Nirmal Metro Gujarati News
article

મા રેવાના તીરે,વિશ્વ વિખ્યાત કબીરવડનાં સાંન્નિધ્યમાં ૯૪૯મી કથા

 

કબીર પોતે જ એક વડલો છે.
કબીર ક્રાંતિકારી,ભ્રાંતિહારી અને શાંતિકારી મહાપુરુષ છે.
જેનાથી આપણે ધન્યયતા અનુભવીએ એજ સાચું ધન છે.
સાધુ કોઇનો દ્રોહ ન કરે,જરુર પડ્યે વિદ્રોહ કરે.

કથા બીજ પંક્તિ:
બટુ બિસ્વાસ અચલ નિજ ધરમા;
તીરથરાજ સમાજ સુકરમા.
-બાલકાંડ.
બર તર કહ હરિ કથા પ્રસંગા;
આવહિં સુનહિં અનેક બિહંગા.
-ઉત્તરકાંડ.
ઇશુનાં નવા વરસની પહેલી કથા નર્મદા મૈયાનાં તીરે ભરુચથી વીસ કિમી દૂરનાં મંગલેશ્વર ગામેથી કબીર સાહેબની સમગ્ર ચેતનાને પ્રણામ કરીને બે સાધકો તત્વા અને જીવા નાસ્તિકતામાં ડૂબી ગયા તેને બહાર લાવવા ખુદ કબીર સાહેબ અહીં પધારીને ચાતુર્માસ રોકાયા અને નાસ્તિકતાની કુંપણને બુદ્ધિવાદનાં ઠુંઠાને વૃક્ષને કબીર સાહેબે સીંચીને પ્રેરણા અને પ્રકાશ પાથર્યા.આજે આ વડ સમગ્ર પૃથ્વી પર પ્રેરણા આપી રહ્યો છે.પ્રયાગમાં કુંભ બાર વર્ષે થાય છે અહીં કબીર કુંભ અઢાર વર્ષે પૂર્ણ થયો.વિકાસ પણ વિશ્રામદાયક હોવો જોઈએ.કાવેરીમાં સ્નાન કરવા દક્ષિણમાં જવાનું વ્રત હતું ત્યાં કાવેરી કુંભનો વિચાર રજૂ કરેલો કબીર માટે શું કહેવું?પ્રિય છે એમ કહીએ તો કોણ અપ્રિય એવો પ્રશ્ન થાય.પણ એની નજીક રહેવા પ્રયત્ન કરીએ.કબીર પોતે જ એક વડલો છે. રામચરિત માનસમાં વડલા,વડ,વટ,વટુ એવા ૧૧ શબ્દો આવ્યા છે.મનોરથી નરેશભાઈની પણ આ ૧૧મી કથા છે.જેનાથી આપણે ધન્યતા અનુભવીએ એ જ સાચું ધન છે.કબીરવડની ઘણી વડવાઈઓ છે જેમ કે:એ વિશ્વાસનો વડલો છે.જેની અસર એ પછીના સાહેબોમાં દેખાય છે.વડલો શાશ્વતતાનું પ્રતીક છે.એ વૈરાગ્યનો,વિવેકનો,વિચારનો,વિદ્રોહનો- અંધશ્રદ્ધા,પાખંડ,પાંડીત્યની સામે વિદ્રોહ કરે છે.કેવળ બૌધિકતા સામે વિદ્રોહ કરે છે.સાધુ કોઈનો દ્રોહ ન કરે પણ વિદ્રોહ જરૂર કરે.મુક્તિ માટે ભૂમિ નહીં ભૂમિકાની જરૂર પડે.તેથી જ અંતકાળે કાશી છોડીને કબીર મગહરમાં ગયા.કબીર ક્રાંતિકારી, ભ્રાંતિહારી અને શાંતિકારી મહાપુરુષ છે.
એ પૂર્ણતાનો,રચનાઓનો,,સાહસનો ભજનનો, ભોજનનો વડલો છે.આ બધી વડવાઈએ હીંચકવા આપણે આવ્યા છીએ.
આપણા ઘણા વડમાં સનાતનનો અક્ષય વટ, કબીરવડ,શાંતિનિકેતનમાં ટાગોરનો વટ,દુધરેજમાં પણ એક વડ,તલગાજરડાનો સાવિત્રી વટ.
અહીં બાલકાંડ અને ઉત્તરકાંડમાંથી લીધેલી એક એક પંક્તિઓ પર કથાગાન થશે.
પ્રવાહી અને પવિત્ર પરંપરામાં ગ્રંથ પરિચય વખતે સાત કાંડનો આ ગ્રંથ.પ્રથમ બાલકાંડના સાત મંત્રની વાત કરવામાં આવી.પંચદેવોની પૂજા,એ પછી વિવિધ પ્રકારની વંદનાઓ ગુરુવંદનાનું પદ અને અંતે હનુમંત વંદનાનું ગાન કરીને આજની કથાને વિરામ અપાયો.

*શેષ-વિશેષ:*
*વિશેષ ઉપસ્થિતિ*
કબીરી વિચારધારાનાં સંતો,જેમના સત્સંકલ્પથી પૂજ્ય બાપુએ કબીરવડ ખાતે કથા આપી છે એવા મહામંડલેશ્વર પૂજ્ય શિવરામ સાહેબ,મોરબી કબીર આશ્રમના મહંત શ્રી ગુરુચરણ સાહેબ,મંગળેશ્વર કબીર આશ્રમના મહંત શ્રી રાજેન્દ્રદાસ તથા અન્ય સંતોની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં કથાના મનોરથી અમેરિકા સ્થિત શ્રી નરેશભાઇ પટેલ-ઉષાબેન પટેલ પરિવારે ખાસ હાજરી આપી.
આ વિસ્તારના ધારાસભ્ય શ્રી અરુણસિંહજી રણા, નવ નિયુક્ત કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી,જીલ્લા પોલીસ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ,જી.ઈ.બી. તેમ જ માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ,અધિક નિવાસી કલેક્ટર શ્રી એન.આર.ધાધલ, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી,મંગળેશ્વર ગામના સરપંચશ્રી વિરેન્દ્રસિંહ,રામલોદના સામાજિક કાર્યકર જયભાઇ તેમ જ સ્થાનિક પદાધિકારીઓ અને આસપાસના ગામોના સરપંચશ્રીઓ તેમજ કથા અંગેની વ્યવસ્થા જેમના શિરે છે એવા મહુવાના પરેશભાઇ ફાફડાવાળા તેમ જ ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક અને ભરુચના વિદ્યાગુરુ શ્રી અભેસંગભાઇ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્યા.

*કથા વિશેષ:*
*ભરૂચ વાયુમંડળમાં આઠમી,કબીરવડ વાયુમંડળની છત્રછાયામાં પહેલીવાર કથાગાન.*
પૂજ્ય બાપુની સાડા છ દાયકાની કથા યાત્રા દરમિયાન ભરુચ ખાતે ૨૭-૧૧-૧૯૮૨ના દિવસે માત્ર એક જ વખત તલગાજરડી વ્યાસપીઠે કથાગાન કરેલું છે.૪૪ વર્ષના લાંબા ગાળા બાદ પુનઃ એકવાર ભરુચથી ૨૦ કિલોમીટર દૂર મંગલેશ્વર ગામે વ્યાસપીઠ પધારી છે.
આ અગાઉ મહાત્મા કબીરના નિર્વાણ સ્થાન મગહર ખાતે “માનસ મગહર” અને મોરબી ખાતે “માનસ સાહિબ” શીર્ષક અંતર્ગત કથા ગાન થઈ ચૂક્યું છે.
કબીરવડના વાયુમંડળમાં,પુણ્ય સલીલા રેવા મૈયાના તીરે,મંગલેશ્વર ગામની પચાસ વીઘા જેટલી જમીન પર જાણે ‘રામ નગરી’ સજાવાઇ છે.
જેમના શુભ સંકલ્પથી બાપુએ કબીરવડ ખાતે કથા આપી છે એવા મહામંડલેશ્વર પૂજ્ય શિવરામ સાહેબ,મોરબી કબીર આશ્રમના મહંત શ્રી ગુરુચરણ સાહેબ,મંગળેશ્વર કબીર આશ્રમના મહંત શ્રી રાજેન્દ્રદાસની સીધી દેખરેખ નીચે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો અને સ્વયંસેવકો તૈયારીમાં લાગેલા છે.વ્યાસપીઠના આશ્રિત એવા અમેરિકા સ્થિત શ્રી નરેશભાઇ પટેલ આ કથાના મનોરથી છે.મહુવાના શ્રી પરેશભાઇ ફાફડાવાળા તેમ જ ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયક શ્રી અભેસિંહ રાઠોડ કથા સંદર્ભે સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી રહ્યા છે.કથાના આયોજન સંદર્ભે ભરુચ જીલ્લાના અધિકારીઓ તથા પદાધિકારીઓનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે.
ભરુચના શ્રી જયરાજસિંહ માંગરોલા,મંગળેશ્વર ગામના સરપંચશ્રી વિરેન્દ્રસિંહ,રામલોદના સામાજિક કાર્યકર જયભાઇ તેમ જ આસપાસના ગામોના સરપંચશ્રીઓ પણ વ્યવસ્થા માટે સાથ સહકાર આપી રહ્યા છે.

*કબીરપંથી સાહેબશ્રીઓ અને મહામંડલેશ્વરોનાં શુધ્ધ હસ્તે દીપજ્યોતિ પ્રાગટ્ય થયો.*
છેક ૧૩મી સદી પછી ૭૦૦-૮૦૦ વર્ષ પહેલા અમરકંટકથી પદયાત્રા શરૂ કરીને કબીર સાહેબ અહીં આવેલા અને એ વટ વૃક્ષ આજે ત્રણ કિલોમીટરના ઘેરાવવામાં ફેલાયેલું છે.નર્મદા મૈયાના સામા કિનારેથી આ કિનારા સુધી શ્રદ્ધાથી નિમિત માત્ર મનોરથી નરેશભાઈ પટેલ અને ઉષાબેન પટેલના પરિવાર હરિ-ઓમ,હિનાબેન અને નેહાબેન દ્વારા આવકાર અને પોત-પોતાના ભાવ રાખવામાં આવ્યા સાથે સાથે મોરબી કબીર મંદિર ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ શિવરામ સાહેબે પોતાનાં ભાવ રાખ્યા.કાશી વારાણસી કબીરધામથી હજૂર શ્રી અર્ધનામ સાહેબે પોતાનો દિવ્ય ભાવ વ્યક્ત કર્યો.
અન્ય કબીર પંથી અને મહામંડલેશ્વરો મહામંડલેશ્વર પરમ પૂજ્ય ગુરુચરણદાસ સાહેબ-નડિયાદ સંતરામ મંદિર,ગણેશદાસજી તેમજ નિર્ગુણદાસજી.રાજકોટ કબીર મંદિર નરસંગદાસજી અને વડોદરા કબીર મંદિર પ્રિતમદાસજી,ખીમદાસજી મહારાજ,કણીરામ મહારાજ દુધરેજ તથા પાળીયાદના મહામંડલેશ્વર પૂજ્ય નિર્મળાબા અને ભયલુ બાપુ,જુનાગઢ મહામંડલેશ્વર જગજીવનદાસજી મહારાજ હાથીજણથી મહાદેવદાસ બાપુ,તોરણિયાથી રાજેન્દ્ર દાસ મહારાજ.
આ મહામંડલેશ્વરોના શુદ્ધ હસ્તોથી દિવ્ય જ્યોતિ દ્વારા મંગલ ગાનનો આરંભ વિધિ થયો.
આ કથાનું બીજ ૨૦૨૩માં મોરબીમાં ‘માનસ શ્રદ્ધાંજલિ’ વખતે સાહજિક રીતે નવ દિવસ રોટલા ખાવા આવવાની વાત બાપુએ કરી હતી.
૧૯૭૫થી જંબુસરમાં ભરૂચ આસપાસના પ્રદેશોને કથાનો લાભ મળ્યો અને એ ક્રમમાં આઠમી વખત બાપુ કથા ગાન કરી રહ્યા છે.જ્યારે મનોરથી નરેશભાઈ ૧૧મી વખત પોતાનો મનોરથ ભાવ રાખી રહ્યા છે.

 

Related posts

ગ્રંથકૃપા,ગુરુકૃપા અને ગૌરીશંકરની કૃપા-આ ત્રણેય કૃપા મળી જાય તો જગતમાં બધા જ દ્વાર ખુલી જાય છે

Master Admin

પ્રધાનમંત્રીશ્રીની યુક્રેનની સદભાવના મુલાકાત અને યુધ્ધ અટકાવવાનો સદભાવ ફળે એ માટે બાપુએ પ્રાર્થના સાથે આ પ્રયાસને ટેકો આપ્યો

Reporter1

Ujjivan Small Finance Bank receives RBI approval for foreign exchange services

Reporter1
Translate »