વિદ્યાદાન ફાઉન્ડેશનના ઉપક્રમે ચાલતા ૧ મહિનાના સમરકેમ્પના ભાગરૂપે ૩ દિવસથી વાસણા વિસ્તારના ૬૦ જેટલા બાળકો રોકેટ બનાવતાં શીખી રહ્યા હતા, જેમાં રોકેટના અલગ અલગ ભાગો સમજવા, પેરાશૂટ બનાવવું, જેતે જગ્યાએ પેરાશૂટને ગોઠવવું અને બેટરીથી કે જ્વલંત પ્રવાહીની મદદથી તેને નીચેથી બળ આપીને ગતિ આપવી શીખ્યા. બાળકો એ ઉનાળાના વેકેશનમાં વિજ્ઞાનના નિયમો સમજીને તેનો સદુઃપયોગ કર્યો અને તેનું રોકેટ બનાવી સફળ પરીક્ષણ કર્યું. રોકેટ વિશે સમજાવવા અને પરીક્ષણ માટે ઈસરો જેવી નામી સંસ્થામાં કામ કરી ચૂકેલા ઉમંગ સુદાની અને મૌલિકભાઈ મોટા ની ટીમ એ ટ્રેઇનિંગ આપી હતી.
પરીક્ષણ રહેણાંક વિસ્તારથી દૂર શાંતિપુરા ચોકડી પાસે ખુલ્લા ખેતરમાં રવિવારે સવારે કરવામાં આવ્યું હતું. સમરકેમ્પનું સમગ્ર સંચાલન સંસ્થાના ટ્રસ્ટી CA સ્વપ્નિલ શાહ કરી રહ્યા છે.
વિદ્યાદાન સંસ્થા, ઉનાળાની રજામાં ઝૂંપડપટ્ટીના બાળકો પાસે રોકેટ જેવી જટિલ રચના શીખવાડીને ગર્વ અનુભવે છે. ઋતુ શાહ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને ફાઉન્ડર કહે છે કે, અમારું માનવું છે , કે બાળકને એક વાર અનુભવ કરાવવો જરૂરી છે , અને બાળક એક વાર ધારે તો જીવનમાં કોઇ પણ મુશ્કેલીનો સામનો કરી ને નિર્ધારિત મુકામે પહોંચવા માટે સક્ષમ હોય છે. અમને આશા છે કે ભવિષ્ય માં આ ઝૂંપડપટ્ટી ના ૫૦૦ બાળકો માથી ૨–૩ બાળકો ઈસરો જેવી કોઈ સંસ્થા માં જોડાશે. અમે બાળકો ને એપીજે અબ્દુલ કલામ ના રસ્તે દોરી રહ્યા છીએ.
અભિષેક શાહ વોલેન્ટિયર કહે છે કે, આ બાળકો સાથે સમય પસાર કરવો એ ખૂબ આનંદની વાત હોય છે , હું વિદ્યાદાન સાથે છેલ્લા ૭ વર્ષ થી કાર્યરત છું. અમારે રવિવાર નહીં વિદ્યાવાર હોય છે , રવિવાર એ વિદ્યાદાન ના આવીએ તો ખાલીપો વર્તાય છે, નવા નવા આઇડિયાથી બાળકોને જાગૃત કરતા રહીએ છે.
વિદ્યાર્થી અને વોલિયેન્ટર ઉત્સવ સરગરા કહે છે કે, સમરકેમ્પમાં રોકેટ પરીક્ષણ અને હેરિટેજ વોક માટે ખુબ જ ઉત્સાહિત છીએ, હું ૯ વર્ષથી વિદ્યાદાનમાં ભણતો એક વિદ્યાર્થી હતો, હવે અહીં વોલન્ટિયર છું, હું માનું છું કે જે અનુભવ અમને બહાર કોઇ નોકરીમાં ના મળે એવો અનુભવ અમને અહીં મળે છે. હું MBAમાં ભણું છું, મારો ભાઈ CAના છેલ્લા વર્ષમાં ભણે છે, વિદ્યાદાનનો અમારી શિક્ષા પાછળ ખુબ બહોળો પ્રયાસ રહ્યો છે.