Nirmal Metro Gujarati News
article

બધું જ રુદ્રમય છે:અગ્નિ,સૂર્ય,ચંદ્ર,નક્ષત્ર,દિશાઓ, આકાશ,પહાડ બધું જ રુદ્ર છે. બુદ્ધપુરુષ કોઈ આશ્રિતનાં લક્ષણ જોતા જ નથી,જેવો છે એવો સ્વિકાર કરે છે

રાજદૂત રામદૂત બનીને રહે તો ક્યાંય પણ સફળ થાય છે.
સમાજને ચાલવાનું શીખવાડવા માટે બુદ્ધપુરુષ ઊલટી ચાલ ચાલતો હોય છે.
આ દેશની સભ્યતા બ્રહ્મા,વિષ્ણુ અને મહેશને જ માને છે પણ એને નામ બદલ્યા છે:એ બર્થ,લાઈફ અને ડેથ કહે છે.
“મને તો પોથીનો અર્થ ‘કૃપા’ જ સમજાય છે.”

રામમય,શિવમય,બુદ્ધમય ઇન્ડોનેશિયાની ભૂમિ પરથી પ્રવાહિત રામકથામાં આજે શ્રાવણી પૂર્ણિમા, બળેવ,રક્ષાબંધનનો દિવસ,રામકથાનો ત્રીજો દિવસ. તહેવારોની વધાઈ સાથે આરંભ કરતા બાપુએ આજે ભારતના રાજદૂત તરીકે ઉપસ્થિત ચક્રવર્તીજીને રાજપીઠ વ્યાસપીઠને આદર આપે છે એ બદલ ધન્યવાદ આપ્યા.
રાજદૂત વિશેની વાત કરતા બાપુએ કહ્યું કે રાજદૂત રામદૂત બનીને રહે તો ક્યાંય પણ સફળ થાય છે. રામદૂતનો મતલબ સત્ય,પ્રેમ અને કરુણાની છાંયામાં જીવવું.
રામચરિત માનસમાં અંગદ રાજદૂત બની રામકાર્ય કરે છે અને સફળ રહે છે.અંગદને રામ કહે છે કે આપણું કાર્ય થાય અને વિશ્વનું કલ્યાણ થાય એ રીતે રાજદૂત બનીને રાવણ પાસે જજે.
બાપુએ કહ્યું કે કોઈ વેર ભાવથી તો કોઈ પ્રેમભાવથી ભારતને ભજે છે.આપણી પાસે શરીર છે તો કંઈ ને કંઈ કામ કરાવશે જ.લાખ ઇચ્છીએ,નિષ્ક્રિય નહીં રહી શકીએ.કર્મ વગર એક ક્ષણ નહીં રહી શકીએ. શરીર કર્મ કરાવે છે.મન કોઈને કોઈમાં માનવા માટે ઉત્સુક રહે છે અને બુદ્ધિ કંઇને કંઈ જાણવાની ઈચ્છા કરે જ છે.રામ સંદેશ આપે છે કે એવું કર્મ કરજો કે રાવણના હિતમાં હોય,મારું અવતાર કાર્ય પૂર્ણ થાય અને આપણું કામ થઈ જાય.
અંગદ સત્તા પાસે સંધિ માટે જાય છે અને હનુમાનજી સત્ય માટે સીતા પાસે જાય છે.આજે પણ થોડીક જીજ્ઞાશાઓ હતી.પૂછાયું હતું કે બુદ્ધપુરુષને સમર્પિત આશ્રિતનાં લક્ષણો કેવા હોવા જોઈએ?બાપુએ કહ્યું કે બુદ્ધપુરુષ કોઈ આશ્રિતનાં લક્ષણ જોતા જ નથી,જેવો છે એવો સ્વિકાર કરે છે. આપણા ગુણોને કારણે નહીં પણ એની ઉદારતાને કારણે આપણને સદગુરુ સ્વિકારે છે.પણ એક જ વસ્તુ નીતાંત આવશ્યક છે,એ છે:દ્રઢ ભરોસો.બુદ્ધપુરુષ આપણા લક્ષણો જોત તો આપણે એમાં ક્યારેય પાસ ન થઈ શકત!ગંગા આપણા લક્ષણો જોતી નથી,જે પણ ન્હાય છે પવિત્ર થઈ જાય છે. બાપુએ એ પણ કહ્યું કે જેટલા પણ બુદ્ધપુરુષ આવ્યા,અપવાદ ને બાદ કરતા;એમના અંતિમ દસ વર્ષો ખૂબ જ મુશ્કેલીથી વિત્યા છે.ગાંધીજીને જુઓ! ઠાકૂર રામકૃષ્ણ દેવ,મહર્ષિ રમણ,મીરાં,ભગવાન બુધ્ધ-આ બધા જ દુઃખી થયા અથવા તો દુઃખી કરવામાં આવ્યા.બાપુએ કહ્યું કે બાળકને ચાલવાનું શીખવાડનાર મા એની આંગળી આપી અને પોતે ઉલ્ટા પગલે ચાલે છે એ જ રીતે સમાજને ચાલવાનું શીખવાડવા માટે બુદ્ધપુરુષ ઊલટી ચાલ ચાલતો હોય છે.ભવાની ને ક્યારેય સંશય થાય?શક્ય જ નથી. બાપુએ કહ્યું કે અભિષેક શબ્દ આવે તો મહાદેવ જ કેન્દ્રમાં દેખાય છે.રામનો અભિષેક,કૃષ્ણનો અભિષેક એ રુદ્રાભિષેક જ છે.બુદ્ધ પુરુષનો,સમુદ્રનો, માનસ-હ્રદયનો કે જગદંબાનો અભિષેક પણ રુદ્રાભિષેક જ છે.રામચરિત માનસમાં રુદ્ર શબ્દ માત્ર આઠ વખત આવ્યો છે આ રામચરિત માનસની અષ્ટાધ્યાયી છે.પણ મૂળમાં આ બધા જ રુદ્રાભિષેક જ છે કારણકે માનસમાં રામ રુદ્ર છે.ભશુંડિજી કહે છે રામ શતકોટિ રૂદ્ર છે.
આ દેશની સભ્યતા બ્રહ્મા,વિષ્ણુ અને મહેશને જ માને છે પણ એને નામ બદલ્યા છે:એ બર્થ,લાઈફ અને ડેથ કહે છે.બાપુએ ખાસ વાત કરી કે માનસ આપણા જેવા અભણ માટે સરળ અને પંડિતો માટે મુશ્કેલ છે, જ્યારે ભાગવત,વેદ,ગીતા આદિ ગ્રંથો પંડિતો માટે સરળ અને આપણા જેવા લોકો માટે કઠિન છે. માયાના ઘણા અર્થ થાય છે.અમરકોશ નામનો શબ્દકોશ ઘણા જ અર્થ આપે છે,સંસ્કૃતનાં અર્થથી સમૃદ્ધ છે,ત્યાં માયા એટલે પડદો,છળ,કપટ,નેટવર્ક, પ્રપંચ,ચાલાકી એવા અનેક અર્થ છે.પણ એમાં એણે એક અર્થ આપ્યો છે માયા એટલે:કૃપા.પરમાત્માની માયાથી આખું જગત વશ છે તો એ અર્થ છે પરમાત્માની કૃપાને આપણે વશ છીએ કારણ કે આપણો બાપ ક્યારેય કઠોર ન થઈ શકે.માયા-સીતા રાવણ ઉપર કૃપા કરવા માટે ગઈ છે. પરમાત્મા પણ કૃપા-માયાનો આશ્રય કરે છે,શ્રીમદ ભાગવત એને યોગમાયા કહે છે.
બાપુએ કહ્યું કે મને તો પોથીનો અર્થ કૃપા જ સમજાય છે.યજ્ઞ કરતી વખતે વિશ્વાસ હોવો જોઈએ,ભોજન કરાવવું જોઈએ,મંત્ર હોવો જોઈએ,દક્ષિણા હોવી જોઈએ અને શ્રદ્ધા હોવી જોઈએ.આપણો પણ આ પ્રેમયજ્ઞ એમાં પણ આ બધી જ વસ્તુઓ છે.
ગીતામાં કૃષ્ણ કહે છે કે રુદ્રમાં શંકર હું છું.એથી કૃષ્ણ પણ રુદ્ર છે.શાલીગ્રામ-એ પણ રુદ્ર છે અને દુર્ગા-મૃડાની રુદ્રાનિ…. શંકરાચાર્ય કહે છે દુર્ગા પણ રુદ્ર છે.ગુરુ બ્રહ્મા,ગુરુ વિષ્ણુ,ગુરુ દેવો મહેશ્વર… તો ગુરુ પણ રુદ્ર છે.અને સમુદ્ર રુદ્ર તો છે જ ક્યારેક રૌદ્ર રૂપ પણ દેખાડે છે.એટલે કેન્દ્રમાં આપણે સમુદ્રભિષેક એ રુદ્રાભિષેક જ કરી રહ્યા છીએ.એ પણ ઉમેર્યું કે તર્પણ અને અભિષેકમાં અંતર છે. તર્પણ ક્રિયાકાંડ છે અભિષેક કંઈક વિશેષ છે. ગઈકાલે શિવના સોળ રસ અને રામના સોળ શીલ વિશે વાત કરી.આજે ભગવાન કૃષ્ણની સોળ કલા બતાવીને એનો અભિષેક કરતાં બાપુએ કહ્યું કે આ બધું જ છે એટલે અભિષેક કરીએ એવો ભાવ નહીં પણ એમાં કઈ કળા છે એ જાણવા માટે આપણે વિચારીએ.કૃષ્ણ મથુરા ગયા છે અને કુબ્જા ત્રિભંગી છે એ ઘરે બોલાવે છે અને બધી જ સામગ્રી કૃષ્ણને અર્પણ કરે છે એ કુબ્જાનો કૃષ્ણને અભિષેક છે.આપણે ચોવીસ કલાકમાંથી ક્યારેય કોઈનું અમંગળ ન વિચારીએ તો એ આપણો માનસિક અભિષેક છે. આપણા નેત્ર પવિત્ર રહે એ નેત્રાભિષેક છે,આપણા હાથ શુભ કાર્ય કરે એ હસ્તાભિષેક છે અને શુભ કામ માટે આપણે ગતિ કરીએ એ પદાભિષેક છે.બધું જ રુદ્રમય છે.અગ્નિ,સૂર્ય,ચંદ્ર ,નક્ષત્ર,દિશાઓ, આકાશ,પહાડ બધું જ રુદ્ર છે.
કૃષ્ણની ૧૬ કળાઓમાં:
૧-નર્તન કલા:નૃત્ય કલા કૃષ્ણ જેવી અન્યમાં દેખાતી નથી.કૃષ્ણ ગોપીઓ ની વચ્ચે પણ નાચે છે અને કાળી નાગ ઉપર પણ નાચે છે.
૨-વાદન કલા:કૃષ્ણ મોરલી પણ વગાડે છે અને શંખ પણ વગાડે છે.
૩-ગાયન કલા:કૃષ્ણએ ઘણું ગાયું.પણ એકમાત્ર ગીત ભગવત ગીતા ૭૦૦ શ્લોકમાં આ એનું પરમગાન છે જે યુગો સુધી ગુંજતું રહેશે.
૪-કેશ કલા:ઘૂંઘરાળા વાળ એ કૃષ્ણની કેશ કલા છે. જેના ઉપર બ્રહ્માંડ મોહિત છે.
૫-વાક કલા:કૃષ્ણ બોલતા ત્યારે હિમાલયની કંદરાઓમાં સાધના કરતાં યોગી,તપસ્વીઓ દોડી અને સાંભળવા આવે છે.
૬-અસંગ કલા: બધાની વચ્ચે રહેવા છતાં અસંગ રહે છે.ગોપીઓ વચ્ચે,ગાયો વચ્ચે,રાજસભામાં,વ્રજમાં, વૃંદાવનમાં રહ્યા,અસંગ રહ્યા.મથુરા છોડ્યું ધણ છોડ્યું રણ છોડ્યું આજુબાજુના ગણોને છોડી દીધા અને યુદ્ધમાં પ્રણ પણ છોડ્યું!
બધાની વચ્ચે રહીને અસંગ રહેવું એ પરમાત્માની કલા છે.
૭-પ્રેમ કલા: પ્રેમ કરવાનું કોઈ કૃષ્ણ પાસે શીખે.
૮-કામ કરલા: કામ પણ કલા છે.બાપુએ કહ્યું કે ચેતન્ય પરંપરામાં જેટલા આચાર્ય થયા એની કૃષ્ણની ક્રિડાઓનું વર્ણન સ્વસ્થ ચિત હોય તો જ વાંચવું. રૂગ્ણ ચીતવાળા હોય એણે ન વાંચવું.ગોપીગીત અનેક ગીતોના વર્ણન સ્વસ્થ ચિતથી વાંચજો.કારણ કે ત્યાં સૌથી ઊંચાઈની કામ વિશેની વાત છે.
૯-રાજ કલા:રાજનીતિની કળા કૃષ્ણમાં અદભુત છે. ૧૦-યુદ્ધ કલા:ગજબની યુદ્ધ કળા છે.ક્યાં રોકાવું, ક્યાં નીકળી જવું એ કૃષ્ણ જાણે છે.
૧૧-સુદર્શન ચક્ર ચલાવવાની કળા.
૧૨-સારથી કલા:સારથ્ય-સારથીપણું.મહાભારતના ઘમાસાણ યુદ્ધમાં એવા પ્રકારે સારથીપણું કર્યું કે ઘોડાને પણ એક તીર લાગવા દીધું નથી.
૧૩-સેવા કલા:સેવા પણ કળા છે.કૃષ્ણ પાતર પણ ઉપાડે છે અને રાધિકાના પગ પણ દબાવે છે.
૧૪-રંગકલા:સૌથી મોટી કળા છે.બધા જ અવતારોમાં સૌથી વધારે રંગ કૃષ્ણ રમ્યા છે.
૧૫-કર્મ કુશળતા:એની કર્મકળા છે.જ્યાં વિવેક દેખાય છે.
૧૬-શાંતકલા:બધું જ કર્યા પછી ચૂપ થઈ જવું કૃષ્ણની શાંત કલા છે.શાંત રહેવું એ પણ કલા છે. કથાપ્રવાહમાં બાલકાંડની કથાનાં ક્રમમાં નામ વંદના અને નામમહિમાનું ગાયન થયા બાદ રામચરિત માનસની સનાતની પરંપરા બતાવતા તુલસીદાસજી કહે છે કે:પહેલા અનાદિ કવિ શિવજીએ રામચરિત માનસની રચના કરી અને પોતાનાં માનસમાં રાખ્યું. એ પછી આદિ કવિ વાલ્મીકિજીએ પણ એની રચના કરી.શિવજીએ એ રામચરિત સમય મેળવીને પાર્વતીજીને સંભળાવ્યું.કાગભુશુંડીજીને સંભળાવ્યું અને ભુશુંડિજીએ એ કથા ગરુડને આપી.એ પછી યાજ્ઞવલ્ક્યને મળી.યાજ્ઞવલ્ક્યએ ભરદ્વાજને સંભળાવી અને આ પ્રવાહી,પવિત્ર પરંપરા વરાહ ક્ષેત્રમાં તુલસીજીના ગુરુ નરહરિ મહારાજે તુલસીજીને વારંવાર સંભળાવી.એ પછી તુલસીદાસજીએ એને ભાષાબદ્ધ કરી અને સંવત ૧૬૩૧માં રામનવમીને દિવસે અયોધ્યામાં એનું પ્રકાશન થયું.ત્રેતા યુગમાં ભગવાન રામનું પ્રાગટ્ય રામ નવમીના દિવસે થયું ત્યારે જે જોગ,લગન,ગ્રહ, વાર અને તિથિ હતી એ જ બધી કળિયુગમાં રામનવમીના દિવસે ફરી યોગ સર્જાયો અને એ કળિયુગમાં તુલસીજીએ રામચરિત માનસનું અયોધ્યામાંથી પ્રકાશન કર્યું.
નવમી ભોમ બાર મધુમાસા;
અવધપુરી યહ ચરિત પ્રકાસા.
માનસ એટલે હૃદય,મન,મનુષ્ય,માન સરોવર એવા અર્થો થઈ શકે.તુલસીજીનું આ જંગમ માન સરોવર જેના ચાર ઘાટ:જ્ઞાન ઘાટ,ભક્તિ-ઉપાસનાનો ઘાટ, કર્મઘાટ અને શરણાગતિનો ઘાટ.જ્યાં સીડી નથી એ ગો-ઘાટ કહી શકાય.
પ્રયાગના આ ઘાટ પર ભારદ્વાજ રામ વિશે પૂછે છે આપણા જેવાનાં પરમાર્થ માટે રામ વિશે સંશય કરે છે અને એ પછી રામકથાનો આરંભ યાજ્ઞવલ્ક્ય દ્વારા થાય છે એ કથા આવતિકાલે.

Box:
અમૃતકથા
બીમારી આપણી અંદર છે અને આપણે કળા ઉપર આરોપ લગાવીએ છીએ.
બાપુએ કહ્યું કે કળાનું સન્માન થવું જોઈએ.મારી માતાએ આપેલી પવિત્ર આંખોથી હું તમામ કળાઓને માણું છું.હું જો આંખ બંધ કરી લઉં તો મને મારી ઉપર ભરોસો નથી.વિવેકાનંદજીના જીવનનો એક પ્રસંગ છે.જ્યારે એક રાજાએ વિવેકાનંદજીનું સન્માન કરવાનું હતું અને એક સભાખંડની અંદર,બાજુમાં વિવેકાનંદજીનો ઉતારો હતો.રાજાએ તમામ વ્યવસ્થા કરી.મંચ,સભાગૃહ,આસન તૈયાર કરી રાખ્યું.
એક નૃત્યાંગના વિવેકાનંદના સન્માનમાં નૃત્ય રજૂ કરવાની હતી.બધી જ તૈયારીઓ પૂરી થઈ.રાજાએ વિવેકાનંદજીનાં રૂમના બારણા ખટખટાવ્યા કે બધી જ તૈયારીઓ થઈ છે.આપ પધારો.ત્યારે વિવેકાનંદજીએ ના પાડતા કીધું કે હું સંન્યાસી છું, મારી પણ મર્યાદાઓ છે.પેલી નૃત્યાંગનાને રાજાએ કહ્યું કે સ્વામીજી સન્યાસી છે અને એની મર્યાદાને કારણે એ નૃત્ય જોવા માટે નહીં આવી શકે,તમે ક્ષમા કરો.ઇતિહાસ કહે છે કે નૃત્યાંગનાએ ઘૂઘરું બાંધ્યા, સ્વામીજીનાં ઓરડાના દરવાજાની સામે દીન દ્રષ્ટિથી જોઇને સૂરદાસજીનું પદ શરૂ કર્યું:હમારે પ્રભુ અવગુન ચિત ના ધરો…. નૃત્ય આગળ વધતું ગયું. અને છેલ્લી પંક્તિ આવી,અને નૃત્યાંગનાની આંખો ઝાર-ઝાર રડતી ગઈ.કહેવાય છે કે એ વખતે વિવેકાનંદજીએ પોતાના રૂમનું બારણું ખોલીને બહાર નીકળીને સભાખંડમાં આવી ગયા.અને નૃત્યાંગ્નાની કળાને એના નૃત્યને નીરખવા માંડ્યા.બાપુએ કહ્યું કે આપણી કમજોરી એ આપણી બીમારી છે અને આપણે અન્ય ઉપર એનો ઇલ્ઝામ લગાવીએ છીએ ત્યારે આપણે કળાનું અપમાન કરીએ છીએ.

Related posts

સદગુરુ મનનો જ્ઞાતા પણ છે અને નિર્માતા પણ છે. ગુરુ આપણને પોતાની નજરમાંથી ઉતારી નથી નાખતા,આપણે સ્વયં ઉતરી જઈએ છીએ

Reporter1

આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં મધ્યપ્રદેશે બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ રાજ્યએ “એક જ સમયે સૌથી મોટા હિન્દુ ધર્મગ્રંથ વાંચન” માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Reporter1

Unnati Coffee Partners with Tribal Communities in Odisha to Promote Sustainable Agriculture and Ecotourism

Reporter1
Translate »