ગુજરાતી સાહિત્ય પરિષદની જ નહીં પરંતુ ગુજરાતી સાહિત્યની અજોડ ઘટના સમુ 34મુંજ્ઞાનસત્ર આગામી 5-6-7-8 ડિસેમ્બર, 2024ના દિવસોમાં કૈલાસ ગુરુકુળના પાવન પરિસરમાં પૂ. મોરારિબાપુની ઉપસ્થિતિમાં યોજાનાર છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ગત જાન્યુઆરીમાં ભોપાલ ખાતે યોજાયેલ અધિવેશન જેવી જ નવી નવી બેઠકોનું આ જ્ઞાનસત્રમાં આયોજન થયું છે. ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાની કાવ્યપંક્તિ ‘સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે’ આ જ્ઞાનસત્રની ટેગ લાઈન છે. જીવનનો ખરો આનંદ એટલે સાહિત્ય સર્જન અને એ સર્જનના વિવિધ રંગો આ જ્ઞાનસત્રમાં ઉઘડશે.
‘જય જય ગરવી ગુજરાત’ ગાનથી તા.5-12-2024ના દિવસે ઢળતી સાંજે પ્રારંભ થયા બાદ પરિષદની વાર્ષિક પ્રવૃત્તિઓનો અહેવાલ મહામંત્રી સમીર ભટ્ટ આપશે. ઉદ્દઘાટન બેઠકમાં પરિષદપ્રમુખ હર્ષદ ત્રિવેદી, ટ્રસ્ટીશ્રી રઘુવીર ચૌધરીના વક્તવ્ય બાદ ભારતીય સાહિત્ય સર્જક રાધાવલ્લભ ત્રિપાઠી ‘ભારતીય જ્ઞાનમીમાંસાની વિકાસયાત્રા આનંદની ગંગોત્રી’ વિષય પર બીજરૂપ વ્યાખ્યાન આપશે. આ ઉપરાંત પૂ. મોરારિબાપુનાં આશીર્વચન અને પરિષદના ઉપપ્રમુખ યોગેશ જોશીના આભારદર્શનથી ઉદ્દઘાટન બેઠક પૂર્ણ થશે.
બીજે દિવસે સવારે 6-12-2024ના દિવસે ‘આનંદક્રિડા : અંગતથી અખિલાઈ સુધીની’ – શીર્ષકની બેઠકમાં સાહિત્ય : માનવમનથી સંસ્કૃતિ સુધીની’ – વિષય પર અજય સરવૈયા, ‘સાહિત્ય અને માનવ સમાજ’ વિષય પર ગૌરાંગ જાનીના વક્તવ્ય થશે. બેઠકનું સંચાલન સ્વાધ્યાયપીઠ મંત્રી સેજલ શાહ કરશે. ત્યારપછીની બેઠક ‘આનંદક્રીડાની વૈચારિક પીઠિકા’ શીર્ષક હેઠળ ‘કાર્લ માર્ક્સ અને ગુજરાતી સાહિત્ય’ – વિષય પર સુલતાન અહમદ, ‘ગાંધી અને ગુજરાતી સાહિત્ય’ વિષય પર અરુણ દવે, ‘આંબેડકર અને ગુજરાતી સાહિત્ય પર’ વિષય પર મોહન પરમારના વક્તવ્યો રહેશે. આ બેઠકનું સંચાલન ગ્રંથાલયમંત્રી પરીક્ષિત જોશી કરશે.
બપોરની બેઠકમાં ‘આનંદક્રીડાનો આદિલોક’ શીર્ષકથી ભગવાનદાસ પટેલ આદિવાસી સાહિત્ય વિશે વક્તવ્ય આપશે. આ બેઠકનું સંચાલન જનક રાવલ કરશે. પછીની બેઠક વિશ્વસાહિત્યની ઉત્તમ ત્રણ કૃતિઓની છે જેમાં સોફોક્લિસની ‘ઇડિપસ રેક્સ’ પર સંજય મુખર્જી, અર્નેસ્ટ હેમિંગ્વેની ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ ઉપર સમીર ભટ્ટ અને ‘ધ વેસ્ટ લેન્ડ’ પર ભરત મહેતાના વક્તવ્ય થશે. પાંચમી બેઠક ભાષાવિજ્ઞાન પરની છે જેમાં ગુજરાતના ઉત્તમ ભાષાશાસ્ત્રીઓ અરવિંદ ભાંડારી અને હેમંત દવે ભાષાની આનંદક્રીડા વિષય પર વક્તવ્ય આપશે. આ બેઠકનું સંચાલન હાર્દી ભટ્ટ દ્વારા થશે. રાત્રે કવિ સંમેલન યોજાશે જેમાં દર્શક આચાર્યનું સર્જાતી કવિતા પરનું વ્યાખ્યાન હશે અને બેઠકનું સંચાલન હેમાંગ રાવલ દ્વારા થશે.
7મી તારીખે સવારે ‘આનંદક્રીડાના ભારતીય ઉદ્દગાર’ શીર્ષક હેઠળ માઘ વિશે હર્ષદેવ માધવ, સુરદાસ વિશે મૃદુલા પારિક, મિરઝા ગાલીબ વિશે શિનકાફ નિઝામ વક્તવ્ય આપશે. આ બેઠકનું સંચાલન સંજય ચૌધરી કરશે. જ્ઞાનસત્રની સાતમી બેઠક ‘આનંદક્રીડાના ગુજરાતી ઉદ્દગાર’માં મીરાં વિશે દર્શના ધોળકિયા, ન્હાનાલાલ વિશે સતીશ વ્યાસ, ચંદ્રકાંત શેઠ વિશે યોગેશ જોશીના વક્વ્ય થશે. બેઠકનું સંચાલન જ્યોતીન્દ્ર પંચોલી કરશે. આઠમી બેઠક સર્જાતા સાહિત્યના સરવૈયાની છે. 2023માં સર્જાયેલા સાહિત્યની આ બેઠકમાં કવિતા વિશે મનીષા દવે, નિબંધ વિશે દિકપાલસિંહ જાડેજા, નવલકથા વિશે નરેશ શુક્લ, ટૂંકીવાર્તા વિશે પન્ના ત્રિવેદી, નાટક વિશે પી.એસ. ચારી, બાળસાહિત્ય વિશે નટવર પટેલ વાત કરશે. આ બેઠકના અધ્યક્ષ રવીન્દ્ર પારેખ અને સંચાલક દાન વાઘેલા રહેશે.
આ વખતે પરિષદનો એક નવતર પ્રયોગ એ વિદ્યાર્થીઓની બેઠકનો છે. જેમાં ગુજરાતની તમામ યુનિવર્સિટીના પ્રતિનિધિ વિદ્યાર્થીઓ સ્ટેઇજ પર બેસી શ્રોતામાં ઉપસ્થિત સાહિત્યકારો સાથે પ્રશ્નોત્તરી કરશે. આ બેઠકનું સંયોજન મહેન્દ્રસિંહ પરમાર દ્વારા થશે. રાત્રે યજમાન સંસ્થા દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ થશે.
અંતિમ દિવસે સવારે સમકાલીન સાહિત્યના સરવૈયાની બીજી બેઠક યોજાશે જેમાં 2023ના અનુવાદ વિશે માલિની ગૌતમ, સંપાદનો વિશે કિશોર વ્યાસ, સંશોધન વિશે પ્રવીણ કુકડિયા, વિવેચન વિશે રાજેશ્વરી પટેલ વાત કરશે. બેઠકના અધ્યક્ષ ડંકેશ ઓઝા અને સંચાલક શિશિર રામાવત રહેશે.
જ્ઞાનસત્રની સમાપન બેઠકમાં પરિષદના ટ્રસ્ટીશ્રી હર્ષ બ્રહ્મભટ્ટ, પ્રમુખ હર્ષદ ત્રિવેદી ઉદ્દબોધન કરશે ત્યારબાદ પૂ. મોરારિબાપુના આશીર્વચન અને કેટલાક મહત્વના ઠરાવો કર્યા બાદ જ્ઞાનસત્ર સમાપ્ત થશે. સમાપન બેઠકનું સંચાલન મહામંત્રી સમીર ભટ્ટ કરશે.
માલણનદીના તીરે સાહિત્યના યજ્ઞ સમા આ જ્ઞાનસત્રમાં ગુજરાત અને મુંબઈના આશરે 400 જેટલા સાહિત્યરસિકો ઊપસ્થિત રહેશે.