સાધુ સમુદ્ર છે,કૃપાનો સિંધુ છે,કરુણાનો સિંધુ છે.
બુદ્ધપુરુષની નાભિ સત્ય છે તેનું હૃદય એ પ્રેમ છે અને આંખ કરુણા છે.
સૈકાઓ પહેલા જે અયોધ્યા કહેવાતું એવા,એક વખતની રામમયી ભૂમિ યોગ્યકર્તા(ઇન્ડોનેશિયી)થી પ્રવાહિત રામકથાનાં છઠ્ઠા દિવસે
સમુદ્રનો અભિષેક કઈ સામગ્રીથી કરવો જોઈએ બાપુએ કહ્યું કે પંચામૃતથી કરી શકાય.સુવિધા ન હોય તો દુર્વા,બિલીપત્ર,તુલસીપત્ર સદભાવ સાથે મંત્ર પણ ષોડોપચાર વિધિથી કરી શકાય.એ સિવાય શ્રીફળ,સોપારી-પુંગીફળ કે કોઈપણ ફળથી પણ અભિષેક કરી શકાય.શિવ સાગર છે,ગંગાથી અભિષેક કરીએ ત્યારે મગજમાં યાદ રાખવાનું કે સમુદ્રના ખારા પાણીને હું ગંગાનું મીઠું પાણી ચઢાવું છું એ ભાવ,એ વિચાર ન આવવો જોઈએ.સમુદ્ર આપણને શીખવે છે કે ઉપર તરંગો છે પણ અંદરનો સ્વભાવ શાંત હોવો જોઈએ.
ભગવાન રામનાં મુખે વિમલવંશ શબ્દ નીકળ્યો છે એ વિશે બાપુએ કહ્યું કે રઘુવંશના નવ રાજાઓ વિમલ વંશી-અતિ મહાન છે.વિમલનો એક અર્થ પ્રસન્નતા અને પવિત્રતા થાય છે.કોઈને કંઈ આપીએ ત્યારે વિશ્વાસથી અને લઈએ ત્યારે વિચારથી લઈએ એ વિમલ ચિત દર્શાવે છે.
બાપુએ એ પણ કહ્યું કે જેના પરિવારમાં વેદ હોય તે ધન્ય છે.વેદના ત્રણ કાંડ:ઉપાસના કાંડ,જ્ઞાનકાંડ અને કર્મકાંડ છે.જ્ઞાનકાંડ સાથે કૌશલ્યા,કર્મકાંડ સાથે કૈકયી અને ધ્યાનકાંડ સાથે સુમિત્રા જોડાયેલા છે. સાથે-સાથે દશરથ છે,આ ચાર વેદ છે.દશરથનાં વંશમાં ધર્મ,અર્થ,કામ અને મોક્ષ રૂપી પુત્રો:ધર્મ એટલે ભરત,કામ એટલે લક્ષ્મણ,અર્થ એટલે શત્રુઘ્ન અને મોક્ષ એટલે રામ બધા મળીને આઠ બને છે.પણ આપણા ઘરમાં શાંતિ એટલે કે રામની બહેન શાંતાનો ઉલ્લેખ વાલ્મિકીજી કરે છે-એ ન આવે ત્યાં સુધી જીવન પરિપૂર્ણ નથી.કોઈ પણ કાર્ય પછી શાંતિ અને વિશ્રામ મળે નહીં તો માત્ર શ્રમ સમજવો.
બુદ્ધપુરુષની નાભિ સત્ય છે.કારણ કે મુલાધાર આધાર સત્ય છે,તેનું હૃદય એ પ્રેમ છે અને એની આંખ કરુણા છે.સમુદ્રની સામે બેસવાથી પણ ઘણો જ બોધ મળે છે.બુદ્ધપુરુષનો અભિષેક શંકરાચાર્યએ કહેલો એક મંત્ર જેમાં આઠ સ્વભાવ,પણ દરેકમાં બે-બે સ્વભાવ મળીને ૧૬ સ્વભાવ-૧૬ લક્ષણો દેખાય છે એ મંત્ર-શંકરાચાર્ય કૃત શ્લોક:
ચિંતાશૂન્યં અદૈન્યં ભિક્ષમશનં પાનંસરિતવારિષુ સ્વાતંત્રેણ નિરંકુશા: સ્થિતર્ભિ નિદ્રા સ્મશાનેવને વસ્ત્રં છાલનં શોષણાદિરહિતં દિગવાસ્તુ શૈયામહિ સંચારૌ નિગમાન્ત વિથિષુવિદામ્ ક્રીડા પરેબ્રહ્મણિ
આ લક્ષણોમાં ચિંતામુક્ત અને કાયરતા મુક્ત ભિક્ષા પ્રાપ્ત કરતો હોય,સરિતાનું જળપાન કરતો હોય, એટલે કે સંગ્રહ કરેલી વસ્તુઓ-જેમ કે માટલાનું પાણી એ સંગ્રહ કરેલું છે,એ ન લેતો હોય,પણ વહેતું જળ લેતો હોય;કારણ કે વહેતું જળ નિર્મળ છે. પોતાની સ્વતંત્રતામાં-નીજતામાં રહેવા વાળો,જેના પર કોઈનો અંકુશ ન હોય,વન અથવા સ્મશાનમાં સુનાર,સ્મશાનનો મતલબ છે આ બધું જ એક વખત ચાલ્યું જવાનું છે એવો સ્મશાન ભાવ લઈને સુનાર, વન એટલે વાનપ્રસ્થ ભાવથી ઘરમાં સૂતો હોય એવો, ધોવા પણ ન પડે અને સુકવવા ન પડે એવા વસ્ત્ર, એટલે કે કોપીન વસ્ત્ર,વલકલ ધારી અથવા તો દિશાઓ જ જેના વસ્ત્ર છે,દિગંબર,જે આરપાર છે એવો,પૃથ્વી ઉપર શયન કરનાર અને વેદાંતની ગલીઓમાં જે ચાલતો ફરતો હોય,સંચાર કરતો હોય એટલે કે શાસ્ત્રોની ગલીઓમાં ઘૂમતો હોય,હરિનામ, હરિકથા હરિસ્મરણમાં જેની ક્રિડા હોય-
આવા બુદ્ધપુરુષનો અભિષેક કરવો જોઈએ.
બુધ્ધપુરુષનાં આઠ મહત્વનાં લક્ષણો,વિશિષ્ટ સ્વભાવ જેમાં એકમાં બે-બે લક્ષણો છે એ રીતે આવા ૧૬ લક્ષણો ધરાવતા બુધ્ધપુરુષનો અભિષેક કરવો.અભિષેકનો મતલબ એના સંગમાં રહેવું,જીવવું.
સાધુ સમુદ્ર છે,કૃપાનો સિંધુ છે,કરુણાનો સિંધુ છે.
રામજન્મ પછી અયોધ્યામાં ઉત્સવ અને એ પછી એના નામકરણ સંસ્કાર થયા.ચારેય ભાઈઓના નામ વશિષ્ઠએ પાડ્યા.
બાપુએ કહ્યું કે પરિવારમાં જે આરામ આપે-વિશ્રામ આપે એ રામ.જે શોષણ ન કરે પણ પોષણ કરે એ ભરત.સંઘર્ષની માનસિકતા નષ્ટ કરે એ શત્રુઘ્ન અને ઉદારતા ભરી હોય એ લક્ષ્મણ છે.
કથાનાં આરંભે નાનકડા પણ મહત્વનાં બે પ્રકલ્પો યોજાયા
લોકભારતી સણોસરા કે જ્યાં હમણા બાપુએ માનસ લોકભારતી કથા ગાઇ એ લોકભારતી વિશ્વવિદ્યાલય સંસ્થા સાથે જોડાયેલા, અધ્યાપક, સ્વાધ્યાયી,સંશોધક દિનુભાઇ ચુડાસમાનાં બે પુસ્તકો
૧-આપણા ગાંધી;જગતનાં ગાંધી-જેમાં ગાંધીજી વિષયક ૭૫ વિદ્વાનોનાં અભ્યાસ લેખો અને
૨-સરાયનાં ઓટલેથી-જેમાં સુફી સાધક સુભાષભાઇ ભટ્ટ સાથેનો સાક્ષાતકાર-ઇન્ટરવ્યૂ છે.
એ બંને પુસ્તકો દિનુભાઇનાં હસ્તે વ્યાસપીઠ અર્પણ-બ્રહ્માર્પણ થયાં.
માનસ-૭૦૦-કૈલાસ કથાથી,વરસોથી બાપુની કથાનું સારદોહન ગુજરાતી,હિન્દી,અંગ્રેજી ભાષામાં માત્ર પ્રસાદરૂપે નિ:શૂલ્ક વહેંચવા માટે શરું થયેલું.
નીતિનભાઇ વડગામા,પરિવાર અને તેની ટીમ દ્વારા લેખન,સંકલન,સંપાદન થાય છે અને ચિત્રકૂટધામ-તલગાજરડા દ્વારા જેનું પ્રકાશન નિયમિત રીતે થાય છે એ શૃંખલામાં બે પુસ્તકો:માનસ મિનાક્ષી(મદુરાઇ કથા) અને માનસ દશરથ(રોચેસ્ટર ન્યૂયોર્ક કથા) વ્યાસપીઠને અર્પણ થયા.
બાપુએ અહીં યોજાતા વિવિધ સાંધ્ય કાર્યક્રમોમાં રામાયણનું મંચન થયું એ પર પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું કે ૮૦ ટકા મુસ્લિમ વસતિ અને આ રામાયણ નાટિકાનાં બધાં કલાકારો મુસ્લિમ હોવા છતા સુંદર પ્રસ્તુતિ કરી એ બતાવે છે કે મઝહબ કોઇ પણ હોય જગત ઉપકારક કાર્યમાં સૌ સ્વિકારક બને એ આ દેશ સૈકાઓ પહેલા અયોધ્યામયી રામમયી ભૂમિની વિશેષતાનો આનંદ વ્યક્ત કર્યો.