ગત દિવસોમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોના મોત નિપજયા હતાં. મહુવા શહેરમાં એક યુવકનું સ્કુટર સ્લીપ થતાં તેમનું મોત નિપજ્યું હતું અને બીજી ઘટનામાં વાઘનગરના યુવકનું પણ મોત થયું હતું. આ બંને યુવાનોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજારની સહાયતા રાશિ મોરારીબાપુએ અર્પણ કરી છે જે રકમ શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવશે.
બીજી તરફ રાજસ્થાનથી લગ્ન પ્રસંગે નિકળેલી જાનને મધ્યપ્રદેશના રાજગઢ નજીક અકસ્માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૩ લોકોનાં મોત નિપજયા છે. રામકથાના મઘ્યપ્રદેશ સ્થિત શ્રોતાઓ તેમજ નૈરોબીના રામકથાના શ્રોતાઓ દ્વારા પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૯૫,૦૦૦ ની રાશિ પહોંચાડવામાં આવશે.
અમદાવાદ થી ૯ મિત્રો ગળતેશ્વર ફરવા ગયા હતા અને તેમાંથી ત્રણ યુવકોનાં નર્મદા નદીમાં ડૂબી જતાં મોત નિપજયા હતા. તેમના પરિવારજનોને પણ રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે. વિવિધ ઘટનાઓમાં કુલ મળીને રુપિયા બે લાખ સીતેર હજારનું તુલસીદલ સમર્પિત કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.