સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે જે અંતર્ગત ગુજરાત ભાજપમાં મંડલ પ્રમુખોની નિમણૂકો થઇ છે ત્યારે કર્ણાવતી મહાનગરની વટવા વિધાનસભાના વટવા, રામોલ-હાથીજણ અને વસ્ત્રાલ વોર્ડમાં પણ વોર્ડ પ્રમુખની નિયુક્તિ થઇ છે.
વટવા ભાજપ પરીવાર દ્વારા વટવા વોર્ડના પ્રમુખ તરીકે નિમણુંક પામેલા પ્રતીકભાઈ પટેલની ભવ્ય અભિવાદન યાત્રા યોજાઈ હતી. જેમાં આશરે 800 જેટલાં બાઈક, 30 જેટલી કાર જોડાઈ હતી.
પ્રતીકભાઈ પટેલ સંગઠનના જાણકાર,જમીન સાથે જોડાયેલા કાર્યકર્તા અને વટવાના નગરજનોમાં આગવી છાપ ધરાવતા નવયુવાન હોવાથી આ અભિવાદન યાત્રાનું વિસ્તારના વિવિધ સ્થાનો પર ઢોલનગારા, ડીજે, ફૂલહાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વટવા ગામ ખાતે પોહચેલી અભિવાદન યાત્રામાં ગામની માતા-બહેનો એ પોતાના લાડકા પ્રતીકના ઓવારણાં લઇ રાષ્ટ્રસેવામાં અવિરત કાર્યરત રહેવા આશીર્વાદ આપ્યા હતા.
યાત્રા દરમિયાન પ્રતીકભાઈ પટેલે પોતાની પર વિશ્વાસ મૂકી પ્રમુખ જેવી મહત્વપૂર્ણ જવાબદારી આપવા બદલ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ અને પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો આભાર માની વિસ્તારમાં પાર્ટીનો વ્યાપ વધારવા સતત સક્રિય રહેશે તેવો મત વ્યક્ત કર્યો હતો.