતિ હોય છે,આ ભ્રાંતિ એ મા નું જ સ્વરૂપ છે એમ સમજવું.
ખાનદાન પરિવારમાં લજ્જા રૂપે જગદંબા બેઠી હોય છે.
ઉત્કર્ષનું મૂળ કદી ભૂલવું નહીં,જે ‘દી ઉત્કર્ષનું મૂળ ભૂલશો,પ્રગતિ મળશે;શાંતિ નહીં મળે,સાધનો મળશે સાધના જતી રહેશે.
મહૂવા પાસેનાં કાકીડી ગામનાં ગોંદરે વહી રહેલી કથાધારાનો આજે ચોથો દિવસે કથા આરંભે નાનકડો પ્રકલ્પ યોજાયો.પાલીતાણાનાં લેખક રણછોડભાઈ મારુ જે મેઘાણીની નાની આવૃત્તિ જવા દેખાય છે.તેમણે લખેલું પુસ્તક ‘મેઘાણીના પગલે મેરની મહેમાનગતિ’ વ્યાસપીઠ-બાપુ અને બ્રહ્માર્પણ થયું.જે આદ્યકવિ નરસિંહ મહેતાને અર્પણ થયું છે.જેમાં પૂજ્ય બાપુ,સ્વામી સચ્ચિદાનંદજી અને નિરંજન રાજ્યગુરુનાં વિચારો તેમજ જેની પ્રસ્તાવના ગુણવંત શાહે લખેલી છે-એ પુસ્તકનો લોકાર્પણ વિધિઓ યોજાયો.
આરંભે બાપુએ કહ્યું કે સત્ય,પ્રેમ અને કરુણાના ત્રિભુવન ઘાટે આજે ચોથો દિવસ.પ્રશ્નો તો અનેક આવે છે.પણ દુર્ગા સપ્તશતિમાં શ્રદ્ધા રૂપેણ,બુદ્ધિ રૂપેણ,શક્તિ રૂપેણ મા દુર્ગાના જે સ્વરૂપ છે એમાં એક મંત્ર આવે છે:ભ્રાંતિ રૂપેણ સંસ્થિતા,તો શક્તિ ભ્રાંતિ રૂપે પણ જગતમાં પ્રવર્તતિ હોય છે અને આ ભ્રાંતિ એ મા નું જ સ્વરૂપ છે એવું ઉપાષકોએ નિહાળવું તો હળવા ફૂલ થઈ જવાશે.જ્યારે-જ્યારે જીવનમાં ભ્રાંતિ આવે ત્યારે એ જગદંબાનું અનેક રૂપમાનું એક રૂપ છે એમ નિહાળો.
મહાભારતની વિવિધ કથાઓ કહેતા બાપુએ એક પ્રસંગ ઉઠાવ્યો:મહાભારતમાં ધૃતરાષ્ટ્ર અને પાંડુ બે પુત્રો.ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ,અને રાજગાદી સર્વાંગ સંપૂર્ણને મળે એવું સંવિધાન એ વખતે,આથી રાજગાદી ન મળી અને પાંડુને પાંડુરોગ હતો આથી સમજદારીથી એ સમૂહમાં રહેવાને બદલે જંગલમાં ઝૂંપડી બાંધીને રહેતો.તેની રાણીઓ તેની સેવા કરતી એક દિવસ એવું બન્યું કુંતી ઝૂંપડામાં હતા અને અવાજ સંભળાયો જલ્દી આવો! જલ્દી આવો! બહાર નીકળીને જોયું તો માદ્રીનો-એની સૌતનનો અવાજ હતો.ત્યાં ગયા પાંડુ અચેતન પડ્યા છે.માદ્રી કહે મહારાજને કંઈક થઈ ગયું છે.પાંડુનું મરણ થયું હતું.એ વખતે કુંતા થોડા ગુસ્સે થયા છે પણ માતૃત્વનો ગુસ્સો પણ થોડોક જ હોય છે. કુંતાએ માદ્રીને એવું કહ્યું કે અત્યારે કમળ ખીલ્યા છે,મંદ શીતળ,સુગંધી પવન વહી રહ્યો છે,કોયલ ટહુકી રહી છે, કામના સ્વભાવના બધા જ લક્ષણો છે આવે વખતે તું શા માટે પતિ બીમાર છે ત્યારે સારી રીતે તૈયાર થઈને ગઈ છો?!
બાપુએ કહ્યું કે મહાભારતના પાત્રો પર ઘણા વિદ્વાનોએ ખૂબ સરસ લખ્યું છે.નાનાભાઈ ભટ્ટ, દિનકરભાઇ જોશીએ પણ ઘણું લખ્યું.મહાભારતનો સાર સ્વામી સચ્ચિદાનંદજીએ પણ લખ્યું, ગુણવંતભાઈ શાહે માનવ સ્વભાવનું મહાભારત લખ્યું,મુનશીજીએ કૃષ્ણાવતાર અને નગીન બાપાએ કૃષ્ણ મહામાનવ,હરીન્દ્ર દવેએ પણ લખ્યું.કોઈ વિચારકોની કલમ ન પહોંચી હોય એવું નથી.અને જેની કલમ નથી ગઈ એની કલમ હવે જશે એવું લાગે છે.રોગીની પાસે કામનાઓ લઈને ન જવું જોઈએ,કુંતાએ ઠપકો આપ્યો.પછી એક તપસ્વી આવે છે કુંતા એને કહે છે કે તમારા આશ્રમમાંથી બે ચાર તપસ્વીને બોલાવો,ચિતા તૈયાર કરો.ચિતા તૈયાર થઈ પછી બંને માતાઓ વચ્ચે સંવાદ થાય છે.કુંતા કહે હું મોટી છું મારાથી કંઈ અપશબ્દો બોલાયા હોય તો માફ કરજો.પણ મારે પતિ સાથે બળી જવું જોઈએ.સતી થવું છે.એ કાળમાં એ પ્રથા હતી રામાયણ કાળમાં આ પ્રથા દશરથે અટકાવી અને ક્રાંતિ કરી હતી.બંને વચ્ચે રકઝક થાય છે કે પતિ સાથે હું બળીને સતી થાઉં.કુંતા કહે છે કે ક્યારેક મારા મનમાં પણ દ્વેષ હશે,માદ્રી કહે મને જવા દો પછી પૂછે છે કે તમે શું કરશો?ત્યારે કુંતા કહે હું ગાંધારી માતાની સેવા કરીશ.ખાનદાન પરિવારમાં લજ્જા રૂપે જગદંબા બેઠી હોય છે.ભલે એમ લાગે કે દીકરી બહેન કે માતાના રૂપમાં હોય.
બીજી એક નાનકડી કથામાં પાંડવોનો વનવાસ થયો. પાંચ પાંડવ અને દ્રૌપદી હસ્તિનાપુર છોડે છે આખી નગરી શોકાતુર છે.દુર્યોધન અને કર્ણ પણ વળાવવા આવ્યા છે.એ વખતે વનમાં જતા કુંતા યુધિષ્ઠિરને કહે છે કે આ નકુળ અને સહદેવનું ધ્યાન રાખજે ભીમને પણ સાચવજે.આ માતૃત્વ છે.
બાપુએ પોતાના દાદાને યાદ કરતા કહ્યું કે દાદાએ કહેલું લંકાકાંડ પ્રસાદ રૂપ છે.થોડું વિચિત્ર લાગે પણ મહાનનાં વાક્યો એની કૃપા થાય તો જ ઉકલે.આખો લંકાકાંડ મને ભણાવી ન શક્યા.એ દિવસોમાં દાદાની તબિયત બગડી.પછી સેવા એ જ રામાયણ સમજી અને મેં સતત તેની કાળજી લઈને સેવા કરી.એના નિર્વાણની એ ક્ષણ સાવ નાનકડા ગારથી લીંપેલા ઘરમાં મેં જોઈ છે.લંકાકાંડ એ સામૂહિક નિર્વાણનો કાંડ છે.યુદ્ધ પછી દેવતાઓને અમૃતવર્ષા કરવાનું કહેવાયું.રીંછ અને વાનરો જીવતા થયા.રાક્ષસો જીવતા ન થયા.અમૃત ભેદ ન કરે.રીંછ અને વાનરોને જાનકીને જોવાની ઈચ્છા હતી અને રાક્ષસોનું સામુહિક નિર્વાણ થયું છે.વિષાદ લાગે પણ એ પ્રસાદનો કાંડ છે.દાદા કહેતા બાલકાંડ પ્રકાશ પૂંજ છે ઘરમાં અજવાળા કરશે.જ્યારે-જ્યારે રામચરિત માનસનો પાઠ કરો બાલકાંડ અજવાળા કરશે.પહેલું પ્રકરણ ગુરુ વંદનાનું છે અને એ દીવા મણિદ્વીપ હશે જેને જગતનું કોઈ વાવાઝોડું ઓલવી શકશે નહીં.એ પણ કહ્યું કે ઉત્કર્ષનું મૂળ કદી ભૂલવું નહીં.જે ‘દી ઉત્કર્ષનું મૂળ ભૂલશો પ્રગતિ મળશે શાંતિ નહીં મળે, સાધનો મળશે સાધના જતી રહેશે.
બાપુએ કહ્યું કે અનુભવોના સો ટકામાંથી એંસી ટકા જ કહીશ કારણ કે સરસ્વતી સાધનામાં એકાદ શબ્દ આડા અવળો થશે ને સરસ્વતી રીસાશે છે તો કથા વગર અમે ગુજરી જઈશું!
બાપુએ કહ્યું કે ગુરુને ક્યાંય ગોતવા ન જશો ગુરુએ આપેલા ગ્રંથમાં એ દેખાશે.બુદ્ધ પુરુષ કાલાતિત હોય છે,આપણને જરૂર પડે ત્યારે એ ચેતનાનાં રૂપમાં કામ કરે છે.એ જ રીતે અયોધ્યાકાંડ એ પ્રેમ આપશે.
બાપુએ કહ્યું કે રામાયણ અભણ થઈને વાંચજો. નહીંતર દિવાળીને હોળીમાં ફેરવી નાખશો.આ ભલે ઠોઠનો ગ્રંથ,પણ ઠેઠનો ગ્રંથ છે.રામાયણ અભણ લોકોનું ઘરેણું છે.વિદ્વાનો માટે પણ છે પણ અભણની જગ્યાએ હું મને મુકું છું.
Box
કથા વિશેષ:
પરીક્ષામાં હનુમાનજીનો નંબર લંકામાં આવેલો!
પાંડવોને શિક્ષા ગુરુ દ્રોણે આપી,પણ દીક્ષા દાદા ભિષ્મએ આપી.
મરણશૈયા પર પાંડવો ગયા,પ્રશ્નો પૂછે છે અને એ વખતે યુધિષ્ઠિર પૂછે છે આ જગતમાં પૂજવા યોગ્ય કોણ છે?
ભીષ્મ કહે આવો જ પ્રશ્ન કૃષ્ણએ નારદને પૂછેલો.
એ પછી પૂજવા યોગ્યનાં કેટલાક લક્ષણો કહ્યા.
એ જોઈને લાગે કે આપણે ખોટા પૂજાતા હોઈએ છીએ અને પકડાઈ જઈએ!
સમાજ બહુ ઉદાર છે,આપણે લાયક છીએ કે નહીં એ પણ જોવું જોઈએ.
પાંડવોને ભિક્ષા આપી ભગવાન કૃષ્ણએ.
એ જ રીતે રામચરિત માનસમાં હનુમાનજીને શિક્ષા સૂર્યએ આપી.
દીક્ષા ભગવાન રામ આપે છે.
કીષ્કિંધા કાંડમાં એ કહે છે કે સૌમાં અનન્યતા જોવી.
જાણે હનુમાનજી લંકામાં પેપર આપવા જતા હોય એમ પરીક્ષા લંકામાં આપી અને પાસ થયા. હનુમાનજીને ભિક્ષા મા જાનકીએ આપી કે જાઓ મધુર ફળ ખાજો.