આ કુંભની અસર ખૂબ જ અદભુત થવાની છે.
ભારત સનાતન છે,સનાતન ભારત છે.
આ ત્રિભુવનીય મહાકુંભ છે.
આ સ્વિકારનો,સમન્વયનો,સેતુબંધનો કુંભ છે
કથા બીજપંક્તિ:
માઘ મકરગત રબિ જબ હોઇ;
તીરથપતિહિં આવ સબ કોઇ
દેવ દનુજ કિંનર નર શ્રેની;
સાદર મજ્જહિં સકલ ત્રિબેની
મહાકુંભ મેળાનાં પરમ પવિત્ર સ્થળ,પ્રયાગરાજ ખાતે મહામંડલેશ્વર સંતોષ દાસજી-સતુઆ બાબાનાં સંકલ્પ અને પરમાર્થ નિકેતન આશ્રમનાં સ્વામી ચિદાનંદ સરસ્વતી નિશ્રામાં,રમાબેન જસાણી પરિવારનાં મનોરથથી,મોરારિબાપુનાં શ્રી મુખે ૯૫૦મી રામકથાનો આરંભ થયો.
કથા આરંભે કુંભમાં જ જેના એકસાથે દર્શન થાય એવા મહર્ષિઓ રમણ રેતીથી કાર્ષ્ણિ ઋષી ગુરુ શરણાનંદજી,ગીતા મનિષી જ્ઞાનાનંદજી,દશનામ પરંપરાનાં મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરિજી, ભાગવતાચાર્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા તથા ૩૦ વરસ પહેલા કેલિફોર્નિયા અમેરીકામાંથી સમગ્ર ડોકટરી છોડીને સાધ્વી બનેલા ભગવતી સરસ્વતીજી-સૌએ પોતાનાં શુભ ભાવો વ્યક્ત કર્યા.
બાલકાંડની બીજ પંક્તિઓના ગાન સાથે તમામ પ્રગટ-અપ્રગટ ચેતનાઓ તથા ભરદ્વાજની ભૂમિને પ્રણામ કરીને પરમાર્થ નિકેતન આશ્રમનાં મુનિશ્રી અને સતુઆ બાબા બંનેના સંગમને કારણે આ ભૂમિ ઉપર કથાનું આયોજન થયું એ યાદ કરીને બાપુએ દેશના યશસ્વી પ્રધાનમંત્રીના માર્ગદર્શન તેમજ સાધુ સમાજના મહત્વના સ્થાન ઉપર બિરાજેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુંદર વ્યવસ્થાને પણ યાદ કરીને જણાવ્યું કે ‘માનસ સંગમ’-વિષય ઉપર કથા કરવી હતી.બધા જ મહાપુરુષોના મનમાંથી સંગમની વાત નીકળી રહી છે.પરંતુ આટલા મોટા મહાકુંભમાં માનસ મહાકુંભ વિષય ઉપર કથા ગાન થશે.
આખી દુનિયામાં જ્યારે સંગ્રામ ચાલી રહ્યો છે એવા સમયે સંગમ થઈ જાય!અને એવું જ થયું,કુંભની શરૂઆત ૧૩ તારીખે થઈ અને ૧૪ અને ૧૫ તારીખ આવતા-આવતા ઈઝરાયેલ અને ગાઝાનો યુદ્ધ વિરામ-આ ભારતના સંતોની ચેતનાઓએ કામ કર્યું છે.ભજનાનંદી બુદ્ધપુરુષનો અવાજ અસ્તિત્વએ સાંભળ્યો છે.અને ૪૫ દિવસનો આ મહાકુંભ પૂરો થતા-થતાં જ બધી જ જગ્યાએ સંગમી કદમો ઊઠે એવો ભાવ પણ બાપુએ વ્યક્ત કર્યો.
અમૃત ક્યાં છે?કોઈ કહે સ્વર્ગમાં છે કોઈ કહે પાતાળમાં છે.પણ સ્વર્ગનાં લોકો અમૃત પાન કરતા હશે ત્યારે પાતાળ વાળા નહી જઈ શકતા હોય અને પાતાળમાં અમૃતપાન થતું હશે ત્યારે સ્વર્ગના લોકો ત્યાં જઈ નહીં શકતા હોય.આ એકમાત્ર ત્રિભુવનીય કુંભ છે જ્યાં દેવ,દનુજ,કિન્નર અને આખી માનવજાત કુંભ સ્નાન-અમૃતપાન કરે છે.
આ સ્વિકારનો,સમન્વયનો કુંભ છે.આ પ્રયાગ સેતુબંધનો કુંભ છે.
રામચરિત માનસમાં ૧૨ પ્રકારનો સંગમ બતાવ્યો છે એટલે આ રામચરિત માનસ પૂરેપૂરો કુંભ છે.માનસ એટલે ઘટ અથવા તો હૃદય પણ થાય.આ કુંભમાંથી નામનું અમૃત,કથાનું અમૃત એટલે કે લીલા,રૂપનું અમૃત અને ધામનું અમૃત નીકળશે.ચાર જગ્યાએ કુંભ થાય છે.વિશ્વમાં ૧૨ વસ્તુઓના સંગમની ખૂબ આવશ્યકતા છે.સતયુગ,ત્રેતાયુગ અને દ્વાપરયુગમાં આ સંગમ થયેલો.પણ કળિયુગ આવતા-આવતા એ સેતુઓ તૂટી ગયા અથવા તો તોડી નંખાયા અથવા તો કાળે એને તોડી નાખ્યા છે.
આ કુંભની અસર ખૂબ જ અદભુત થવાની છે. સનાતન શબ્દનો અર્થ પોતાની રીતે ન કરતા પણ શબ્દકોશ,હૃદયકોષ અને સાધુ સંતોના મનમાં જે અર્થ છે એ કરજો.ભારત સનાતન છે,સનાતન ભારત છે.આ ત્રિભુવનીય મહાકુંભ છે.
ગંગા અને યમુનાનું મિલન તો છે જ પણ અનેક શિબિરોમાં મહાપુરુષોના મુખથી સરસ્વતી મુખર થઈ રહી છે એ સંગમ પણ દેખાય છે.
નાનકડી ભૂમિકા બાદ મંગલાચરણના બે શ્લોક અને હનુમંત વંદના કરી અને આજની કથાને વિરામ આપવામાં આવ્યો.
કથા વિશેષ:
છત્રીસ વરસ પહેલા યોજાયેલી પહેલી કથાથી આઠમી કથા સુધીની કથાની કુંભયાત્રા:
પ્રયાગ ખાતેની મોરારિબાપુની આ આઠમી કથા છે.
૨૧-૧-૧૯૮૯માં પૂર્ણ કુંભ વખતે પ્રયાગની પહેલી અને કથા ક્રમની ૩૮૮મી કથા ‘માનસ વિનય પત્રિકાકે પદ’-નાં રૂપે યોજાયેલી.
૨૧-૧-૧૯૯૫માં અર્ધકુંભ વખતે ‘માનસ પ્રયાગ’ કથા જે કુલ કથા ક્રમની ૪૮૫મી કથા હતી.
૨૨-૧-૨૦૦૧માં પૂર્ણ કુંભમાં ‘માનસ ભરદ્વાજ-૧’ કથા જે કુલ કથા ક્રમની ૫૭૫મી કથા હતી.
૬-૧-૨૦૦૭માં અર્ધ કુંભમાં ‘માનસ ત્રિવેણી’ કથા યોજાયેલી જે કુલ કથા ક્રમની ૬૬૦મી કથા હતી.
૧૯-૧-૨૦૧૩માં પૂર્ણ કુંભ અવસર પર ‘માનસ તિર્થરાજ’ વિષય પર યોજાઇ,જે કુલ કથા ક્રમની ૭૪૧મી કથા હતી.
૧૯-૧-૨૦૧૯માં અર્ધ કુંભ વખતે ‘માનસ સંગમ’ અંતર્ગત કથાગાન થયું જે કુલ કથા ક્રમની ૮૪૨મી કથા હતી.
૨૮-૨-૨૦૨૦માં પ્રયાગ ખાતેની સાતમી,કુલ કથા ક્રમની ૮૬૨મી કથા ‘માનસ અક્ષય વટ’ વિષય પર ગવાઇ.
આમ ૩૬ વરસ પહેલા આરંભાયેલી પ્રયાગ કુંભ કથા ૩ અર્ધકુંભ અને ૩ પૂર્ણ કુંભમાં ગવાઇ
એક કથા વાર્ષિક માઘમેળા અંતર્ગત ગવાયેલી
આ આઠમી કથાનું-૧૪૪ વરસે આવતા મહાકુંભમાં ગાન થઇ રહ્યું છે.
કથા ક્રમની આ ૯૫૦મી રામકથા છે.
અહીં ઠંડી પણ વધારે છે,લોકોની ભીડ પણ વિક્રમ સર્જક છે અને ઉત્સાહ પણ જબરો છે.