બધા જ વિરોધને સાથે રાખીને જીવતા બાપની સ્મૃતિ અથવા તો એકલા જ કમાણી કરી અને જગત આખાને મુક્તિ પ્રદાન કરે એવા શિવરૂપી બાપની સ્મૃતિ એ શ્રાદ્ધ છે.
શાસ્ત્ર આપણને પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે પણ સેવન આપણે કરવું પડે છે
સ્પેન ખાતે ચાલી રહેલી રામકથાના પાંચમા દિવસે રોજની જેમ અનેક વાતો પુછાઇ હતી કોઈએ પૂછેલું કે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે,મારા દીકરાએ નવું ઘર લીધું છે તો આ દિવસોમાં નવા ઘરમાં જઈ શકે કે નહીં?
બાપુએ કહ્યું કે કથા પૂરી થયા પછી ઘરે જાઓ ત્યારે રામચરિત માનસ અને ગીતાજીને લઈ અને ગૃહ પ્રવેશ કરજો.અથવા તમારો સદગ્રંથ લઈને જજો. ઘરમાં અને ઘટમાં પ્રવેશ કરવા માટે કોઈ મૂહર્ત હોતું નથી.કારણ કે બહિર્યાત્રા અને અંતર્યાત્રાનું કોઈ મુહૂર્ત નથી હોતું.બાપુએ કહ્યું કે મારી સલાહ લીધી છે એટલે,બાકી શ્રાદ્ધ પક્ષમાં ઘણા મનાઇ પણ કરતા હશે.
મૃત્યુ પર સૂતક લાગવા વિશેનો પ્રશ્ન પણ કર્યો બાપુએ કહ્યું કે ઘરમાં સૂતકી ચહેરો લઈને ન બેસો તો મંગલ જ મંગલ જ છે.ઘણા લોકો ઘરમાં ગુસ્સે વાળો ચહેરો લઈ અને બેઠા હોય છે.
આપણે જે પંક્તિ લીધી છે ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે સૂતક ક્રિયા કર્યા પછી ભરતજી ભગવાન પાસે ગયા છે.જે કર્તવ્ય કર્મ હતું એ કર્યું એ પછી કોઈ નિષેધ નથી.કદાચ કોઈ કાળમાં મહાપુરુષોએ આવું કહ્યું હશે.નરસિંહ મહેતા કહે છે કે એ નર સૂતકી છે જે કૃષ્ણને ભજતો નથી.
બાપુએ કહ્યું કે હું ઐશ્વર્ય શબ્દનો ઉપયોગ કરું છું સૌંદર્યનો નહીં,કારણ કે સૌંદર્ય વધારે ટકતું નથી,પણ ઐશ્વર્ય,અભાવનું ઐશ્વર્ય-જે કાયમ ટકતું હોય છે સાદગી શૃંગાર હો ગઈ,આયનોં કી હાર હો ગઈ. બૈકલ ઉત્સાહીનો આ શેર છે
અને પરવાઝ સાહેબે લખ્યું છે:
વો સારે ખજાને ઉઠા કર લે ગયા;
એક ફકીર કી જો દુઆ લે ગયા,
મેં કૈસે ઉમ્મીદ છોડ દું કી વો મુજે મિલેગા નહી!
જાતે સમય વો મેરા પતા લે ગયા!
બાપુએ એ પણ કહ્યું કે આ મારી આ કથાઓ ચાલે નહીં એ માટે તાંત્રિક પ્રયોગ,અનુષ્ઠાન પણ ઘણા વખતથી ચાલી રહ્યા છે.પણ હવે મને પાકી ખબર પડી એટલે હું કહી રહ્યો છું કે આમાં મોટા-મોટા લોકો પણ જોડાયેલા છે.બાપુએ કહ્યું કે એનો પણ સ્વીકાર,કોઈ વેર ભાવથી ભજે,કોઈ પ્રેમ ભાવથી ભજી રહ્યું છે.
ટાગોરે તેની છેલ્લી અવસ્થા વખતે કહેલું કે મારા જીવનવૃક્ષના બધા જ પાંદડાઓ ખરી ગયા છે માત્ર ફળ જ છે અને એટલે જ ફળ સમજીને લોકો પથ્થર મારશે જ!
બાપુએ કહ્યું કે સમાધાન જ સમાધિ છે. શાસ્ત્ર આપણને પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે પણ સેવન આપણે કરવું પડે છે.દોષને મટાડી શકાય છે પણ દુઃખ ને દૂર કરી શકાય છે.
માતૃશક્તિના શ્રાદ્ધની સ્મૃતિમાં વાત થઈ રહી છે ત્યારે ગણેશ જનની-દુર્ગા,રાધા,લક્ષ્મી,સરસ્વતી અને સાવિત્રી-આ પ્રકૃતિ આ માતાઓને યાદ કરીને બાપુએ કહ્યું કે ગણેશની માતા પાર્વતી. દુર્ગ જે બહારથી રક્ષણ કરે છે અને દુર્ગા એ અંદરથી રક્ષા કરે છે.પાંચ પ્રકૃતિ.પ્ર-એટલે પ્રકૃષ્ટ,જેનો અર્થ થાય છે વિરલ,અથવા તો શ્રેષ્ઠતમ,એકમાત્ર.
એ જ રીતે રાધા તત્વ માતૃશક્તિ છે,જે આપણા પ્રેમ યોગ વિયોગની રક્ષા કરે છે.મહાલક્ષ્મી સરસ્વતી અને સાવિત્રી આ પંચદા પ્રકૃતિથી આખું બ્રહ્માંડ ચાલી રહ્યું છે.
પિતૃ સ્મૃતિની વાત કરીએ તો દશરથના નિધન પછી ભરત ક્રિયા કરે છે ત્યારે વશિષ્ઠને એ સિંહાસન,વસ્ત્ર, રાજ્ય,ધન ધાન્ય વગેરેનું દાન કરે છે આપણા પિતૃઓએ આપણા માટે જે કેડી કંડારી હોય એની સ્મૃતિ એ શ્રાદ્ધ છે.પિતાનો પ્રગાઢ મિત્ર એ પણ બાપ સમાન છે. એટલે રામે જટાયુની ક્રિયા કરી અને ઊંચો નિવાસ હોય પણ તેના કરતૂત હલકા હોય એ ગીધ છે.ગીધ અધમ છે, આમિષ ભોગી છે છતાં પણ રામે યોગીઓને આપે એવી ગતિ એની આપી છે અને જગતપિતા મહાદેવ-શિવનું સ્મરણ એ પણ પિતૃ શ્રાદ્ધ છે. બધા જ વિરોધને સાથે રાખીને જીવતા બાપની સ્મૃતિ અથવા તો એકલા જ કમાણી કરી અને જગત આખાને મુક્તિ પ્રદાન કરે એવા શિવરૂપી બાપની સ્મૃતિ એ શ્રાદ્ધ છે.
કથા પ્રવાહમાં નામકરણ સંસ્કાર તથા ઉપવિત અને વિદ્યાભ્યાસ સંસ્કાર બાદ વિશ્વામિત્ર સાથે લલિત નરલીલા કરતા રામ-લક્ષમણ વન તરફ પ્રસ્થાન કરે છે એ પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું.
કથા વિશેષ:
આ પાંચ વસ્તુ ખાસ કરો:
એકલા થઈ જાવ.જપ પણ ન કરો,વિચાર આવે તો એને સાક્ષી બની અને નિહાળતા રહો.
આપના ઇષ્ટ ગ્રંથનું અવલોકન અને દર્શન કરો.
ગુરુની સ્મૃતિમાં જે કોઈ ચીજ આપી છે એનું સેવન કરો.
અવસર મળે તો કોઈ સજ્જનનો સંગ કરો,તેની સાથે વાર્તાલાપ કરો.
સમજદાર લોકો સાથે ક્યારેય વિવાદ ન કરો.
આ પાંચનો જીવનમાં એકાદ મહિનો પ્રયોગ કરીને જુઓ.