Nirmal Metro Gujarati News
article

આત્મલિંગ સત્ય,ગોકર્ણ પ્રેમ અને ભદ્રકાલી કરુણા છે.

બીજાનો આનંદ ન જોઈ શકે તે કળિયુગનો ઈન્દ્ર છે.
દેશ,કાળ અને પાત્ર જોઈને દાન કરવું જોઈએ.
લોકમાન્યતા અગ્નિ છે જે આપણી તપસ્યાના જંગલને ભસ્મીભૂત કરી શકે છે.
જ્ઞાન અને ધન આવે એ સાથે જ વહેંચી દેવું જોઈએ,કારણ કે એનાં શીંગ વધારે સમય ટકશે નહીં.
ભરોસો એ શ્રદ્ધા અને વિશ્વાસનું આધ્યાત્મિક સંતાન છે.

મેલિંકેરી ગોકર્ણ-કર્ણાટક ખાતે ચાલી રહેલી રામકથાનાં બીજા દિવસે આરંભે જણાવ્યું કે આ ભૂમિ ઉપર ત્રણ વસ્તુનો સંગમ છે:ભગવાન શિવના આત્મલિંગ,ભદ્રકાલી અને ગોકર્ણનો.
એ પછી બાપુએ ભગવાન શિવના આત્મલિંગ સ્વરૂપની અહીં જોડાયેલી દંતકથા વિસ્તારથી કહી. બાપુએ કહ્યું કે જેમ ભગવાન કૃષ્ણ સોળ કળાઓથી પૂર્ણ છે,ભગવાન રામ પણ-કદાચ કોઈ અલગ ઢંગથી કહે કે બાર કળા-પણ એ પણ સોળ કળાઓથી પરિપૂર્ણ છે,એ જ રીતે ભગવાન શિવ સોળ કળાઓથી પૂર્ણ છે.જોકે શિવ વિશે માત્ર સોળ કળા પૂર્ણ કહેવું એ સંકીર્ણતા છે,એને સીમિત ન કરી શકીએ.
કારણ કે ગોસ્વામીજી શિવ વિશે કહે છે-સકલ કલા પણ ચર્ચા કરવા માટે કોઈ ૬૪ કલા,કોઈ ૩૨ કલાઓની વાત કરે છે.શિવને માપવો મુશ્કેલ છે.પણ સોળ કળા ઉપર ધ્યાન દઈએ તો દ્વાદશ જ્યોતિર્લિંગ એ શિવની બાર કલા છે.અને ચાર વધારાની જોડીએ તેમાં એક-આત્મલિંગ,એક પરબ્રહ્મલિંગ,એક માત્ર લિંગ સ્વરૂપ અને એક વિશ્વાસની લિંગ.
જ્યાં સુધી વિશ્વાસની સ્થાપના નથી થતી અનેક રહસ્યો જાણ્યા વગર રહી જઈએ છીએ.
આત્મલિંગ સત્ય છે,કારણ કે શિવ પરમસત્ય છે. ગોકર્ણ પ્રેમ છે અને ભદ્રકાલી કરુણા છે.
રાવણની માતા કૈકસી પણ શિવ ઉપાસક હતી એટલે એ ભ્રાંતિ હવે તૂટવી જોઈએ કે માતાઓ શિવપૂજાની અધિકારી નથી.એ પૂજામાં ઇન્દ્ર ઈર્ષા કરે છે.
બાપુએ કહ્યું કે:બીજાનો આનંદ ન જોઈ શકે તે કળિયુગનો ઈન્દ્ર છે.સર્વધર્મ પ્રાર્થનામાં આત્મલિંગ શિવ તું-શબ્દ આવ્યો છે.કર્ણાટક વિદ્વાનો,સંગીત અને સંસ્કૃતથી ભરેલી ભૂમિ છે.અહીં જે દંતકથા છે એમાં ગોવાળ આવે છે.બાપુએ કહ્યું કે આ ગોવાળની વાત ખ્રિસ્તી ધર્મ સાથે પણ તેમજ બુદ્ધ અને મહાવીર સાથે પણ જોડાયેલી છે.
રાવણ કૈલાશમાં આવીને આત્મલિંગ લઈ જવા માગે છે ત્યારે શિવ જાણે છે કે લંકા એના માટે યોગ્ય સ્થાન નથી.જેમ ગંગા સતી કહે છે:
કુપાત્રની આગળ પાનબાઈ વસ્તુ ન વહોરીએ,
સમજીને રહીએ ચૂપ;
મરને આવીને ધનનો ઢગલો કરે,
ને ભલે હોય મોટો ભૂપ.
જે ઘણા જ ધનવાન છે એને હું કથા નથી આપતો, બાપુએ કહ્યું કે મારો આખો રેકોર્ડ જોજો કદાચ કોઈ અપવાદ હોઈ શકે.ઈન્દ્ર આવે તો પણ હું કથા ન આપું.કારણ કે શાસ્ત્રો કહે છે કે:દેશ,કાળ અને પાત્ર જોઈને દાન કરવું જોઈએ.
અહીં ભદ્રકાળીમાં ભદ્રનો અર્થ કલ્યાણ છે.આ કરાલ કાલી નહીં પણ કલ્યાણકારી છે.
અહીં જમીનમાં આખી ગાય અદ્રશ્ય થાય છે,માત્ર કાન બચે છે.
અહીં તુલસીજીએ આખો વેદમંત્ર ચોપાઈમાં ઉતાર્યો છે:
જિન કે શ્રવણ સમુદ્ર સમાના;
કથા તુમ્હારિ સુભગ સરિ નાના.
રાવણ ગાયના કાન બચાવે છે.સમાજના રાવણ ઓછામાં ઓછા કાન પણ બચાવે અને શ્રવણ ભક્તિ સલામત રાખે એવી પ્રાર્થના કરીએ.ગાયના કાનનું મહત્વ છે જ.
પ્રતિષ્ઠા ત્રણ પ્રકારની હોય છે:લોક પ્રતિષ્ઠા,વેદ પ્રતિષ્ઠા અને બ્રહ્મ પ્રતિષ્ઠા.બ્રહ્માદી દેવો ગાયના શરીરમાં નિવાસ કરે છે એ એની બ્રહ્મ પ્રતિષ્ઠા છે. સાવધાની ન રાખીએ તો પ્રતિષ્ઠા નુકસાન કરે છે. લોકમાન્યતા અગ્નિ છે જે આપણી તપસ્યાના જંગલને ભસ્મીભૂત કરી શકે છે.
પરમાત્મા પણ પોતાના આશ્રિતોની ગંદકી ચાટી-ચાટી અને વાત્સલ્યથી આપણા કામ આદિ દોષોને હરે છે.
એ જ રીતે સુખ અને દુઃખમાં આપણે માગીએ કે ગાય જેવી ગુદડી ભગવાન આપે જેથી આપણે સંતુલન સાધી શકીએ.
જ્ઞાન અને ધન આવે એ સાથે જ વહેંચી દેવું જોઈએ.કારણ કે જ્ઞાન અને સમૃદ્ધિનાં શીંગ વધારે સમય ટકશે નહીં.
૧૦-૧૧ વરસ પહેલા અંબાજી ખાતે માતાજીની કથા હતી ત્યારે રૂખડ બાવાને યાદ કરીને એનો જન્મદિન મનાવેલો.આજે એ યાદ કરીને બાપુએ કીર્તન રાસ પણ કરાવ્યો.
કથાના વંદના પ્રકરણમાં જગતના માતા-પિતાની વંદના કરતા:
જનક સુતા જગજનની જાનકી;
અતિશય પ્રિય કરુણાનિધાન કી;
તા કે જુગપદ કમલ મનાવઉં,
જાસુ કૃપા નિરમલ મતિ પાવઉં.
રામના હજાર નામ,એમ દુર્ગાના પણ હજાર નામ છે સીતાના પણ હજાર નામ છે.આ અનેક નામમાં રામ નામ વિશેષ છે.રામ નામની વંદના કરતી વખતે નામ પ્રકરણ,નામ વંદનાનું ગાન અને સંવાદ થયો.
બાપુએ કહ્યું કે રામનું નામ આદિ અનાદિ છે.સૌપ્રથમ પ્રગટ થયેલો શબ્દ રામ છે.રામ પણ રામનામના ગુણનું વર્ણન કરી શકે નહીં એટલું અનંત છે. બાપુએ કહ્યું કે ભરોસો એ શ્રદ્ધા અને વિશ્વાસનું આધ્યાત્મિક સંતાન છે.

કથા વિશેષ:
ગાયનાં દરેક અંગ વિશિષ્ટ છે.
બાપુએ ગાય વિશે વાત કરતા કહ્યું કે ગાયના કાન પર સંગીતની અસર થાય છે,હરણ ઉપર પણ થાય છે.
સંગીત ચાલતું હોય ત્યાં સુધી સિંહ ગાય અને મૃગનો શિકાર કરતો નથી.
ગાયની પૂંછડીનું મહત્વ છે,પૂંછ એ ગૌમાતાની પ્રતિષ્ઠા છે.
વાગોળવામાં સૌથી વધુ ગાય આગળ છે.
સારું શ્રવણ કરે પછી ધ્યાનથી એનું મનન ચિંતન કરવું એ પણ એક પ્રકારનું વાગોળવું છે.
ગાયની જીભ પણ વિશિષ્ટ છે,એ પોતાના બાળકને પ્રસવ પછી જે પણ ગંદકી છે એ જીભથી ચાટે છે. ગાય ભાંભરે છે,બે વખતે ગાય ભાંભરતી હોય છે એનો સંધિકાળ આવે એ રજોગુણી ભાંભરવું અને પોતાના બાળકો-વાછરડાઓ યાદ આવે ત્યારે પણ ગાય ભાંભરે છે.
ચાટી-ચાટીને એના વાછરડાની ગંદકી દુર ન કરે ત્યાં સુધી ગાય બેસતી નથી.
ગાયની આંખ એ કરુણાથી ભરેલી છે,ઓશો કહે છે કે આપણને આંખ ગાયની મળેલી છે.
ગાયનું ગળું જેને ગુદળી કહેવાય એ બેલેન્સ કરે છે, સંતુલન રાખે છે.
ગાયના શિંગડામાં એક શીંગ એ જ્ઞાન અને બીજું ધનનું પ્રતીક છે,એ શીંગડા ઉપર ક્ષણમાત્ર તલ ટકી શકતો નથી.
ગાયનું દૂધ પરમ ધર્મનું નામ છે.
ગાયના આંચળ ધર્મ,અર્થ,કામ અને મોક્ષ છે,બરાબર દહન થાય તો બધું જ મળી શકે.
પંચગવ્ય પણ પવિત્ર છે અને એનાં ગોબરમાં એક વિશિષ્ટ પ્રકારની સુગંધ છે

Related posts

7000 devotees come together for auspicious Lakshmi Homa and satsang in the presence of Gurudev Sri Sri Ravi Shankar

Reporter1

Morari Bapu to honour primary teachers from 33 districts of Gujarat with Chitrakut Award

Reporter1

પ્રાચિન જાવાનીઝ સભ્યતા અને રામાયણી સનાતની દેશ ઇન્ડોનેશિયાની ભૂમિ પરથી ૯૪૧મી રામકથાનો મંગલ પ્રારંભ

Reporter1
Translate »