તાજેતરમાં પૂર્વોત્તર ભારતમાં ‘રેમલ‘ વાવાઝોડું ફૂંકાયું હતું અને તેને કારણે પૂર્વીય ભારતના અનેક વિસ્તારોમાં જાનમાલની ભારે નુકસાની થઈ હતી. વાવાઝોડાના કારણે મિઝોરમના આઈઝોલ ખાતે ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડતાં ૨૩ લોકો માર્યા ગયા હતા. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સેવા શ્રી કનુભાઈ જાલાન દ્વારા પહોંચતી કરવામાં આવી રહી છે.
અકુદરતી મોતની અન્ય ઘટનામાં વડોદરા નજીક કોટંબી પાસે અકસ્માતમાં ૪ લોકોનાં મોત નિપજયા હતાં. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પણ રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સેવા વડોદરા સ્થિત રામકથાના શ્રોતા નીતાબહેન દ્વારા પહોંચતી કરવામાં આવી રહી છે. કાલાવડના બાલંભડી ગામે બે બાળકોના ડૂબી જતાં મોત નિપજયા છે તેમના પરિવારજનોને પણ પૂજ્ય મોરારીબાપુએ ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.