હું બહુ બીઝી છું,કારણ કે હું ઇઝી છું:મોરારિબાપુ
રામાયણ ખાલી હિસ્ટ્રી નથી,બહુ મોટી મિસ્ટ્રી છે.
વેદનું પણ રક્ષણ થવું જોઈએ.
વેદ જેવું વૃદ્ધ કોણ છે!વેદનો મહિમા સચવાવો જોઈએ.
ગાયોનું જતન કરજો,પૂજા જ નહીં એને પ્રેમ કરજો.
જો હિન્દુસ્તાની હો તો કારણ વગર વૃક્ષોને ન કાપતા
આઠ દિવસમાં ૫૪ કરોડ જેવી રાશિ એકઠી થઇ છે.
વૃદ્ધને પ્રણામ એ બ્રહ્માને પ્રણામ કરીએ છીએ એવું કહી શકાય.
રાજકોટ કાયમ રામમય રહે એવી પ્રાર્થના પણ કરતો જઈશ:બાપુ
રાજકોટ ખાતે ચાલી રહેલી નવદિવસીય રામકથાનાં આઠમા દિવસે એક ઉપકારક હેતુ માટે આયોજિત રામકથામાં આ સદભાવના સદપ્રવૃત્તિના સંરક્ષક સ્વામીજી ઉપરાંત સંતરામ મંદિર નડિયાદનાં વર્તમાન પીઠાધીશ રામદાસ બાપુ,એમના સંદેશાવાહકો અને દ્વારકાના કેશવાનંદજી મહારાજ પણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત હતા.
આરંભે બાપુએ એક મંત્ર જે વૃક્ષનો મહિમા કરે છે એને સમજાવતા એ જ વસ્તુ વૃદ્ધોને પણ લાગુ પડે છે એવું જણાવ્યું.
બાપુએ કહ્યું કે વૃદ્ધોના ચરણમાં પણ બ્રહ્મા છે.કઈ રીતે?વૃદ્ધ ગમે તે હાલતમાં હશે,આપણી આગલી એકાદ બે પેઢીનું નિરીક્ષણ કરો!એનાં પગલાએ ગતિ કરી હશે તો જ આ સર્જન થયું હોય.
તો વૃદ્ધને પ્રણામ એ બ્રહ્માને પ્રણામ કરીએ એવું કહી શકાય.શાંતિ પર્વમાં ભીષ્મને પ્રશ્ન પૂછાયો ત્યારે એ કહે છે શ્રેષ્ઠતમ ધર્મને પ્રણામ કરીને જવાબ આપો. ભીષ્મ વૃધ્ધ છે છતાં પણ એ ધર્મને પ્રણામ કરે છે. વાલ્મિકીની અહલ્યાનાં પ્રસંગમાં અને તુલસીની અહલ્યાનાં પ્રસંગમાં થોડોક ભેદ દેખાય છે.તુલસીની અહલ્યાનો આશ્રમ ખાલી છે,સન્નાટો છે,એક ચટ્ટાન વાયુભક્ષા પડી છે.ભગવાન જિજ્ઞાશા કરે છે. વાલ્મિકીમાં તેજસ્વી પ્રતિભા સંપન્ન સ્ત્રી આશ્રમમાં રહે છે.ભારતીય નારીની ચાર પ્રતિભા,અલંકાર, ઘરેણા છે જે પુષ્પવાટિકામાં સીતાજીના ચાર લક્ષણો દેખાયા છે.શોભા,શીલ,સ્નેહ એવા લક્ષણો…એ વાલ્મિકીની અહલ્યામાં પણ બતાવ્યા.વાલ્મિકીમાં રામ,લક્ષ્મણ ઝૂકીને અહલ્યાના ચરણમાં વંદન કરે છે શ્રેષ્ઠ છે એને પગે લાગો.કોઈપણ વૃદ્ધ- વયોવૃધ્ધ, ધર્મવૃદ્ધ,જ્ઞાનવૃધ્ધ,અનુભવ વૃધ્ધ,વૈરાગ્ય વૃધ્ધ,સ્મૃતિ વૃદ્ધ અને તપોવૃધ્ધ હોય છે.આવા સાત-સાત વૃદ્ધો રામાયણમાં પણ બતાવ્યા છે.
રામકથા ત્રિભુવનીય કોષ છે,આમાં બધું જ છે. બાપુએ કહ્યું કે રાજકોટ કાયમ રામમય રહે એવી પ્રાર્થના પણ કરતો જઈશ.કૃષ્ણ પાંડવોને મળવા જાય છે ત્યારે ધર્મરાજને નમન કરે છે.ભીષ્મના ચરણ સ્પર્શ કરે છે,યુવાનોએ આ શીખવા જેવું છે. પાંચ હજાર વર્ષ થયા છતાં પણ કૃષ્ણ અપ્રાસંગિક નથી.અર્જુનને ગળે લગાડે છે,નકુળ અને સહદેવનું માથું પકડીને સૂંઘે છે.જેમણે આપણા જીવનનું સર્જન કર્યું હોય એવો કોઈ પણ વૃદ્ધ એ આપણો બ્રહ્મા છે.વૃદ્ધો આપણું ખાલી પોષણ કરે એ રીતે એ વિષ્ણુ છે,આપણી કુટેવો,આપણા આંતરિક દોષો, અને વિવિધ પ્રકારના કષાયો,અનાવશ્યક વસ્તુઓને હરી લે છે ત્યારે એ વૃદ્ધ આપણો મહાદેવ-મહેશ છે. એની તમામ પ્રકારની પ્રક્રિયા એ ઝાડવાંઓના પાંદડાઓ જેવી છે.વેદનું પણ રક્ષણ થવું જોઈએ.વેદ જેવું વૃદ્ધ કોણ છે! વેદનો મહિમા સચવાવો જોઈએ. ગાયોનું જતન કરજો,પૂજા જ નહીં એને પ્રેમ કરજો એવું પણ બાપુએ કહ્યું.રામાયણ ખાલી હિસ્ટ્રી નથી બહુ મોટી મિસ્ટ્રી છે.જો હિન્દુસ્તાની હો તો કારણ વગર વૃક્ષોને ન કાપતા,અતિ આવશ્યક હોય તો પહેલા પાંચ વૃક્ષોને વાવીને જ હથોડો હાથમાં લેજો. આ વૃદ્ધાશ્રમ વૃદ્ધમંદિર છે.બાપુએ કહ્યું કે હું બીઝી છું એનું કારણ હું ઈઝી છું! હું સહજતાથી બધાને મળું છું.
આપણે ચાર પ્રકારની વાણીની વાત જોઈ છે:પરા, પશ્યંતી,મધ્યમા અને વૈખરી વગેરે તો છે જ પણ અન્ય ચાર પ્રકારની વાણીમાં:એક વેદવાણી,બીજી ઋષિઓની વાણી,ત્રીજી આચાર્યોની વાણી.પણ પછી આચાર્યોના અનુયાયીઓ આવ્યા અને અનેક ગ્રુપો સર્જાયા.પણ વિશ્વની અત્યારે જરૂર છે સાધુની વાણીની. સાધુવાણીમાં વેદ પણ હોય,મુનીઓનું મૌન હોય અને ઋષિઓની ઋચાઓ પણ હોય છે. કથાપ્રવાહમાં સંક્ષિપ્ત રીતે ભૂશુંડી રામાયણનો આશ્રય લઈને બાપુએ કહ્યું કે આ નવ દિવસની કથા જેણે સાંભળી હશે એના પિતૃઓ જ્યાં હશે ત્યાં નૃત્ય કરતા હશે.
રામજન્મ પછી અયોધ્યામાં એક મહિનાનો દિવસ થયો.નામકરણ સંસ્કાર દ્વારા ચારે ભાઈઓના નામ થયા.વિદ્યા સંસ્કાર,ઉપનયન સંસ્કાર બાદ ગુરુ વિશ્વામિત્ર સાથે લીલાનો આરંભ થયો અને એક જ બાણથી તાડકાને મુક્તિ આપી.
આકાશ સનાતનનો પરિચય છે.દરેક કાળમાં પ્રાસંગિક હોય અને વર્તમાનમાં પ્રત્યક્ષ હોય એ સનાતન છે.બાપુએ કહ્યું સના અને તનનો સમન્વય છે.સુરજ પણ આથમી જવાનો,ચંદ્ર,નક્ષત્ર પૃથ્વી પણ નષ્ટ થશે ત્યારે આકાશ જ રહેશે.સભ્યતા લાંબી હોય,પણ ધર્મ ઊંચો હોય છે.
અહલ્યાના આશ્રમે આવ્યા પછી તુલસીજી ત્રિભંગી છંદ લખે છે કારણકે અહલ્યાના પાપ,તાપ અને સંતાપ રામની ચરણ રજતી મટી ગયા છે.
બાપુએ કહ્યું કે રામ વિચારક,સુધારક અને સ્વિકારક જ નહીં ઉદ્ધારક પણ છે.બાલકાંડમાં પુષ્પવાટિકા પ્રસંગ બાદ ધનુષ્ય ભંગની કથા વખતે બાપુએ ધનુષ્ય મધ્યમાંથી કેમ તૂટ્યું એના વિવિધ ભાવો-સંતો મહંતો વર્ણવે છે એ ભાવોનું-વર્ણન કર્યું.રામવિવાહ બાદ અયોધ્યામાં ચારે ભાઈઓ વિવાહ કરીને આવે છે અને એ પછી વિશ્વામિત્ર અયોધ્યામાંથી વિદાય લે છે અને બાલકાંડની સમાપ્તિ પર આજની કથાને વિરામ અપાયો.
આવતીકાલે આ કથાનો પૂર્ણાહુતિ દિવસ છે.કથા સવારે ૧૦ વાગ્યે શરૂ થશે
આરામ કથાએ જાણે આજે આટલા દિવસના તમામ વિક્રમો તોડ્યા હોય એટલી શ્રોતાઓની હાજરી ઉપરાંત પ્રસાદ ઘરોમાં ખૂબ લાંબી-લાંબી લાઈનો હતી.એકાદ લાખ લોકોએ પ્રસાદ લીધો હશે અનેક વખત મંડપ વધારવા છતાં ભીડ સમાતી ન હતી.
કથા વિશેષ:
વૃક્ષ મંદિર છે,કારણ કે…
મૂલે બ્રહ્મા ત્વચા વિષ્ણુ શાખે રૂદ્ર મહેશવ:
niપત્રે પત્રે તું દેવસ્ત્રામ વૃક્ષરાજ નમોસ્તુતે
(શાસ્ત્ર કહે છે:વૃક્ષનાં મૂળમાં બ્રહ્મા,વૃક્ષની ત્વચા-છાલમાં ભગવાન વિષ્ણુ છે.શાખાઓમાં રૂદ્ર મહેશ્વર-શિવ છે.પત્રે-પત્રે,પાંદડે પાંદડે તમામ દેવતાઓ,દેવોનાય દેવ યોગેશ્વર કૃષ્ણ નિવાસ કરે છે.એવા વૃક્ષરાજને ઋષી કહે પ્રણામ કરીએ છીએ.)