***
- 74 પ્રતિસ્પર્ધીઓએ ગોલ્ડ, 67 એ સિલ્વર અને 73 પ્રતિસ્પર્ધીઓએ બ્રોન્ઝ મેડલ જીત્યો
- સૌથી વધુ વિજેતાઓ સાથે ઓડિશા પ્રથમ સ્થાને, ત્યારબાદ કર્ણાટક અને તમિલનાડુ
નવી દિલ્હી, 21 મે, 2024: ચાર દિવસીય ઇન્ડિયાસ્કિલ્સ નેશનલ કોમ્પિટીશન 2024 રવિવારે યશોભૂમિ, દ્વારકા ખાતે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે સંપન્ન થઈ. આ કાર્યક્રમનું આયોજન 15 થી 19 મે દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમાં પરંપરાગત અને નવા યુગના કૌશલ્યોની વિશાળ શ્રેણીમાં સ્પર્ધા કરવા અને પોતાની નિપુણતા દર્શાવવા માટે દેશભરમાંથી તેજસ્વી યુવાનોએ ભાગ લીધો હતો. 52 વિવિધ કૌશલ્યોમાં કુલ 58 ઉમેદવારો હવે સપ્ટેમ્બર 2024માં ફ્રાન્સના લિયોનમાં યોજાનારી વર્લ્ડસ્કિલ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જે માટે તેમને તાલીમ આપવામાં આવશે.
ઓડિશામાંથી 17 ગોલ્ડ, 13 સિલ્વર, 9 બ્રોન્ઝ અને 12 મેડલિયન ફોર એક્સેલન્સ સાથે સૌથી વધુ ઉમેદવારો વિજેતા થયા છે, ત્યારબાદ કર્ણાટક (13 ગોલ્ડ, 12 સિલ્વર, 3 બ્રોન્ઝ અને 19 મેડલિયન ફોર એક્સેલન્સ), તમિલનાડુ (6 ગોલ્ડ, 8 સિલ્વર, 9 બ્રોન્ઝ અને 17 મેડલિયન ફોર એક્સેલન્સ), મહારાષ્ટ્ર (3 ગોલ્ડ, 5 સિલ્વર, 6 બ્રોન્ઝ, 14 મેડલિયન ફોર એક્સેલન્સ), ઉત્તર પ્રદેશ (3 ગોલ્ડ, 3 સિલ્વર, 6 બ્રોન્ઝ અને 16 મેડલિયન ફોર એક્સેલન્સ), દિલ્હી (5 ગોલ્ડ, 3 સિલ્વર, 2 બ્રોન્ઝ અને 10 મેડલિયન ફોર એક્સેલન્સ), રાજસ્થાન (2 ગોલ્ડ, 5 સિલ્વર, 3 બ્રોન્ઝ અને 9 મેડલિયન ફોર એક્સેલન્સ), હરિયાણા (2 ગોલ્ડ, 3 સિલ્વર, 3 બ્રોન્ઝ અને 13 મેડલિયન ફોર એક્સેલન્સ), મધ્ય પ્રદેશ (1 ગોલ્ડ, 2 સિલ્વર, 4 બ્રોન્ઝ અને 11 મેડલિયન ફોર એક્સેલન્સ), અને બિહાર (3 ગોલ્ડ, 1 સિલ્વર, 3 બ્રોન્ઝ અને 6 મેડલિયન ફોર એક્સેલન્સ) નો નંબર આવે છે.
કાર્યક્રમના સમાપન સમારોહમાં ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના સેક્રેટરી શ્રી અતુલ કુમાર તિવારી; ભારતીય ફિલ્મનિર્માતા તેમજ મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ સેક્ટર સ્કિલ કાઉન્સિલના ચેરમેન પદ્મશ્રી રમેશ સિપ્પી; નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (NCVET)ના ચેરમેન ડૉ. નિર્મલજીત સિંઘ કાલસી; NSDCના સીઇઓ તેમજ NSDC ઇન્ટરનેશનલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વેદમણિ તિવારી; અને જાણીતા ભારતીય અભિનેતા, લેખક, ગાયક અને રેડિયો જોકી (RJ) શ્રી અપારશક્તિ ખુરાના ઉપસ્થિત રહ્યા હતા.
30થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ 900થી વધુ ઉમેદવારોએ વિવિધ 61 કૌશલ્યોમાં ભાગ લીધો હતો, જેમાં વૉલ અને ફ્લોર ટાઇલિંગ, બ્રિકલેયિંગ (ઇંટોની કારીગરી), કારપેન્ટરી (સુથારીકામ), ફેશન ટેક્નોલોજી, 3ડી ડિજિટલ ગેમ આર્ટ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, મોબાઇલ એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ, ઓટોનોમસ મોબાઇલ રોબોટિક્સ, આરોગ્ય અને સામાજિક સંભાળ, અને પ્રોસ્થેટિક અને મેકઅપ જેવા કૌશલ્યોનો સમાવેશ થાય છે. 400થી વધુ ઉદ્યોગ નિષ્ણાંતોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અગાઉની વર્લ્ડસ્કિલ્સના વિજેતાઓએ પણ વેપારની બારીકીઓ અને નવીનતાઓને સમજવામાં ઉમેદવારોનું માર્ગદર્શન કર્યું હતું.
પ્રસંગને સંબોધતા ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE)ના સેક્રેટરી શ્રી અતુલ કુમાર તિવારીએ જણાવ્યું કે, “આજે, જ્યારે આપણે ઇન્ડિયાસ્કિલ્સ 2024 કાર્યક્રમનું સમાપન કરી રહ્યા છીએ, ત્યારે મને આ આખાય કાર્યક્રમની આનંદદાયક યાત્રા જે અમે અનુભવી છે, તે યાદ આવે છે. આ સમગ્ર કાર્યક્રમને MSDE અને NSDC દ્વારા ખૂબ જ સમર્થન અને માર્ગદર્શન મળ્યું છે. હું કહેવા માંગીશ કે, આ સ્પર્ધાની ડિઝાઇન અને તેનું અમલીકરણ ખૂબ ડિટેઇલિંગ સાથે કરવામાં આવ્યું હતું, અને પ્રતિસ્પર્ધીઓ, માર્ગદર્શકો, ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સ અને જાહેર જનતાએ પણ આ સ્પર્ધાના આયોજનની ખૂબ પ્રશંસા કરી છે. 2,50,000 થી વધુ અરજીઓ, વેપારોની વિસ્તૃત શ્રેણી અને મહિલાઓની ભાગીદારીમાં નોંધપાત્ર વધારા સાથે, ઇન્ડિયાસ્કિલ્સ 2024નો વ્યાપ અભૂતપૂર્વ રહ્યો છે. ગઇકાલે જ્યારે હું યુવા સ્પર્ધકોને મળ્યો, જેમાંથી ઘણા લોકો વિવિધ પ્રકારના બેકગ્રાઉન્ડમાંથી આવે છે, ત્યારે હું તેમની કુશળતા, ઉત્સાહ તેમજ પરંપરાગત અને નવા યુગની એમ બંને શ્રેણીઓમાં તેઓ જે ઝીણવટભર્યું ધ્યાન આપતા હતા તેનાથી પ્રભાવિત થયો હતો. આવા શાનદાર કાર્યક્રમનું આયોજન કરવા અને વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે શ્રેષ્ઠ પ્રતિભાઓને પસંદ કરવા માટે MSDE અને NSDCના અમારા સહયોગીઓના પ્રયાસોની હું પ્રશંસા કરું છું.”
સમગ્ર સ્પર્ધા દરમિયાન, જ્યુરીના સભ્યો અને ઉદ્યોગ નિષ્ણાંતો દ્વારા પ્રતિસ્પર્ધીઓનું સખતાઇથી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમણે તેમના તકનીકી કૌશલ્ય, સર્જનાત્મકતા અને સમસ્યાઓને હલ કરવાની તેમની ક્ષમતાઓનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કર્યું હતું. મૂલ્યાંકન માટેની આ સખ્ત પ્રક્રિયાથી એ સુનિશ્ચિત થયું કે દરેક કેટેગરીમાં જે સૌથી વધુ લાયક દાવેદારો હોય, તેઓ જ વિજેતા થાય. આ આખીય પ્રક્રિયા વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયાસ્કિલ્સ દ્વારા બનાવવામાં આવેલા ઉચ્ચ ધોરણોને પ્રતિબિંબિત કરે છે. ઇન્ડિયાસ્કિલ્સ 2024માં એવા વેપારોમાં 170થી વધુ મહિલાઓની પણ ભાગીદારી જોવા મળી, જેમાં અગાઉ ફક્ત પુરુષોનું જ વર્ચસ્વ હતું, જેવાકે, લોજિસ્ટિક્સ અને ફ્રેઈટ ફોરવર્ડિંગ, વેબ ટેક્નોલોજી, વિઝ્યુઅલ મર્ચેન્ડાઈઝિંગ, ઇલેક્ટ્રિકલ ઈન્સ્ટોલેશન્સ, ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઈન ટેક્નોલોજી અને રિન્યુએબલ એનર્જી વગેરે.
NCVETVના ચેરમેન ડૉ. નિર્મલજીત સિંઘ કાલસીએ કહ્યું કે આ પ્રતિષ્ઠિત સ્ટેજ પર સ્પર્ધા કરવા માટે સહભાગીઓએ જિલ્લા, રાજ્ય અને પ્રિ-નેશનલ સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ આવતા વર્ષે મહિલાઓની ભાગીદારીમાં હજુ પણ વધારો થાય તે માટે આતુર છે. તેમણે સ્કિલ્સ ક્રેડિટ્સ અને સર્ટિફિકેશન વિશે પણ વાત કરી, જેમાં 61 કૌશલ્યોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં 9 કૌશલ્યો ભારત માટે એકદમ યુનિક (અનોખા) છે. આ એક એવી પહેલ છે, જે માત્ર પ્રતિસ્પર્ધીઓની સખત મહેનતની ઓળખ જ નથી કરતી પરંતુ તેમને ભવિષ્યની સફળતા માટે પણ તૈયાર કરે છે.
ઇન્ડિયાસ્કિલ્સ 2024ના તમામ વિજેતાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપતા NSDCના સીઇઓ તેમજ NSDC ઇન્ટરનેશનલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વેદમણિ તિવારીએ કહ્યું કે તમામ પ્રતિસ્પર્ધીઓએ અસાધારણ કૌશલ્ય, સમર્પણ અને સ્પર્ધાત્મકતા દર્શાવી છે. તેમણે એમ પણ જણાવ્યું કે દેશના તમામ ખૂણેથી સ્પર્ધકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે, અને આ સ્કિલ ઈન્ડિયા મિશનના વિશાળ વ્યાપનું પ્રમાણ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ સ્પર્ધા નિઃશંકપણે અન્ય યુવા ભારતીયોને વ્યાવસાયિક તાલીમ મેળવવા, શ્રેષ્ઠતા હાંસલ કરવા અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેમની રોજગાર ક્ષમતા વધારવા માટે પ્રેરિત કરશે.
47 કૌશલ્ય સ્પર્ધાઓ ઓનસાઈટ એટલે કે કાર્યક્રમના સ્થળ ઉપર યોજાઈ હતી, જ્યારે ઉપલબ્ધ શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને કર્ણાટક, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં 14 સ્પર્ધાઓ ઓફસાઈટ યોજાઈ હતી. પ્રતિસ્પર્ધીઓએ ડ્રોન-ફિલ્મિંગ મેકિંગ, ટેક્સટાઇલ-વીવિંગ (કાપડ વણાટ), લેધર-શૂમેકિંગ (ચામડાના જૂતા બનાવવા) અને પ્રોસ્થેટિક્સ-મેકઅપ જેવા 9 પ્રદર્શન કૌશલ્યોમાં પણ ભાગ લીધો હતો. તમિલનાડુમાંથી સૌથી વધુ 86 ઉમેદવારોએ ભાગ લીધો હતો, ત્યારબાદ ઓડિશા (64), કર્ણાટક (61), પંજાબ (53) અને હરિયાણા (47)નો નંબર આવે છે. રોમાંચક સ્પર્ધાઓ ઉપરાંત, ઈન્ડિયાસ્કિલ્સ 2024એ ઉમેદવારોને નેટવર્કિંગ અને વ્યાવસાયિક વિકાસની તકો પણ પૂરી પાડી હતી.
આ વર્ષે પ્રતિસ્પર્ધીઓને નેશનલ ક્રેડિટ ફ્રેમવર્કમાં ક્રેડિટ મેળવવાની તક પણ મળી હતી. વર્લ્ડસ્કિલ્સ અને ઇન્ડિયાસ્કિલ્સ બંને સ્પર્ધાઓમાં દર્શાવવામાં આવેલા તમામ કૌશલ્યોને નેશનલ સ્કિલ્સ ક્વૉલિફિકેશન ફ્રેમવર્ક (NSQF) સાથે ચોકસાઇપૂર્વક સંરેખિત કરવામાં આવ્યા છે, જે પ્રતિસ્પર્ધીઓને તેમના લર્નિંગ આઉટકમ્સને શ્રેય આપવા (ક્રેડિટાઇઝ કરવા) અને તેમના પસંદ કરેલા ક્ષેત્રોમાં સમૃદ્ધ કારકિર્દીનું નેતૃત્વ કરવા માટે સશક્ત કરે છે. એવું પણ પહેલીવાર બન્યું છે કે, ઇન્ડિયાસ્કિલ્સે Qrencia (ક્રેન્સિયા) નામની સ્પર્ધાની માહિતી પૂરી પાડતી સિસ્ટમનો પણ સમાવેશ કર્યો છે.
આ વર્ષે, ઇન્ડિયાસ્કિલ્સને ટોયોટા કિર્લોસ્કર, ઓટોડેસ્ક, જેકે સિમેન્ટ, મારૂતિ સુઝુકી, લિંકન ઇલેક્ટ્રિક, નામટેક (NAMTECH), વેગા, લોરિયાલ, શ્નેઇડર ઇલેક્ટ્રિક, ફેસ્ટો ઇન્ડિયા, આર્ટેમિસ, મેદાંતા અને સિગ્નિયા હેલ્થકેર જેવા 400થી વધુ ઇન્ડસ્ટ્રી અને એકેડેમિક પાર્ટનર્સનો સહયોગ મળ્યો છે.