હાલમાં ગુજરાત સહીત દેશમાં અનેક જગ્યાઓએ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ગત બે દિવસો પહેલા કચ્છના ભીમાસર નજીક એક ટ્રેન અકસ્માતમાં ત્રણ લોકોના કરુણ મોત થયાં છે. મૂળ બનાસકાંઠાના દિઓદરના રહીશ પરિવારની એક બહેન અને તેના બે પુત્રો રેલવે સ્ટેશન પર પાટા ઓળંગતા હતા તેવે સમયે અચાનક આવેલી ત્રણ હેઠળ કપાઈ જતાં ત્રણેના દુઃખદ મૃત્યુ થયાં હતાં. પૂજ્ય મોરારિબાપુએ આ મૃતકના પરિવારને ૪૫,૦૦૦ની સહાયતા રાશી અર્પણ કરી છે. ગાંધીધામ સ્થિત રામકથાના શ્રોતા શ્રી મોહનભાઈ ઠક્કર દ્વારા આ રાશી પહોંચાડવામાં આવશે.
અકસ્માતના બીજા બનાવમાં પોરબંદર ખાતે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું અને તેમાં કોસ્ટગાર્ડના ત્રણ અધિકારીઓ શહીદ થયાં હતા. પૂજ્ય બાપુએ આ જવાનોના પરિવારજનોને પણ ૪૫,૦૦૦ ની સહાયતા રાશી અર્પણ કરી છે. કોસ્ટગાર્ડમાંથી આ જવાનોના પરિવારજનોની બેંક ડીટેલ્સ મેળવી ચિત્રકૂટધામ ટ્રસ્ટ દ્વારા આ રાશી પહોંચાડવામાં આવશે.
છત્તીસગઢના દાંતેવાડાના બીજાપુરમાં નક્સલી હુમલો થયો હતો જેમાં એક ઓપરેશન પૂરું કરી પરત ફરી રહેલા ડીઆરજી જવાનોના કાફલા પર નક્સલોએ હુમલો કર્યો હતો જેમાં ડ્રાઈવર સહીત ૯ જવાનો શહીદ થયાં છે. પૂજ્ય બાપુએ આ આતંકી હુમલામાં માર્યા ગયેલાઓના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે ૧,૩૫,૦૦૦ ની સહાયતા રાશી અર્પણ કરી છે. જે પણ ટ્રસ્ટ દ્વારા જવાનોના વેલ્ફેર ફંડમાં પ્રેષિત કરવામાં આવશે. આ બને ઘટનાઓમાં શહીદ થયેલા જવાનોને પૂજ્ય બાપુએ શ્રદ્ધાંજલિ આપી છે. કૂલ મળીને રૂ. ૨,૨૫,૦૦૦ની સહાયતા અર્પણ કરવામાં આવી છે.