Nirmal Metro Gujarati News
article

હું સંકલ્પનું ગંગાજળ હાથમાં લઈને કહું છું: રામાયણ અને મહાભારત રાખો અને તમને કંઈ મુશ્કેલી પડે તો અડિયો દડિયો મારા ઉપર!”-બાપુ

 

પધરામણીમાં ઉઘરાણીની ગંધ આવે છે,હકીકતમાં એ હરિ આવવાની વધામણી છે.
ગ્રંથ નથી ડરાવતા,નાની-મોટી ગ્રંથિઓ બીવડાવે છે.
લોભ અને ભયથી જે ધર્મનું આચરણ થાય એ ધર્મ જ નથી.
ને બાપુએ છલકાતી ભાવનાઓથી પોતે રાસ રમીને કથા મંડપને ભીંજવી દીધો.
ત્રિભુવન રજથી પાવન ભૂમિ કાકીડીથી પ્રવાહિત રામકથાનાં સાતમા દિવસે વિવિધરસ અને કથાનકો વહેતા રહ્યા.
દ્રુપદ અને દ્રોણની મૈત્રી હતી.એ પછી વાંધા પડ્યા. એક પવિત્ર બ્રાહ્મણ,એક રાજા વિરોધી બન્યા.દ્રુપદે નક્કી કર્યું દ્રોણનો વધ કરે એવો દીકરો ઉત્પન્ન કરવો છે.યાધ નામના ઋષિ પાસે યજ્ઞ કરાવ્યો અને ધૃષ્ચધુમ્ન નામનો દીકરો અને યજ્ઞમાંથી,અગ્નિમાંથી દ્રૌપદી નિકળી.
આપણી માતૃશક્તિઓ પંચ તત્વોમાંથી પ્રગટી છે. દ્રૌપદી અગ્નિમાંથી,જાનકી ભૂમિમાંથી,લક્ષ્મી જળમાંથી,પાર્વતી પર્વતમાંથી,સરસ્વતિ-ભારતી આકાશમાંથી.અને ફરી એમાં જ ક્યાંક સમાઈ ગઈ છે.દ્રૌપદી અગ્નિ કન્યા,યજ્ઞકન્યા-યાજ્ઞસેની.પિતાને થયું યોગ્ય પુરુષ માટે સ્વયંવર કરું.પુરાણોમાં હરણ અપહરણ અને વરણ ત્રણે હતું.શરતો મૂકવામાં આવી.કૌરવો આવ્યા.પાંડવો પણ વેશ બદલીને આવ્યા.અને કૃષ્ણ પણ મહાભારતમાં અહીંથી જ પ્રવેશ કરે છે.દુર્યોધન શૈલ વગેરેએ પ્રયત્ન કર્યા.ચક્ર, માછલી,પાણી… કર્ણનું અપમાન થયું.અને કૃષ્ણનું વિશ્વમોહિત સ્મિતને સંકેત માની અને ગુડાકેશ ઉભો થયો.અર્જુને શિવ આરાધના કરેલી જેથી શિવ સ્વરૂપ હનુમાનજી વાનરના ગુણને કારણે સ્તંભ પર સડસડાટ ચડી ગયો.ત્રાજવા સંતુલનમાં રાખી માછલીની આંખ વિંધી.
બાપુએ કહ્યું કે કૃષ્ણાને મેળવવા આ શરતો છે તો કૃષ્ણને મેળવવા માટે શું?
એ માટે સંવેદનાનું જળ,પરસેવાનું,આંસુ.લપસણો સ્તંભ એ ચિત્ત છે.તુલ્ય નિંદા-સ્તુતિનું સંતુલન રાખે, સુખ-દુઃખ,માન-અપમાનના ત્રાજવાઓ સ્થિર રહે, નીચી-નમ્રતા રૂપી દૃષ્ટિ રાખે અને ફરતા કાળચક્રમાં અવસરનું છિદ્ર શોધી લે એ કૃષ્ણને મેળવી શકે છે. પછી કુંતા પ્રજાપતિને ત્યાં હતા.દ્રૌપદીને લવાયાં,જોયા વગર કહ્યું કે પાંચેય વહેંચીને રાખજો! અને એનો ઉકેલ માટે વ્યાસ અને નારદ આવ્યા.નારદે ઉકેલ આપ્યો કે એક-એક પાંડવોને ત્યાં એક-એક મહિનો રહેશે.ગાયને બચાવવા ધર્મસંકટ વખતે અર્જુન હથિયાર લેવા માટે અન્ય ઓરડામાં જાય છે નિયમ ભંગ થાય છે,સવૈચ્છિક વનવાસ ભોગવે છે-આવી બૃહદ મહાભારતની કથાનું વર્ણન થયું.
એ પછી બાપુએ હર્ષ અને ઉલ્લાસભેર વ્યાસપીઠથી નીચે ઉતરીને સુંદર મજાનો રાસ બધાની સાથે રમી અને પોતાના મનોભાવોને નૃત્યના રૂપમાં રજૂ કર્યા.

કથા વિશેષ:
ગ્રંથ નહિ,આપણી ગ્રંથિઓ બીવડાવે છે.
ત્રણ ચાર દિવસથી એક પ્રશ્ન આવે છે.આજે ભદ્રાયુભાઈ વછરાજાનીએ પણ પૂછ્યું છે:મહાભારત ઘરમાં રખાય નહીં,વંચાય નહીં,મહાભારતને કારણે અઘટિત ઘટનાઓ ઘટે છે,ગુણવંતભાઈ(ગુણવંત શાહ)એ મહાભારત લખ્યું અને એ બીમાર થયા તો આ વિશે આપના અભિપ્રાય?
બાપુએ કહ્યું કે:લોકોમાં એના વિશે ખોટી માન્યતા આવી ગઈ છે કે મહાભારતના કારણે ઘરમાં મહાભારત થાય છે.પણ મહાભારત એટલો મોટો ગ્રંથ છે-ગીતાપ્રેસ ગોરખપૂરે છ-સાત વોલ્યુમ આપ્યા અન્યોએ પણ છાપ્યું.લોકો રોજ થોડું-થોડું વાંચે તો એકાદ વર્ષ લાગી જાય.હું પોતે પણ ક્રમમાં કથા લઉં તો એક વરસ લાગે એટલી કથા,ઉપકથા.વ્યાસજીએ કોઈ વિષય છોડ્યો નથી.ગાય માટે,છાણ માટે,ગાયના ઘીના દીવા માટે પણ વ્યાસ લખે છે.શ્લોક અને લોક સુધી જવું હશે તો ગાયના છાણ સુધી જવું પડશે. આટલો મોટો,બૃહદ ગ્રંથ છે.આખા વર્ષમાં કોઈક ઘટના ઘટે જ.બીમાર પડીએ,અકસ્માત થાય.એ ઘટનાઓને મહાભારત પર આરોપિત કરવી એ ઈમાનદારી નથી.
બાપુએ કહ્યું કે હું જુના વખતમાં પધરામણી માટે જતો.ત્યારે હરીન્દ્ર દવેએ મને પૂછ્યું મેં કહેલું કે એ મને રજોગુણી શબ્દ લાગે છે.પધરામણીમાં ઉઘરાણીની ગંધ આવે છે,હકીકતમાં એ હરિ આવવાની વધામણી છે.ઘાટકોપર,કલકત્તા અને સુરતના ત્રણ અનુભવો.ત્રણેય પરિવારોમાંથી દ્રવ્ય વસ્ત્ર આપતા અને પધરામણીમાં મહાભારતનો આખો ગ્રંથ આપ્યા!એ માન્યતા કે ઘરમાં મહાભારત હોય તો મહાભારત થાય.ગ્રંથ નથી ડરાવતા નાની મોટી ગ્રંથિઓ બીવડાવે છે.
દેવતાઓના ગુરુ બૃહસ્પતિ.એનો દીકરો કચ છે. બાપના ચરણે પડી વિદ્યા ભણવી છે.દરેક વિદ્યામાં પારંગત થયો અને પગે લાગ્યો ત્યારે બૃહસ્પતિએ પૂછ્યું કે તને શાંતિ મળી?તો કહે ના.જે ગ્રંથ શાંતિ ન આપે એ ગ્રંથનું અધ્યયન શું કામનું?કહ્યું કે થોડો ત્યાગ કરીને આવ.ફરી પાછો આવ્યો,ફરી પૂછ્યું શાંતિ મળી?તો કે ના.હજી વધારે ત્યાગ કર.આમ અનેક વખત ત્યાગ કરતાં-કરતાં અંતે કોપીન અને કમંડળ રહ્યું અને પૂછ્યું કે શાંતિ મળી?કહ્યું કે ના,હવે તમે જ બતાવો.ત્યારે કહ્યું કે જ્યાં સુધી ચિત્તનો ત્યાગ નહીં કરે ત્યાં સુધી શાંતિ નહીં આવે. મહાભારત ઘરમાં વસાવો.એનાથી કોઈ નુકસાન નથી ગુણવંત શાહે લખ્યું,વધારે પડતા વિચારોને કારણે, વધારે શ્રમને કારણે કે ક્યારેક શબ્દો વધારે અકળામણનાં લીધે,ઉંમરને કારણે બીમારી આવી હશે.પણ તમે મહાભારત વાંચજો.
બાપુએ કહ્યું કે હું સંકલ્પનું ગંગાજળ હાથમાં લઈને કહું છું રામાયણ અને મહાભારત રાખો અને તમને કંઈ મુશ્કેલી પડે તો અડિયો દડિયો મારા ઉપર! આખું મહાભારત જેણે લખ્યું એ ક્યારેય બીમાર પડ્યા,ન વૈશ્યંપાય,ના જન્મજય,ના મને કંઈ થયું,ન દાદાને કંઈ થયું,તમે શેની રાડો પાડો છો!!
મહાભારત ન રાખો તો એનો એક ભાગ-ભગવદ ગીતા ઘરમાં રાખો.
આ કાકીડીને રામકથા મળી એનું કારણ છે મહાભારત.મૂળમાં મહાભારતને ફૂલ આવ્યું રામાયણનું.એની ખુશ્બુ વાયુમંડળમાં ફેલાઈ રહી છે. બાપુએ કહ્યું લોભ અને ભયથી જે ધર્મનું આચરણ થાય એ ધર્મ જ નથી.
હનુમાન ચાલીસાનાં પાઠમાં અષ્ટ સિદ્ધિ અને નવનિધિનો પાઠ હું હનુમાન બાપાને પગે લાગીને થોડોક ફેરવીને એમ કહું છું કે અષ્ટશુદ્ધિ અને નવધા ભક્તિ આપે છે.

Box2 શેષ-વિશેષ:
લક્ષ્મી ગાયનાં ગોબરમાં નિવાસ કરે છે.
વ્યાસની અનેક નાની-નાની કથાઓ.ક્યાંથી ક્યાં સુધી લઈ જાય છે.એક માછીમાર,જાળ ફેંકી અને એમાં એક ઋષિ પકડાયા.પાણીમાં ઋષિ અનુષ્ઠાન કરતા હતા,વરુણ અને સૂર્યની સાધના કરતા હતા.જેનું નામ ચ્યવન ઋષિ.આખું શરીર શેવાળયુક્ત બની ગયું હતું.બહાર કાઢ્યા અને રાજા પાસે ગયા અને રાજાએ પણ માફી માગી અને કહ્યું કે પ્રાયશ્ચિત અને મુક્તિનો માર્ગ બતાવો.એક લાખ સોના મહોર આપું. ઋષિ કહે:નહીં.એક કરોડ આપું,તો પણ કહે ના. અડધું રાજ્ય આપું,તો પણ ના કહી.રાજાએ કહ્યું કે તમે ઉપાય બતાવો.ત્યારે ઋષીએ કહ્યું:એક ગાયનું દાન કરી દે.આવી રીતે વ્યાસે ગાયનું મૂલ્ય બતાવ્યું.
લક્ષ્મીજી વિચરણ કરતા હતા.આગળ ગાયોનું ધણ હતું.લક્ષ્મી કહે દુનિયા આખી મારી પાછળ દોડે હું તમારી પાછળ દોડું,ઉભા રહો,મને તમારામાં રસ્તો આપો.સ્થાન આપો.ગાયો કહે અમારે તમને નથી જોઈતા.ખૂબ કાલાવાલાં કર્યા.ટોળામાં ન રાખો તો તમારા શરીરમાં રાખો!ગાયો પણ સમજતી હતી કે ધનની ક્યાંય જગ્યા નથી.છેવટે સમાધાન થયું કે અમારા અંગમાં જગ્યા નથી પણ શરીરમાંથી છાણ નીકળે છે એ ગોબરમાં લક્ષ્મીનો નિવાસ છે.

અમૃતબિંદુઓ:

રામકથામાં ષોડોપચાર ક્યા?
રામકથા એ પરમતત્વની ષોડોપચાર(સોળ પ્રકારની પૂજા)છે.
આવાહન:આઈએ હનુમંત બિરાજીએ
આસન-સૌથી ઊંચા આસને પોથી પધરાવીએ.
પાદ્યં-ગુરૂ સ્મરણમાં આંખ ભીંજાય.
અર્ધ્યં:કથામાં વક્તા આત્મષ્લાઘાને બદલે આત્મનિવેદન સંભળાવે.
આચમનિયં:કથાકાર શ્લોક,ચોપાઈ ગાતા હોય પીવડાવતા હોય એમ,
સ્નાનં:કરુણ પ્રસંગે વક્તા શ્રોતાની આંખ ભીંજાય. યજ્ઞોપવિત:નવ દિવસીય કથા-યજ્ઞોપવિતનાં નવ ધાગા.
ગંધ:આખા વિસ્તારમાં ખૂશ્બુ પ્રસરે.
અક્ષત:ત્રણ વખત ક્ષતિ નિવારણ માટે બોલીએ. પુષ્પાનિ:હજારો શ્રોતાઓ ફૂલો-ફ્લાવર્સ ઠાકોરના ચરણોમાં મૂકું
ધૂપ અને દીપ:આરતી વખતે થાય છે.
નૈવેદ્યં:હરિહર-પ્રસાદ.
વસ્ત્રં:રોજ પોથી બદલું છું.
દક્ષિણા:લેતો નથી!
આરતી:રોજ ગવાય છે.

Related posts

“રામાયણ અભણ થઈને વાંચજો”

Reporter1

ન્યૂયોર્ક સીટી ‘હાર્ટ ઓફ ધ વર્લ્ડ’ છે અને એમાં બાપુ બેઠા છે

Reporter1

વારાણસી નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

Reporter1
Translate »