Nirmal Metro Gujarati News
article

ગુરુ આંખથી,સાથથી અને ખોળા દ્વારા શરણ આપે છે.

પિતામહ એ છે જે ધર્મ અને અર્થ આપે છે.
પિતામહ વ્યસનોથી મુક્તિ-મોક્ષ આપે છે.
પિતામહ ઉદ્યમી બનાવે છે.
બાપુએ કહી સાધુકૂળનાં મૂળની વાત.
અરણ્યકાંડ પ્રેરણાનો,કિષ્કિંધાકાંડ પ્રાણબળનો કાંડ છે.
સુંદરકાંડ માર્ગદર્શન,લંકાકાંડ પ્રસાદ અને ઉત્તરકાંડ પરિણામ આપે છે.
ત્રિભોવન દાદાની સ્મૃતિઓથી છલોછલ કાકીડી ગામની ભૂમિ પર ચાલતી રામકથાનાં છઠ્ઠા દિવસે કથા
બાપુએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું કે ઘણા અનુભવો છે કે કથા હોય,એક નાનકડો રસ્તો પણ ન આપે અને કદાચ આપ્યો હોય તો ત્રણ ગણા પૈસા લીધા હોય! ધન્ય છે કાકીડીને જ્યાં આવા સંસ્કારો ધરબાયેલા હોય એ ત્રિભુવન દાદાનો પ્રતાપ અને પ્રસન્નતા.
બાપુએ કહ્યું કે ત્યાગવાદી લોકોએ કોઈ ગુરુ આદેશ આપે તો સંસાર સ્વિકારવાના ઘણા દાખલામાં એક પ્રમાણ જીવણદાસ બાપાનું.
ધ્યાનસ્વામી બાપા-સેંજળ જેની સમાધિ છે તેનું શિષ્યત્વ જીવનદાસ મહેતા-જે નાગર બ્રાહ્મણ હતા એણે સ્વિકાર્યું.અને નાગરને પરમ સાધુ ધ્યાનસ્વામી બાપાનો સાધુ સંગ ગમે.સાધુ સંગમ તો ન હોત તો આ જયદેવ(જયદેવભાઇ માંકડ)મારી સાથે ન હોત. આ નાગરોનો સાધુ પ્રેમ છે.એ કુળમાં નરસિંહ મહેતા થયા.જીવનદાસ ગયા.મને તમારા શરણમાં લ્યો.ગુરુ આંખ દ્વારા,શરણથી,દ્વારા અને ખોળા દ્વારા શરણ આપે છે.ધ્યાન સ્વામી બાપાએ કહ્યું કે તમે લગ્ન કરો. જીવનદાસ બાપા સીધા સાધુ થવાના હતા.આદેશ મળતા ગૃહસ્થાશ્રમ સ્વિકાર્યો.એમાંથી અમે બધા આવ્યા.આમ અમે સાધુ નાગર બ્રાહ્મણ. તલગાજરડા રામજી મંદિરના આંગણામાં જીવનદાસ બાપાની સમાધી છે.
પિતામહ બેલેન્સ બહુ કરે.રાવણના ભાઈ કુંભકર્ણને બ્રહ્માએ ઊંઘ આપી અને રામના ભાઈને જાગરણ આપ્યું.વિભિષણને બ્રહ્માએ ચરણમાં અનુરાગ અને રામના ભાઈ ભરતને પ્રેમ મૂર્તિ બનાવ્યા.ઈન્દ્રને બ્રહ્માસ્ત્ર આપ્યું શત્રુઘ્નને નિર્વૈરતા આપી.પિતામહ બ્રહ્માનાં ચાર મુખમાંથી વેદો નીકળ્યા.એનો મહાભારત પ્રમાણે અર્થ થાય ધર્મ,અર્થ,કામ અને મોક્ષ.પિતામહના મુખમાંથી ધર્મની વાતો નીકળતી હોવી જોઈએ.આપણા અર્થની વ્યવસ્થા કરે.ઉદ્યમી બનાવે તે રીતે એક કામ આપે છે.વ્યસનથી,જુગારથી વ્યભિચારથી,ચોરીથી મુક્ત કરે એવો મોક્ષ આપે છે. જીવનદાસ બાપાના નારાયણદાસ એનાં પ્રેમદાસબાપુ,એના રઘુરામ બાપુ,એના ત્રિભુવન દાદા એના પ્રભુદાસ અને એનો હું મોરારીદાસ! એ અમારી પરંપરા છે.
જશવંત મહેતા અને એના દીકરા રાજભાઈ મહેતાને પણ બાપુએ યાદ કર્યા.
બાપુએ કહ્યું કે આ બાજુ કોંજડી પિઠોરિયાની વચ્ચે પીઠળ આઈ માનું સ્થાન છે.ચારણ માતાજીએ હનુમાનજીની ઉપાસના કરી અને એના સ્થાનકની બાજુમાં પીઠળ આઈ ઉપરથી પિઠોરિયા હનુમાન નામ પડ્યું.
બાપુએ કર્ણની વાત કરી કે બે પ્રહર સુધી જળમાં ઉભો રહી સૂર્યને અંજલી આપતો.નિત્ય સાધના.એક દિવસ એવું થયું પાછળ કંઈક હલચલ થઈ.કર્ણને થયું કોઈ આવ્યું છે.પૂજા પૂરી કર્યા પછી જોયું પીઠની પાછળ મા હતી,કુંતા.કુંતાને આંસુ આવ્યા કર્ણની સાધના પૂરી થયા પછી પ્રણામ કરીને કહ્યું તમે કોણ છો?કુંતી કહે હું મા કુંતી છું.કર્ણે એને મા ન કહ્યું મા તો રાધા ને જ કહેતો હતો.કહે મારે તેને કંઈક કહેવું છે ત્યારે કર્ણ કહે કંઈ કહેવાની જરૂર નથી.કૃષ્ણએ બધું જ મને કહી દીધું છે.જ્યારે સંધિનો પ્રસ્તાવ ઠુકરાવ્યો અને દુર્યોધન વળાવવા આવ્યો એ વખતે રથમાં કૃષ્ણએ મને બેસાડી રસ્તામાં અનેક પ્રલોભનો આપ્યા છે. રાજ્ય સુધીની વાત કરી,દ્રૌપદીને પટરાણી બનાવવાની વાત કરી પણ મેં કહ્યું કે રણ મેદાનમાં ભેગા થઈશુ.આ બધી મને ખબર છે.કુંતી કહે એક વખત મને મા કહે! કર્ણ કહે મા તો હું રાધા ને જ કહું છું.બધી જ વાત કરી અને લાંબો સંવાદ છે પુત્ર પાસે કુંતા ખોળો પાથરે છે,પાલવ પાથરે છે અને કહે છે કે એક વચન આપ. તું પાંડવને નહીં મારે.કર્ણે કહ્યું કે નકુલ અને સહદેવને નહીં મારું એ નાના છે. ભીમને પણ ન મારતો એ વ્હાલો છે કર્ણ કહે યુધિષ્ઠિરને પણ નહીં મારું.પણ અર્જુનને ટકવા નહીં દઉં.તારા પાંચેય પાંડવો એમ જ રહેશે કાં અર્જુન રહેશે કાં હું રહીશ! અને કર્ણ છેલ્લે મા કહે છે એવું નાનાભાઈ ભટ્ટ લખે છે.અનેક અપમાનો સહ્યા.
બીજી કથા મદ્ર દેશના રાજાની દીકરી સાવિત્રી.એ વખતે સ્વતંત્રતા હતી પોતાની રીતે વર શોધવાની. અને જંગલમાં સત્યવાનને જુએ છે.રાજપાટ વગર બધા જંગલમાં રહે છે.મનોમન વર નક્કી કરે છે.એ નારદજીની હાજરીમાં સત્યવાનને પરણવાની જીદ તરે છે.નારદ કહે એનું એક જ વરસનું આયુષ્ય બાકી છે. આખી કથા બાપુએ સરસ રીતે કહી અને છેલ્લે સત્યવાનને સાવિત્રી જીવતો કરે છે અને યમદેવતા પાસે અનેક વરદાનો પ્રાપ્ત કરી એની પાછળ-પાછળ જઈ અંતે પોતાના પતિને સજીવન કરે છે. સાવિત્રી એને કહેવાય જે આખા ઘરને દ્રષ્ટિ આપે.
અરણ્યકાંડ પ્રેરણાનો,કિષ્કિંધાકાંડ પ્રાણબળનો કાંડ છે.સુંદરકાંડ માર્ગદર્શન,લંકાકાંડ પ્રસાદ અને ઉત્તરકાંડ પરિણામ આપે છે.
બાપુએ કહ્યું કે અહીં નાળિયેરી નાવલી સાણા (હાણાં)ના ડુંગરે સાવિત્રી માતાની સ્મૃતિમાં પણ એક કથા કરવી છે એવો મનોરથ છે.
કથા વિશેષ:
વ્યાસપીઠ પર ત્રિવેણી પ્રકલ્પો યોજાયા
આરંભે ત્રણ મહત્વના પ્રકલ્પ થયા:
સૌપ્રથમ બાપુઓની દ્રષ્ટાંત કથાઓનું સંકલન-‘બાવો બોર બાંટતા’ ભાગ-૪-શ્રી જયદેવભાઈ માંકડ દ્વારા જેનું સંપાદન થાય છે.જયદેવભાઈ માંકડ કૈલાસ ગુરુકુળની સાથે અન્ય અનેક પ્રકારની જવાબદારીઓનું નિર્વાહન કરી રહ્યા છે.વિચાર પ્રેરક લેખોનું સંકલન ખાસ કરીને ફૂલછાબ અને બીજા અનેક વર્તમાન પત્રોમાં મોકલી અને સેવા કરે છે. બાપુ પોતાના વિચારોને રસપ્રદ બનાવવા,અસરકારક બનાવવા દ્રષ્ટાંત કથાઓ આપે છે.
વર્ષોથી ફૂલછાબની બુધવારની પૂર્તિમાં તેનું પ્રકાશન થાય છે.ત્રણ પુસ્તકો આ પૂર્વે પ્રકાશિત થયા.
આજે વિશિષ્ટ વાત એ રહી કે સામાન્ય રીતે સંપાદક લેખક સ્વયં પુસ્તક અર્પણ કરવા મંચ પર હોય,પણ જયદેવભાઈ માંકડનું શીલ અને સંસ્કાર,મંચથી દસ ફૂટ દૂર હોવા છતાં પૂજ્ય ડોલર કાકાનો સમૃદ્ધ વારસો અને ગૌરવ દેખાઈ આવ્યું,એણે-જે મોહન ભગતે ત્રિભુવન દાદાની સેવા કરી-એ મોહન ભગતના પરિવારની દીકરીઓ દ્વારા પુસ્તકોનું લોકાર્પણ કરાવ્યું.
એ જ રીતે બાપુની રામકથાની પ્રકાશન શૃંખલામાં ત્રણ રામકથાઓ-જે નીતિનભાઈ વડગામા અને એની ટીમનાં અથાગ પ્રયત્ન દ્વારા સંકલિત થાય છે. એમાં માનસ મૌન(જોર્ડન કથા),માનસ જ્વાલામુખી (જ્વાલામુખી કથા)અને માનસ ત્રિભુવન (તલગાજરડા કથા) કે જે હિન્દી ગુજરાતી અને અંગ્રેજીમાં સુલભ બને છે-એ વ્યાસપીઠ અને બ્રહ્માર્પણ થયું.
અને આ કથાનો મંડપ તેમજ અહીંનાં અનેક મંડપો,પાર્કિંગ જેવી વ્યવસ્થા માટે પોતાના ખેતરો, પાક લીધા વગર આપી દીધા અને સામે વળતર પણ ના માગ્યું એવા આઠ પરિવારોને બાપુએ હૃદય ભાવથી શાલ અને સ્મૃતિચિહ્ન દ્વારા અભિવાદન કર્યું. આજે મહુવાથી અહીં આવવાનો રસ્તાનો પ્રશ્ન જેના સહયોગથી ફટાફટ ઉકેલી ગયો એવા ધારાસભ્ય શિવાભાઈ ગોહેલ,નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન, ડો.કનુભાઈ કલસરિયા વગેરે પણ ઉપસ્થિત હતા.

Related posts

Manav Bests ‘Partner’ Manush but Ahmedabad SG Pipers Hold Off U Mumba TT Fightback to Win 9-6 in IndianOil UTT 2024

Reporter1

હનુમાન કોટેશ્વર છે,કોટેશ્વર હનુમાન છે. જે કલ્યાણ કારક છે એ ઈશ્વર છે. આપણે અવંશના અંશ છીએ. અનેકરૂપતા એ ઈશ્વરત્વનું પ્રતીક છે નક્કી કરેલી દિશામાં જેની ગતિ હોય એ ઈશ્વર છે. રાગ-દ્વેષ બહુ મોટા સ્પીડ બ્રેકરો છે,જે આપણી ગતિ અટકાવે છે. શિવ કોટેશ્વર છે,પાર્વતી દુર્ગેશ્વરી છે. કોટ બહારનાં આક્રમણથી બચાવે,દુર્ગ અંદરના આક્રમણથી બચાવે છે

Reporter1

આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે. – શ્રી મોરારિબાપુ

Reporter1
Translate »