“છાપાઓએ આ કથામાં આહુતિ આપવાની શરૂઆત કરી છે,બધા જ છાપાઓને હું સાધુવાદ આપું છું”
બાળકોની શાળાનો સમય મોડો ન રાખી શકાય?પણ,શિક્ષણ આજે ધંધો બની ગયો છે-બાપુની વ્યથા ભરેલી ટકોર
કથા (જીવનમાં)ઉતરી જાય તો થાક ઉતરી જાય છે.
પ્રતિક્ષા એક બહુ મોટું વ્રત છે.
સાદ સાંભળજો!હું સાદ પાડવા આવ્યો છું:બાપુ
રેસકોર્ષની અયોધ્યા નગરી રાજકોટ ખાતે ચાલી રહેલી રામકથાનાં ચોથા દિવસે દાન પ્રવાહ અવિરત વહેતો રહ્યો છે.બાપુએ પણ કીધું કે રામમય રાજકોટના આંગણે વૃદ્ધો અને વૃક્ષોની સેવા માટે ઉપકારક યજ્ઞ અનુષ્ઠાનમાં મારો બેડલો ત્રણ ગણો થઇ ગ્યો!અને હવે સૂચનાઓ પણ અપાઇ છે કે વ્યવસ્થા કઈ-કઈ જગ્યાએ થયેલી છે.
એક પ્રશ્ન પૂછાયો હતો કે આ વૃદ્ધોની સેવા કરવામાં કોઈ સરળ વાત અમને બતાવો.બાપુએ જણાવ્યું કે બે વસ્તુ મેં પહેલા પણ કહી છે અને વારંવાર કહું છું એક-વૃદ્ધ હાજર હોય ત્યારે એની સેવા કરો અને,બે- એ વિદાય લે ત્યારે એનું સ્મરણ કરો,એનું ગુણ સંકીર્તન કરો,એની સ્મૃતિને ભૂલો નહીં.આજે બીજી બે વાત કરું:વૃદ્ધોનું સંરક્ષણ કરો એટલે કે એની રક્ષા કરો.
આ કથા શું કામે આપી?લાભાર્થે કથા આપું ત્યારે ઘણી વખત એવું પણ બન્યું છે કે કથા ગૌણ બની જાય અને લાભ જ પ્રધાન બની જતા જોયું છે.પણ અહીં તમે સાધ્યને પકડ્યું છે એટલે સાધન દોડતું આવે છે.તો ત્રીજી વાત એ છે વૃદ્ધોના સંરક્ષક બનો, બાપની પાસે ઊભા રહો.અને ચોથું સૂત્ર છે:સમર્પણ કરો.આમ સેવા,સ્મરણ,સંરક્ષણ અને સમર્પણ એ વૃદ્ધો માટે કરવા જેવા સરળ કામ છે.
સેવાની જો કોઈ અપેક્ષા રાખીને કરશો તો કદાચ અશાંતિ પેદા કરશે.
બાપુએ આજે ફરી એક વખત કહ્યું કે છાપાઓએ આ કથામાં આહુતિ આપવાની શરૂઆત કરી છે બધા જ છાપાઓને હું સાધુવાદ આપું છું.
વ્યવસ્થા હોવી જોઈએ પણ વિષમતા ન હોવી જોઈએ એમ પણ કહ્યું.બાપુએ કહ્યું કે ગુણવંત શાહે લખેલું છે કે ભાગવત-ભગવાનની કથાથી શું થાય? રસવૃદ્ધિ થાય,રસતૃપ્તિ થાય અને રસનિમજ્જન એટલે કે રસનું સ્નાન થાય છે.
સેવાનું ફળ મળે એમ નહીં,મને રસ મળશે એ રીતે સેવા કરો.સ્મરણમાં ફળની અપેક્ષા રાખશો તો નિરાશા પ્રગટ થશે.
બીજા વિશ્વયુદ્ધમાં એક સૈનિક ખૂબ ઘવાયો,એના મિત્રને અતિશય ઈચ્છા હતી કે એને હું મળું.ખૂબ આગ્રહ કર્યો અને મૃત્યુની પણ પરવા કર્યા વગર જે મિત્ર ગોળીઓથી ઘવાયો હતો વીંધાયો હતો,છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા એને મળવા ગયો,ત્યારે પહેલો મિત્ર એટલું જ બોલ્યો મને ખાતરી હતી કે તું આવીશ જ!આમ પ્રતીક્ષા એક બહુ મોટું વ્રત છે. બાપુએ કહ્યું કે વિદેશોમાં પણ વૃદ્ધાશ્રમ એ ઓલ્ડ હાઉસ છે,પણ અહીં આપણે સંવેદના છે.
સંરક્ષણ આપવું પણ એનું ફળ ન ઇચ્છતા.નહિંતર એનો અહંકાર આવશે.સમર્પણ કરતી વખતે પણ ફળની અપેક્ષા રાખીશું તો દાંભિક બની જઈશું.
વેદ કહે છે તમારા ઘરમાં સાત રત્નો છે. બાપુએ આ સાત રત્નો બતાવ્યા.દમ,દમન,ઈન્દ્રીય નીગ્રહ એવો અર્થ થાય પણ સંસ્કૃતમાં દમનો અર્થ ઘર પણ થાય છે.હરિનામ લેતા-લેતા જાગો તો એ ચોથો પ્રહર જ છે.ઓશો જેમ કહેતા કે સાધુ જાગે એ જ બ્રહ્મ મુહૂર્ત છે.
બાપુએ આજે ટકોર કરી કે એક રાજ્યમાં બહુ મોટા વિદ્યાલયનું ઉદઘાટન કરવા ગયો પણ એ એનો ધંધો હતો.શિક્ષણ આજે ધંધો બની ગયો છે.બાળકોની શાળાનો સમય મોડો ન રાખી શકાય?કારણ કે ઊંઘમાંથી ઊઠીને ધરાર બાળકોને શાળાએ ધકેલીયે છીએ એ છોકરો શું ભણશે! થોડાક પ્રેક્ટીકલ બનીએ.પણ શિક્ષણ ધંધો બની ગયો છે.
દિનચર્યા વિશે વાત કરતા બાપુએ પાંડુરંગ દાદાએ આપેલી ત્રિકાળ સંધ્યાને સંવાદી રીતે સમજાવી બાપુએ કહ્યું:
કશુંક કહેવાને આવ્યો છું,કરગરવાને નથી આવ્યો; બીજાની જેમ હું જીવન અનુસરવાને નથી આવ્યો;
હે દયાના સાગર! તું મને તારામાં સમાવી લે,
હું અહીં ડૂબવાને આવ્યો છું,તરવાને નથી આવ્યો!
કથા (જીવનમાં)ઉતરી જાય તો થાક ઉતરી જાય છે.
વેદમાં બતાવેલા સાત રત્નોમાં એક રત્ન છે:અગ્નિ. જો તમારા ઘરમાં અગ્નિ હશે અને અગ્નિ સાથે જોડાયેલા સાતે ય રત્નો છે.બાપુએ કહ્યું કે ખાવા યોગ્ય ખોરાક તે ઘરનું રતન છે.યુવાનો ડ્રગથી બચે. સાત્વિક ભોજન એ ઘરનું રત્ન છે.પહેરવાના સારા કપડાં એ બીજું રત્ન છે.કપડાને અગ્નિ સાથે શું લેવા દેવા?પણ કપાસને વાવી અને કપાસિયાની અંદર અગ્નિ છે.જે ઘરમાં કપાસિયા-અગ્નિ હશે એ રત્ન છે.સ્વચ્છ સારા કપડાં એ રત્ન છે.આંગણામાં વૃદ્ધનો ખાટલો અને એકાદ બે વૃક્ષો એ આંગણાનું રત્ન છે. કારણ કે વૃક્ષને સૂર્યપ્રકાશનો અગ્નિ જોઈએ છે.ઘરમાં સારા ઓજારો-દાતરડું,સાવરણી,કોશ એ ઘરનું રત્ન છે.ઘરમાં મનોરંજનના સાધનો હોવા જોઈએ એનું પણ વેદે ધ્યાન રાખેલું છે.તેથી ઘરમાં રેડિયો હોય કે ટીવી હોય એના માટે પણ અગ્નિની જરૂર પડશે. ઈશ્વર પરાયણ થતાં પહેલા જીવન પરાયણ બનવું જોઈએ.
સદગુરુ એટલે?આપણે હોઈએ ત્યાં આવી જાય અને આપણે જ્યાં જવું જોઈએ ત્યાં લઈ જાય એ સદગુરુ છે.સમયે-સમયે દીપ પ્રગટે રંગોળી થાય એ અગ્નિ છે.
મુંબઈનાં કોઈ સાહિત્યકારે જ્યારે મેઘાણીને એક મેણું મારેલું કે તમારે કાશ્મીર જવું પડે છે,તમારે અહીં-ત્યાં જવું પડે છે,ગુજરાતી ઉપર એ મહેણું હતું અને એ મહેણાં ઉપર ‘સૌરાષ્ટ્રની રસધાર’ લખાણી છે.અને એમાંની એક વાર્તા ‘દીકરાનો મારનાર’-જે બાપુએ ખૂબ રસ પૂર્વક વર્ણવી.
ભગવાન કૃષ્ણ વૃદ્ધ ઉમરે એક વૃક્ષ(પ્રાચીનાં પીપળે) શરીર છોડવા માટે જાય છે.
ઘરમાં પુસ્તકો હોવા જોઈએ.બુદ્ધ પણ પહેલા વૃક્ષના શરણે ગયેલા.તો બાપુએ કહ્યું કે વૃક્ષં શરણં ગચ્છામિ એ મંત્ર પણ હવે બોલાવો જોઈએ.
કથા પ્રસંગમાં શિવચરિત્રની અંદર જ્યારે દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે.અને બ્રહ્મા,વિષ્ણુ અને શિવનો ભાગ નથી રાખતા.સતી પરાણે યજ્ઞમાં જવાની હઠ કરે છે.યજ્ઞમાં જઈને પોતાના પતિનું સ્થાન ન જોતા રોષે ભરાયા,અને યજ્ઞ કુંડમાં પોતાનો દેહને આહુત કરે છે.યજ્ઞનો વિધ્વંશ થાય છે અને હાહાકાર મચી જાય છે.બીજા જન્મમાં એ હિમાલયની ઘરે પાર્વતિનાં રૂપમાં જન્મે છે એ સંવાદી કથાનું ગાન કર્યા બાદ આજની કથાને વિરામ અપાયો.
Box
કથા વિશેષ:
આ તો થવાનું હતું અને થયું છે
બાપુએ વિમલા તાઈનો પ્રસંગ કહ્યો કે:વિમલા તાઇને કોઈએ પૂછેલું કે કોઈ પહોંચેલો બુદ્ધપુરુષ કોઈપણને સ્પર્શ દીક્ષા આપે તો સમાધિ લાગી જાય? વિમલાતાઇએ કહેલું કે ના,દરેકને,બધાને સમાધિ ન થાય.અને પછી વિમલા તાઇ એક સમયે બધીર બહેરા બની ગયેલા.એ વખતે જે.કૃષ્ણમૂર્તિ આવ્યા, અને આવીને માથે હાથ મૂક્યો અને જાણે કે કુંડલીની જાગૃત થઈ હોય એમ વિમલા તાઇની બહેરાશ દૂર થઈ ગઈ.પણ પછી કૃષ્ણમૂર્તિએ કહ્યું એ સાંભળવા જેવું છે.એણે એમ કહ્યું કે: મેં તને સ્પર્શ કર્યો છે અને તારી બહેરાશ ચાલી ગઈ છે એ કોઈને ન કહેતી.આ તો થવાનું હતું અને થયું છે.બાપુએ કહ્યું કે આ છે સાધુ સ્વભાવ!