આગામી-૯૪૪મી રામકથા નવલા નોરતાનાં પાવન દિવસોમાં ૫ ઓક્ટોબરથી મહાબલેશ્વર(કર્ણાટક)થી ગવાશે.
ઇષ્ટની સ્મૃતિનાં ચાર આધાર છે:નામ,રૂપ,લીલા અને ધામ.
સત્વગુણ બાંધે છે,ગુણાતિત આપણને મુક્ત રાખે છે.
“આજની યુવા પેઢીમાં દોષ હશે પણ દંભ નથી”
ગુણાતિતનું એ લક્ષણ હોય છે:એ દેહનગરમાં અને વિદેહનગરમાં વગર નિમંત્રણે જતા હોય છે.
કથાબીજ પંક્તિઓ:
કરી નૃપ ક્રિયા સંગ પુરબાસી;
ભરત ગયે જંહ પ્રભુ સુખરાસી.
-ઉત્તરકાંડ દોહો-૬૫
પુનિ પ્રભુ ગીધ ક્રિયા જિમિ કિન્હિ;
બધિ કબંધ સબરિહિ ગતિ દીન્હિ.
-ઉત્તરકાંડ દોહો-૬૬
સ્પેન ખાતે ચાલી રહેલી રામકથાના આજે પૂર્ણાહુતિ દિવસે ઉપસંહારક કથા સંવાદ કરતા બાપુએ જણાવ્યું કે આ દિવસોમાં પંચસ્મૃતિનું શ્રદ્ધાથી આપને શ્રાદ્ધ કરી રહ્યા છીએ.ગઈકાલે અતિથિ વિશેની સૂત્ર હતું.જયાં મનનો અતિથિ,નયનનો અતિથી અને ભવનના અતિથિની વાત કરેલી.
બાપુએ કહ્યું કે કોઈ અતિથી સત્વગુણી હોય છે. સત્વગુણ સંપન્ન અતિથિ આપણે ત્યાં આવે તો સારું લાગે છે.એમ થાય કે ક્યારેય ન જાય તો સારું. કારણ કે એ જાય તો કશક,પીડા,વીરહ,ઝૂરાપો થાય છે.ઘણા અતિથિ રજોગુણી હોય છે.જેને વ્યવસ્થા ખૂબ જ જોઈએ.એની કોઈને-કોઈ માગણી રહેતી હોય છે.જે આપણે ત્યાં વધારે ન રોકાય એવી આપણને ઈચ્છા હોય છે.અને એક તમોગુણી અતિથી-બોલવા,ચાલવા,ઉઠવા,બેસવા,વાત કરવાનો કોઈ વિવેક ના હોય.લોકો પ્રાર્થના કરતા હોય કે આવા અતિથિ આપને ત્યાં ન આવે એ જ સારું. ગીતાકાર કહે છે ગુણ ગુણમાં ભમે છે.પણ ભગવાનને પ્રાર્થના કરજો કે ત્રણેય ગુણથી મુક્ત કોઈ ગુણાતિત સાધુ મળી જાય.કારણ કે સત્વગુણ બાંધે છે અને ગુણાતિત આપણને મુક્ત રાખે છે. ભાગવતમાં બલિરાજા યજ્ઞ કરે છે ત્યારે વામન આવે છે.વામન એ ગુણાતિત અતિથિ છે.ઓછામાં ઓછા દોષ હોય અને દંભ બિલકુલ ન હોય એવા અતિથિ આપણે ઇચ્છીએ છીએ.
બાપુએ આજે આ કથાનાં મનોરથી-છ બહેનો અને એક ભાઈ-સાતેય યુવાનો તરફ પોતાનો પ્રસન્નતાનો ભાવ રાખીને કહ્યું કે આજની યુવા પેઢીમાં દંભ નથી જેના માટે હું સતત ઘૂમી રહ્યો છું.
મંથરા રજોગુણી અતિથિ છે.રજોગુણી ક્યારે બેસતો નથી અને તમોગુણી ક્યારેય ઊઠતા નથી.
પણ ગુણાતિત અતિથિના રૂપમાં રામ-ભગવાન રામ ગુણાતિત છે.બધા જ ગુણોથી યુક્ત પણ છે,ગુણનો સાગર પણ છે અને એક પણ ગુણ ન હોય એવો પણ છે.આ રામ બે જગ્યાએ અતિથિના રૂપમાં ગયા છે. રામ અતિથિનાં રૂપમાં વિદેહ નગર-જનકપુર પણ ગયા અને દેહનગર-લંકામાં પણ ગયા છે.
ગુણાતિતનું એ લક્ષણ હોય છે:એ દેહનગરમાં અને વિદેહનગરમાં વગર નિમંત્રણે જતા હોય છે.
બાપુએ કહ્યું કે ગુણાતિત શબ્દ બધાને લાગતો નથી. કૃષ્ણ ગુણાતિત છે.સાંદિપની કહે છે કે મારા બે શિષ્ય-કૃષ્ણ અને સુદામ-બંને ગુણાતિત છે.
આજે પાંચમું શ્રાદ્ધ ઈષ્ટની સ્મૃતિમાં સંવાદ કરતા બાપુએ કહ્યું કે આપણો ઇષ્ટ રામ હોય,કૃષ્ણ હોય જે પણ હોય.જેમાં આપનું સહજ અંતઃકરણ ઝૂકી જાય એ આપણો ઇષ્ટ.મારે આગ્રહ પણ નથી તો હઠાગ્રહની તો વાત જ નથી.આપના જે પણ ઇષ્ટ હોય એની સ્મૃતિ.નિરાકાર પણ હોય,સાકાર પણ હોય,એ શરીરધારી પણ હોય અને સગુણ પણ હોઈ શકે,નિર્ગુણ પણ હોઈ શકે.ઈષ્ટની સ્મૃતિ માટે ચાર આધાર છે:
એક છે નામ:એનું નામ સ્મૃતિ કરાવે.બીજું રૂપ એ આપણને એની યાદ દેવડાવે.ક્યારેક આપણને એ ધ્યાનમાં આવી જાય.ત્રીજું છે-લીલા:તેની લીલાઓ કથાઓ અને ચરિતોનું ગાન અને શ્રવણ આપણને એની સ્મૃતિ કરાવે.ચોથું-ધામ:એનાં ધામમાં આપણે અમુક સમય રહીએ તો આપણને એની સ્મૃતિથી ભરી દે.
એ પછી કથા પ્રવાહમાં ગરુડ અને કાગભુશુંડીનો સંવાદ ચાલ્યો.ગરુડ સાત પ્રશ્ન પૂછે છે.એક-એક પ્રશ્ન એક એક કાંડનું પ્રતિનિધિત્વ કરે છે.એ પછી ગરુડ પાંખો ફેલાવીને વૈકુંઠ જાય છે.શિવ પાર્વતીનો સંવાદ પણ રોકાય છે.તુલસીદાસજી વિરામ દેતા રામકથાના નીચોડ રૂપે કહે છે:
એહિ કલિકાલ ન સાધન દૂજા,
જોગ જગ્ય જપ તપ બ્રત પૂજા;
રામહી સુમિરિઅ ગાઇઅ રામહી,
સંતત સુનિઅ રામગુન ગ્રામહિ
આ જ સત્ય,પ્રેમ અને કરુણા છે.જે રામકથાનો સાર છે.એમ કહી બાપુએ પણ કથાને વિરામ આપ્યો.
આ રામકથાનું સુ-કૃત,સુ-ફળ વિશ્વભરની માતાઓ, પિતાઓ,દરેકના ગુરુઓ,અતિથિઓ અને પોત પોતાના ઇષ્ટ તેમજ આ ભૂમિના થયેલા મહાનુભાવોને અર્પણ કરવામાં આવ્યું.
આગામી-ક્રમમાં ૯૪૪મી-રામકથા કર્ણાટકનાં ગોકર્ણ મહાબલેશ્વર મંદિરનાં સાંન્નિધ્યમાં,નવરાત્રિનાં પવિત્ર પાવન દિવસોમાં ૫ ઓક્ટોબરથી ૧૩ ઓક્ટોબર દરમિયાન ગવાશે.
જેનું જીવંત પ્રસારણ નિયત નિયમિત સમયે આસ્થા ટીવી તેમજ ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ તેમજ સંગીતની દુનિયા યુ-ટ્યુબ ચેનલ ઉપરાંત સમય તફાવત મુજબ વિવિધ દેશોની નિયત ચેનલો પર પણ નિહાળી શકાશે.
કથા વિશેષ:
રામચરિત માનસના સાત સોપાનમાંથી આપણે શું શીખવું જોઈએ?
બાલકાંડથી નિર્દંભતા શીખવી.
અયોધ્યાકાંડથી સમ્યકતા-સુખ પણ ભોગવીએ, પણ થોડીક સીમા રાખીએ.
અરણ્યકાંડમાંથી સાધુ સંગ-કંપની સારી રાખવી.
કિષ્કિંધાકાંડમાંથી મૈત્રી-બધા સાથે ફ્રેન્ડશીપ. સુંદરકાંડમાંથી સંસારની બધી જ ખરાબ વસ્તુઓમાંથી સારપ પકડવી-એવું શિખવું.
લંકાકાંડમાંથી નિર્વાણ અને નિર્માણ માટે પણ યુદ્ધની જેમ ખૂબ કામ કરવું.
ઉત્તરકાંડમાંથી ધીરે-ધીરે વિશ્રામ તરફ ગતિ કરવી- એ આપણને શીખવાનું છે.