રામકથા શૂન્ય અને પૂર્ણાંકનો સેતુ છે.
નિયતિનો સ્વીકાર કરો અને નિયતને સાફ રાખો.
કોઈપણ બાબત સહજતાથી કરો તો દરેક પ્રક્રિયા ધ્યાન છે.
“દક્ષિણામાં મેં મને જ આખેઆખો આપી દીધો છે!”
ચોથા દિવસની કથા વાતાવરણ અને વરસાદના કારણે થોડીક મોડી ચાલુ થઈ.બાપુએ કહ્યું કે રામચરિત માનસમાં બાલમિક શબ્દ સાત વખત અને રામાયણ શબ્દ ચાર વખત આવ્યો છે.
અહીં ગંડકી નદીમાં કોઈ પરિવાર સ્નાન કરવા જતાં જીવ ગુમાવ્યો એને શ્રદ્ધાંજલિ અને પચાસ હજાર રૂપિયાનું તુલસીપત્ર પણ અર્પણ થયું.
મહાભારતનું કારણ શું?એક જ શબ્દ છે જવાબમાં: નિયતિ.સંસારમાં જે પણ ઘટના ઘટે છે એની પાછળ નિયતિ કામ કરે છે.નિયતિનો સ્વીકાર કરો અને નિયતને સાફ રાખો.
ઓશો કોઈ પણ વિધિની પહેલા સક્રિય ધ્યાન કરાવતા હતા.આપણા ટાટ બાબા અક્રિય ધ્યાન કરાવે છે પણ મને પૂછવામાં આવે તો ન સક્રિય,ન અક્રીય,પણ સહજ ધ્યાન કરવું જોઈએ.
બાપુએ કહ્યું કે મારા માટે ભજન જ યમ છે,ભજન જ નિયમ છે,ભજન જ આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર,ધારણા ધ્યાન અને સમાધિ છે.ભજન જ અષ્ટાંગયોગ છે.ભજન બધું જ છે.તુલસીનો સહજ શબ્દ ઘણો જ પ્યારો છે.ઉત્તમા સહજાવસ્થા.સહજ અવસ્થા ઉત્તમ છે.નિયમ માણસને સ્વભાવિક રહેવા દેતો નથી.એટલે જ સહજ બેસો,સહજ ઉઠો,કોઈ પણ સ્થિતિ હોય એને એમાં સહજ રહો.
કોઈપણ બાબત સહજતાથી કરો તો દરેક પ્રક્રિયા ધ્યાન છે.સાધુ ખૂબ માસુમ હોય છે.એને વંદન ન કરો તો કોઈ વાંધો નહીં પણ વગર વિચાર્યે એના ઉપર ખરાબ બોલવું બહુ મોટો અપરાધ છે.મહાવીર સ્વામીએ આખી જિંદગીમાં ચાર સિદ્ધાંત આપ્યા: આત્મવિશ્વાસ,અહિંસા,અપરિગ્રહ,અનેકાંતવાદ. અનેકનો અંત.સત્ય મેળવવા માટે બધું જ છોડો, સત્યને પકડો.મહાવીર પરંપરાનાં આચાર્ય તુલસીએ પણ અનેકાંતવાદ ઉપર ખૂબ મોટું કામ કર્યું છે. આપણે શંકરાચાર્યની વાત સમજીએ છીએ એણે કહ્યું છે એકાંત.એકનો પણ અંત.કારણ કે એકાગ્ર સારો શબ્દ છે,પણ ત્યાં એકમાં અગ્રતા છે.હજી પણ કોઈ વધ્યું છે એ અગ્ર છે.એક છે તો ક્યારેક બે ની સંભાવના છે.નાગાર્જુન એને શૂન્ય કહે છે.જે શૂન્ય છે એ જ પૂર્ણ છે,બાકી બધું અપૂર્ણ છે.
રામકથા શૂન્ય અને પૂર્ણાંકનો સેતુ છે.
આજે બાપુને એક યુવાને પૂછેલા પ્રશ્નોનાં બાપુએ સાહજિક જવાબ આપ્યા.ત્રિભુવનદાદા ને હું આપના કરતાં પણ વધારે પ્રેમ કરું છું એટલે મારો અવિવેક થાય તો ક્ષમા કરશો એમ કહી અને પ્રશ્નમાં પૂછ્યું કે: દાદાજીને ગુરુદક્ષિણામાં શું આપેલું?
બાપુ: એ વખતની વાત છે જ્યારે હું ચડ્ડી પહેરતો.કોઈ મહેમાન આવે કે દાદાને ચા પીવી હોય, કારણ કે ચા ખૂબ પ્રિય હતી.પણ ઘરમાં ખાંડ ન હોય મારી મા મને ઓરડામાં બોલાવીને બાજરો આપી અને કહેતી કે દાદાને ખબર ન પડે એમ નેમચંદ કાકાને ત્યાં બાજરી વેંચી અને ખાંડ લઈ આવ.તો હું શું દક્ષિણા આપું!પણ દક્ષિણા એ જ્ઞાનોપદેશ છે.ગુરુ જે જ્ઞાન આપે એ ઉપદેશનું શતપ્રતિશત ગ્રહણ કરે એ જ ગુરુદક્ષિણા કહેવાય.ગુરુની પ્રસન્નતા નહીં એનું આયુષ્ય વધે એવું જીવવું જોઈએ.મેં દક્ષિણામાં મને જ આખેઆખો એમને આપી દીધો છે!
જીબ્રાન કહેતા કે પ્રેમમાં કોઈ ગિફ્ટ ન હોય,પ્રેમી ખુદ પોતાને જ આપી દે એ શ્રેષ્ઠ ગિફ્ટ છે.
તમારા ગુરુએ તમને દીક્ષા આપી હતી?
બાપુ: દીક્ષાની તો ખબર નથી પણ આ(રામચરિત માનસ)આપ્યું છે.
દાદા આપને રામચરિતમાન ક્યારે ભણાવતા?
બાપુ: કોઈ ટાઈમ ટેબલ ન હતું.બુદ્ધપુરુષ કાલાતિત હોય છે.પણ હું હાજર રહેતો અને જ્યારે પણ કહે કે ચાલો બેસી જઈએ ત્યારે ભણવા માટે બેસી જતો. કંઈક લેવું હોય તો મૂહર્ત જોવાય,દેવું હોય તો મૂહર્ત ન જુઓ.
તમને તમારા બુદ્ધપુરુષને મહેસુસી થાય છે?
બાપુ: મહેસુસીના બળ ઉપર જ જીવી રહ્યો છું. સ્મૃતિ જ ભજન છે.કૃષ્ણની સ્મૃતિ થાય અને આંખ ભરાઈ આવે તો એ ભજન છે.આંસુ આવી જાય અને ગાવાનું પણ બંધ થઈ જાય.આપણે ત્યાં પણ કેટલા બધા સ્મૃતિ ગ્રંથો છે પણ આપણે કેટલાની સ્મૃતિ રાખી શકશું? આપણા બુદ્ધપુરુષની સ્મૃતિમાં જ રહેવું જોઈએ.
આપનો મહામંત્ર?
બાપુ: રામ જ મહામંત્ર છે.
પ્રયાસનું સુખ ક્ષણિક હોય છે પ્રાસાદિક સુખ શાશ્વત હોય છે. કોઈ પક્ષી માળા નથી ફેરવતું,કોઈ પક્ષી મંત્ર નથી ભણતું કે પક્ષી પૂજા પાઠ પણ નથી કરતું.
ન માલા ન મંત્ર ન પૂજા ના સજદે;
ચીડિયોં કા ચહેંકના ઉસકી ઈબાદત હૈ.
બાપુએ કહ્યું કે ધર્મનો જન્મ ધીરજથી થાય છે અને ધર્મમાંથી વિવેક પેદા થાય છે. વિધિ કેટલી પણ મોટી હોય પણ હંમેશા નાની છે અને વિશ્વાસ રજ માત્ર હોય તો પણ ખૂબ જ મહાન છે.
આજે વાતાવરણને કારણે કથાને વહેલો વિરામ આપવામાં આવ્યો.
Box:
ઝેન કથા:એમ કે!
બુદ્ધ પરંપરાનો એક ઝેન ફકીર,કોટો ક્યોટો જાપાનની આ ઘટના છે.યુવાન સાધુ હતો.નદીના તટ ઉપર રહેતો હતો.સુંદર હતો.પરમાત્માએ એને બધું જ આપેલું.ઘણા લોકો તેને સાંભળવા જતા હતા.એમાં એક યુવાન છોકરી પણ જાય છે અને એ યુવાન છોકરી ત્યાં સત્સંગમાં આવતા એક યુવાનના મોહપાશમાં ફસાય છે.સાથે હરવા ફરવાનું બન્યું અને નાનપણમાં જ એ મા બની ગઈ.બાળક પેદા થયું.ચારે બાજુ હાહાકાર મચી ગયો.બધાએ પૂછ્યું કે નામ બતાવ આ કોનું સંતાન છે?આ બાળકના બાપનું નામ બોલ! છોકરીએ ભૂલ કરી હતી.અને એ જ છોકરીએ સાધુનું નામ આપી દીધું!આ બાળક આ સાધુનું છે.બધા જ લાઠી,પથ્થર લઈ અને સાધુની ઝૂંપડીએ આવ્યા,તૂટી પડ્યા.ઝુંપડી તોડી નાખી. સાધુએ બહાર આવીને પૂછ્યું કે આ શું કામ હુમલો કર્યો?ત્યારે કહ્યું કે તું પાપી છે, મારી છોકરીનું આ સંતાન એ તારું જ છે.સાધુ એટલું જ બોલ્યો:એમ કે! આ મારું બાળક છે?તો મને આપી દો.અને આ તારું પાપ તું રાખ એમ કરીને બધા નીકળી ગયા. સાધુએ બાળકનું પાલન૦પોષણ કરીને મોટું કર્યું. એક વર્ષ વીતી ગયું.એ છોકરીને પસ્તાવો થયો.એણે ઘરે વાત કરી કે મારા સંતાનનો અસલી બાપ એ સાધુ નહીં પણ પેલો માછલી વેચવાવાળો છે,જેને હું પ્રેમ કરતી હતી.મારે મારું બાળક પાછું જોઈએ છે અને છોકરીના મા-બાપ સાધુ પાસે આવી એના પગ પકડે છે અને કહે છે કે અમે ભૂલ કરી છે,આનો બાળક તું નથી,પેલો માછલી વેચનાર છે.એ વખતે પણ સાધુ એટલું જ બોલ્યો:એમ કે!આ કથા બુદ્ધ ઉપર નાનકડું પુસ્તક લખનાર ગુણવંત શાહે આલેખી છે.