Nirmal Metro Gujarati News
article

સત્યને શપથની, પ્રેમને અરથની અને કરુણાને ગરથની જરૂર નથી

સાધ્યને પકડો તો સાધન પકડમાં આવશે.
સાધુનો બેડલો સવાયો-તલગાજરડી વિનયે એક દિવસમાં કરોડનો આંકડો વટાવી દીધો!
વૃક્ષ દેવો ભવ: અને વૃદ્ધ દેવો ભવ:-એ પણ બોલાવું જોઈએ.
કથા ભીડનો નહિ, એકત્વનો વિષય છે.
રાજકોટનાં આંગણે સદ્ભાવના વૃધ્ધાશ્રમ અને વૃક્ષો માટે યોજાયેલી ત્રિભુવનીય રામકથાનાં બીજા દિવસે આરંભે બાપુએ તમામ સન્માનનીય લોકો તરફ પોતાની પ્રસન્નતાનો ભાવ રાખ્યો.સાથે જણાવ્યું કે આચાર્ય દેવવ્રતજીનાં કાર્યને બળ માટે બળ મળે એ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના.
બાપુએ કહ્યું કે ગઈકાલે તલગાજરડી ભાષામાં વિનય કરેલો કે વ્યાસપીઠ તુલસી પત્ર પધરાવશે.વ્યાસપીઠ સાથે રહેલા આ બધા જ,સંગીત મંડળી અને અમારી સાથે રહેલા લોકો દ્વારા પાંચ લાખનો ચેક આવતીકાલે અર્પણ કરીશું.ઉપરાંત વ્યાસપીઠ એક કરોડ રૂપિયા આપશે એવી વાત કરેલી.સાધુનો બેડલો સવાયો!હજી ૨૪ કલાક નથી થયા,ને સવા કરોડ રૂપિયા ભેગા થઈ ગયા છે.એ સ્વામીજી અને સંચાલકોને અર્પણ કરીશું.
બાપુએ કહ્યું કે મારા ફ્લાવર્સને નામની જરૂર નથી. નામ તો હરિનું,છતાયે નામ અને નોંધ પણ લેવાવી જોઈએ.ધર્મના ચાર ચરણ-સત્ય,તપ,પવિત્રતા અને દાન-એમાં કળિયુગમાં એકમાત્ર ચરણ વધ્યું છે-દાન. બાપુએ કહ્યું કે સત્યને શપથની જરૂર નથી,પ્રેમને અર્થઘટનની જરૂર નથી.પ્રેમ અકથનીય છે.કરુણાને ગરથ એટલે કે પૈસાની જરૂર નથી.અહીં પૈસા નહીં કરુણા વહી રહી છે. સત્યને શપથની,પ્રેમને અરથની અને કરુણાને ગરથની જરૂર નથી.સાધ્યને પકડો તો સાધન પકડમાં આવશે.સમુદ્રને જરૂર નથી,નદીઓ આપ મેળે આવે છે.કથાને પણ સાધન ન બનાવો. કથા મુલત: સાધ્ય છે.ટકોર પણ કરી કે કરોડ રૂપિયા જેટલું જ મહત્વ એક સામાન્ય માણસના રૂપિયાનું પણ છે તો એ માટે પણ અહીં વ્યવસ્થા કરાવજો એવું સ્ટેજનું સંચાલન કરતા મિતલભાઈ ખેતાણીનું નામ લઇને બાપુએ જણાવ્યું.
રામચરિત માનસના સાતેય કાંડમાં સાત વિદ્યા છે. એક શસ્ત્ર વિદ્યા.જેના આચાર્ય વિશ્વામિત્ર છે.બીજી શાસ્ત્ર વિદ્યા,જે વશિષ્ઠ મુનિએ રામને આપી.ત્રીજી વેદવિદ્યા.ચારેય વેદ બંદીજનોનું રૂપ લઈને રામ દરબારમાં ગાયન કરે છે.એક અધ્યાત્મ વિદ્યા પણ છે પાંચમી યોગવિદ્યા છે અને છઠ્ઠી લોકવિદ્યા છે.
આ લોકવિદ્યાનાં પેટા ભાગમાં વૃક્ષો,જળ,ભૂમિ,વાયુ, આકાશ,અગ્નિના પ્રકરણોને લઈ શકીએ.
લક્ષ્મી જળવિદ્યાનું પ્રતિક છે.એ સમુદ્રનું સંતાન છે.મા જાનકી ભૂમિવિદ્યા-પૃથ્વીમાંથી નીકળ્યા છે.શિવ પાર્વતીનાં લગ્ન એ બ્રહ્મ સાથે બ્રહ્મવિદ્યાનું જોડાણ છે સરસ્વતી આકાશવિદ્યા કારણ કે શબ્દ આકાશનું છોરું છે અને અંજના વાયુવિદ્યા છે.દ્રૌપદી-કૃષ્ણા અગ્નિવિદ્યા છે.
વૃક્ષારોપણ કરવું એ ભૂમિવિદ્યા છે.
બાપુએ કહ્યું કે વૃક્ષ દેવો ભવ: અને વૃદ્ધ દેવો ભવ: એ પણ બોલાવું જોઈએ અને એ રીતે બાપુએ વૃક્ષ દેવો ભવ:નો નાદ પણ કરાવ્યો.
કાગભુશુંડી પીપળાની નીચે ધ્યાન કરે છે,આંબાની નીચે પૂજા કરે છે,પીપળના ઝાડ નીચે જાપ કરે છે અને વડલા નીચે કથા કરે છે.કૈલાશમાં મકાન નથી વડલો જ છે.તો વૃક્ષનો આ રીતે ખૂબ જ મહિમા છે. મુંડક ઉપનિષદમાં કહેવાયું છે:એવા માણસ પાસે સાધ્ય રાખવું જે કર્તવ્ય પરાયણ હોય.મુંડક ઉપનિષદમાં એકર્ષિની વ્યાખ્યા આવી,એકલો જ પોતાની મૌલિક શ્રદ્ધાથી આવા યજ્ઞ કરે એ એકર્ષિ છે વૃક્ષ રોપવા માટે ખામણું કરો એ યજ્ઞકુંડ છે.
બાપુએ હસતા હસતા કહ્યું કે બધા ચોર બોલે નહીં કે અમે ચોર છીએ! એમ અમુક વક્તાઓ કોઈકના વચનો પોતાના નામે ચડાવે એ પણ એક પ્રકારની પ્રજ્ઞાચોરી છે.સાવ અજાણ્યા પ્રદેશમાં સાવ અજાણ્યા લોકો વચ્ચે કથા કરવાની થાય તો પરિચય કઈ રીતે આપવો? બાપુએ કહ્યું કે હું મારી ઓળખાણ ન આપુ,એને એની ઓળખાણ પૂછી લઉં તુલસીજીએ બધી વિદ્યા આપી.એમાં ખેતી, વૃક્ષારોપણ,વરસાદ,વૃક્ષ,ભૂમિ આ બધી વિદ્યા આવી.
બાપુએ વિરપ્પન કે જે ચંદનચોર હતો એના વિશે પણ કહ્યું કે મરતા પહેલા એ બોલેલો કે હું જ્યારે પણ ચંદનના ઝાડવાઓને કાપવાનું કહેતો ત્યારે સૌ પ્રથમ એની પૂજા કરે પછી કાપજો એવા પ્રકારનું વાક્ય બોલેલો અને એટલે એ ન પકડાતો એવી વાત એમણે કરેલી.
સંકલ્પ તો જ સિદ્ધ થાય જો એમાં પ્રાણબળ વધારે હોય.પ્રાણબળને વધારવા માટે હનુમાનની ઉપાસના કરવી.હનુમાનજીના ઉગ્રરૂપની સાધના ન કરવી પણ સૌમ્યરૂપની સાધના કરવી.જેની સાધના કરીએ એના લક્ષણો ઉતરે છે.લાંબા મંત્રોને બદલે હનુમાન ચાલીસાનાં પાઠ કરવા કારણકે હનુમાન ચાલીસા સિદ્ધ પણ છે અને શુદ્ધ પણ છે.ચોવીસ કલાકમાં અગિયાર વખત હનુમાન ચાલીસા કરવા.ન થાય તો નવ વખત,પાંચ વખત,એક વખત.અરે! એટલું પણ ન થાય તો બે દોહા,એ પણ ન કરી શકે તો કોઈ કરતા હોય એને નડવું નહીં.કારણ કે હનુમાન ચાલીસા આદિચાલીસા છે.જ્યારે પણ ધર્મસંકટ,પ્રાણસંકટ, રાષ્ટ્રસંકટ કે પરિવાર સંકટ આવે એ વખતે હનુમાન ચાલીસા ઉગારે છે.
હનુમંત વંદના પછી નામ વંદનાનું પ્રકરણ અને એની ચોપાઈઓનું ગાન કરતા કહ્યું કે હું તમારું નાક (પ્રતિષ્ઠા)નથી માગતો.તમારા બે કાન માગું છું. રામકથા માટે તમારા કાન પેટન્ટ કરાવી લો! કાન આપશો તો બેડો પાર છે.તુલસીદાસજી રામકથાની રચના કરે છે. ચાર ઘાટ ઉપર ચાર વક્તાઓ દ્વારા કથા ચાલુ થાય છે.દરેક વક્તા પાસે એક-એક શ્રોતા છે એનો મતલબ કથા ભીડનો વિષય નથી,કથા એકત્વનો વિષય છે.૧૬૩૧ની રામનવમીને દિવસે તુલસીદાસજી શરણાગતિના ઘાટ પર અયોધ્યામાં રામકથાનું પ્રકાશન કરે છે.એ પછી કુંભમેળામાં યાજ્ઞવલ્ક્ય અને ભરદ્વાજ દ્વારા રામકથાનો સંવાદ રચાય છે એ વખતે સૌપ્રથમ શિવકથાનો પ્રારંભ થાય છે.
શેષ-વિશેષ:
દાન પ્રવાહ ધોધની જેમ વહી રહ્યો છે,એનાં થોડાક નામો:
દરેકનું અભિવાદન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને સંતો-મહાનુભાવો દ્વારા કરાયું.
૧-એક લાખ જેટલા વૃક્ષો ચાર વર્ષ સુધી ઉછેરવામાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે.(એ તમામ ખર્ચ-૩૦ કરોડ રૂપિયાથી પણ વધારે ખાય)ઓનેક્સ સોલ્વન્ટનાં દિનેશભાઈ સાવલિયા દ્વારા દાન આપવામાં આવ્યું.
૨-ઉમેશભાઈ માલાણી(માલાણી કન્સ્ટ્રક્શન)દ્વારા સવા કરોડ રૂપિયાનું દાન.
૩-યુવા ચાર્ટ એકાઉન્ટ-રાકેશભાઈ કાનાબાર(દુબઈ) અને તેમની ટીમ દ્વારા ૧૧ લાખ રૂપિયાનો એક ઓરડો એવા ૧૧ ઓરડા સદભાવના વૃદ્ધાશ્રમ માટે બનાવવાનો સહયોગ.
૪-ઉદ્યોગપતિ વિપુલભાઈ હરસોંડા દ્વારા એક કરોડ રૂપિયાનું યોગદાન.
બાલાજી વેફર્સનાં ચંદુભાઈ વિરાણી દ્વારા અગાઉ પાંચ કરોડ રૂપિયા ઘોષિત થયેલા તેનું અભિવાદન થયું.
૫-રઘુવંશી વૈશ્વિક સંસ્થાના સતિષભાઈ વિઠલાણીનું અભિવાદન થયું.
ભરતભાઈ ચાંદ્રાણી(ચાંદ્રા પરિવાર-જયંતીભાઈ ચાંદ્રા પરિવાર)નું અભિવાદન થયું.
નિલેશભાઈ વાવડીયા(સંગીતની દુનિયાના પરિવાર) એમનું અભિવાદન થયું
સરસ મજાનું સુશોભન કરનાર અમરભાઈ ભાલોડીયા(ગેલેક્સી ગ્રુપ)નું અભિવાદન થયું.
આજે ૧૦ કરોડથી વધારે રાશિ દાન રૂપે આવી એવી જાહેરાત થઇ.
વિશેષ મહેમાન તરીકે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ પોતાનો સમય કાઢીને પધાર્યા,પોતાનું મનનીય પ્રવચન પણ તેમણે આપેલું. કાર્ષ્ણિ પીઠાધિશ ગુરુ શરણાનંદજી,જૈનાચાર્ય લોકેશ મુનિજી,જલારામ બાપાના પરિવારમાંથી રઘુરામ બાપા,આદરણીય નિર્મળાબા,લેખકો,કલાકારો, કથાકાર ભુપેન્દ્રભાઈ પંડ્યા,પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,નીતિનભાઈ વડગામા,ભદ્રાયુ ભાઈ સહિત અનેક સાહિત્ય અને કળા સાથે જોડાયેલા લોકો,ફૂલછાબનાં પૂર્વ તંત્રી કૌશિકભાઇ મહેતા તેમજ આ સંસ્થાના સર્વેસર્વા ડો. પરમાત્માનંદજી સરસ્વતી સાથે દરેક ક્ષેત્રનાં નામાંકિત લોકો શ્રોતાઓ રૂપે સામેલ થયા.
કથા-વિશેષ:
પરમાત્માની વ્યવસ્થામાં સહયોગ કરવો એ જ ઈશ્વર પૂજા છે:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી.
વૃક્ષો વાવે અને ઉગે તો જ વાવ્યા કહેવાય,નહીંતર ડાટ્યા કહેવાય.૧૨ થી ૧૫ ફૂટ સુધી વૃક્ષોનું જતન કરવાની જવાબદારી લેનાર સદભાવના વૃદ્ધાશ્રમમાં દાન પ્રવાહ વહેતો રહ્યો.
આરંભે સદભાવનાનાં માર્ગદર્શક પરમાત્માનંદજીએ કહ્યું કે બાપુ મારા કરતાં વિશેષ રીતે સહયોગ આપી રહ્યા છે અને આજે આચાર્ય દેવવ્રત જેમ ભીષ્મ પોતાની પ્રતિજ્ઞામાં અડગ હતા,એમ ખેડૂતો,જમીન અને ગાય માટે ધુણો ધખાવીને બેઠા છે એના માટે હું ગદગદ છું.આ કથાના સંરક્ષક હું નહીં પણ પૂજ્ય બાપુ હોય એટલી કાળજી લઈ રહ્યા છે.
આચાર્ય દેવવ્રતજીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે ભારતીય જીવન મૂલ્યોનું સંસ્થાપન કરનારા ભગવાન રામને વિશ્વમાં પ્રસરાવી રહેલા મોરારિબાપુ આપણા દેશનું પરમ સૌભાગ્ય છે કે આદિકાળથી ઋષિમુનિઓ અને સંતોનો માર્ગદર્શન સદા મળતું રહ્યું છે.ભારત આધ્યાત્મિક વિશ્વમાં વિશ્વનું માર્ગદર્શક હતું પણ થોડીક કમજોરીને કારણે વિદેશીઓનું ગુલામ બન્યું.સાંસ્કૃતિક વિરાસતનો વિનાશ થયો પણ ફરી પાછું ભારત આ બધા જ ઝંઝાવાતોની સામે એ જ વિરાસતને બચાવીને આગળ વધી રહ્યું છે.આ ભારતનું સૌભાગ્ય છે કે ગુજરાતની ધરતી સતત સંતો-મહંતો તેમજ ગાંધીજી,સરદાર પટેલ કે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવી હસ્તીઓના રૂપમાં પથ પ્રદર્શકો આપણને આપતી રહી છે. મોરારિબાપુએ આખું જીવન ભગવાન રામના જીવન દર્શન પુરા આખા વિશ્વને એની માનવતા દ્વારા કરાવ્યું એક રાજા પોતાની પ્રજા માટે કેવું ઉત્તરદાયિત્વ નિભાવે એ ભગવાન રામ પાસે આપણે શીખવું જોઈએ.એક પુત્ર,એક પિતા,એક પતિ અને એક ભાઈની જવાબદારી મર્યાદાથી કેવી રીતે રાખવી એ રામ સિવાય કોઈ ન શીખવી શકે.
આચાર્યજીએ કહ્યું કે હું ગામડાઓમાં ખેડૂતો વચ્ચે જતો હોઉં છું ત્યારે રસ્તામાં સદભાવનાએ વાવેલા વૃક્ષોની આખી કતારો જોઉં છું અને થાય કે હું ક્યારેય એને મળી શકું!
આખી દુનિયા અત્યારે એક ભયંકર રોગ ‘ગ્લોબલ વોર્મિંગ’થી પીડાઈ રહી છે.એના માટે કોઈ વૈજ્ઞાનિક કે ડોક્ટર નથી.આપણે બધાએ ભગવાનની વ્યવસ્થાને તોડવાનું કામ અને પર્યાવરણને બગાડવાનું કામ કર્યું છે અને એને કારણે દુનિયાભરમાં અનાવૃષ્ટિ,ભૂકંપ,લૂ,ગરમી,અતિ ઠંડી,અતિ વરસાદ, વગેરે થઈ રહ્યા છે.આ સદભાવના જેવી સંસ્થા માત્ર વૃક્ષો વાવવાનો સંકલ્પ નથી કરતી પણ એને ઉછેરી અને પાલન કરી અને મોટા કરવાની જવાબદારી લે છે એ માટે ખૂબ જ આનંદિત છું.વૃક્ષ બે વર્ષ જ પાલનપોષણ આપણી પાસે માંગે છે પછી જિંદગીભર એ આપણું પાલનપોષણ કરે છે. પરમાત્માની વ્યવસ્થામાં સહયોગ કરવો એ જ ઈશ્વર પૂજા છે.આપણે તન,મન અને ધનથી પૂરો સહયોગ કરવો જોઈએ.દેવતા એ છે જે આપણને આપે છે અને જીવન જીવવા ની રીત શીખવે છે. આથી જ માતા,પિતા,અતિથિ,આચાર્ય,સૂર્ય,
પૃથ્વિ આ બધા આપણા દેવ છે.

Related posts

Indian Racing Festival Round 1 Roars to Life at MIC with Top Global and Local Drivers on the grid

Reporter1

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વનાળીયા ગામે વિશ્વના પ્રથમ અને સૌથી મોટા સિંહ આકારના માઁ દુર્ગા મંદિરનું ભૂમિ પૂજન યોજાયું

Master Admin

Cycle Pure Agarbathi Unveils Exciting New Products For Diwali

Reporter1
Translate »