રાજકોટને રામમય બનાવીને સદ્ભાવના રામકથાએ લીધો વિરામ
આ વિજયભાઇને પદ્મશ્રી મળવો જોઇએ:બાપુ
કથા બીજ પંક્તિઓ:
બ્યાપકુ એકુ બ્રહ્મ અબિનાસી;
સત ચેતન ઘન આનંદ રાસિ
-બાલકાંડ દોહા-૨૩
જિન્હ કે રહી ભાવના જૈસી;
પ્રભુ મૂરતિ તિન્હ દેખી તૈસી.
-બાલકાંડ દોહા-૨૪૧
કથા ક્રમમાં ૯૪૭મી અને રાજકોટની ૧૨મી નવદિવસીય રામકથાનાં આજે નવમા-પૂર્ણાહૂતિનાં દિવસે આરંભે અતિથિ વિશેષના ઉદ્બોધનભાવ બાદ બાપુએ કહ્યું:હેતપૂર્વકના પવિત્ર ઉપકાર હેતુ માટે મંડાયેલી આ કથાનાં વિરામ દિને આ સંવાદનું સમાપન નથી પણ નિરંતર સંવાદ ચાલુ રાખવા માટે વિરામના દિવસે સૌ પૂજ્ય ચરણોમાં પ્રણામ.
બાપુએ કહ્યું કે વિજયભાઈ બોલે ત્યારે હૃદયથી બોલે છે એમણે જે ખાતરીઓ આપી એના સાધુના બાળક તરીકે સાધુવાદ આપું છું.
વર્ષો પહેલાં નૈરોબીના લોહાણા હોલમાં ૧૯૭૫-૭૬માં નૈરોબીમાં હું કથાગાન કરતો હતો.કથા પૂરી કરીને હું જતો હતો.એક બાળકી શાળાએથી આવી,ગાડી પાસે આવી હાથ હલાવતી હતી.મેં મારા હાવ-ભાવમાં એના ભાવને પ્રતિસાદ આપ્યો.બીજા દિવસે એના પિતાને મેં કહેડાવ્યું તમારા ઘરે ચા પીવા આવું હું,ગયો.એની દીકરી શાળાએ ગયેલી એની આંખનું આમંત્રણ હતું મેં મારા હૃદયથી સ્વીકાર્યું હતું, શાળાએથી આવી,સ્કૂલબેગ મૂકી અને આખા આદમ કદના અરીસાની સામે એ નૃત્ય કરતી હતી,મેં બેઠા બેઠા જોયું.માણસ પાસે શબ્દ ન હોય ત્યારે એક જ ભાવ બચે છે કે:નૃત્ય કરવું.પૂજ્ય પરમાત્માનંદના સાનિધ્યમાં એટલું જ-પરમાત્માનંદ એટલું જ કહેવું છે:નો વર્ડ,નો વર્ડ,આપે સંસ્થા માટે જે કામ કર્યા એ માટે નો વર્ડ-શબ્દ નથી,એટલે ગરબા ન લઉં તો શું કરવું?કાલડીથી કેદારની યાત્રામાં વેદને લઈને નીકળેલા આદિ શંકરાચાર્યજીએ એક નાનકડા ગ્રંથમાં લખ્યું:ભગવાન શંકરાચાર્ય યાત્રા કરે છે ત્યારે આસપાસના વૃક્ષની ડાળીઓ નૃત્ય કરતી હોય એવું લાગે છે. હું શરીરથી રાસ લેતો હતો પણ એ પહેલાં આત્મા પણ રાસ લેતો હતો.
બાપુએ ત્રણેય અતિથિઓ વિશે વાત કરતા કહ્યું વલ્લભપીઠને શીત પ્રકાશ આપનાર વલ્લભાચાર્યની પરંપરામાં પધારેલા અને ખૂબ મોટું અભિયાન લઈને ફરે છે એવા યુવા વલ્લભપીઠને વ્યાસપીઠના પ્રણામ ઋષિકેશના પર્યાય બની ગયેલા,ગંગાના કિનારે રહે એ બહુ ઉદાર હોય,એ ગંગાના પ્રવાહથી નવડાવે છે ઉષ્ણતાભર્યા પ્રવાહથી. બાપુએ કહ્યું કે રાજકોટ કહે છે ક્યારે આવશો? કોશિશ કરીશ પાછા આવવાની વચન ન આપી શકું.આપણે નવો કાંડ ઉભો કરવાનો નથી જે કાંડ બાકી રહ્યા છે એ પૂરા કરવા છે.
શાસ્ત્ર અને લોકોકતિ પ્રમાણે સાત ઔષધિ બાપુએ બતાવી એમાં અમુક માનસ કથિત પણ છે અમુક શાસ્ત્ર કથિત છે.મારા તમારા રોગો,શરીરના જ નહીં માનસરોગો પણ નિર્મૂળ કરે છે એમાં પહેલી ઔષધિ છે:રામચરિતમાનસ એટલે કે સદગ્રંથ,દર્શનો,શાસ્ત્રો અન્ય ગ્રંથો.બીજું છે ભગવાનનું નામ.એનું નામ ઉપરાંત લીલા,રૂપ અને ધામ પણ ઔષધિ છે.ત્રીજું સૂર્ય ઔષધી છે.આપણે સભ્યતાને કારણે ટોપી,પેન્ટ કોટ પહેરતા હોઈએ છીએ જેનાથી સૂર્યના સીધા સંપર્કમાં નથી આવતા અને બીમાર પડીએ ત્યારે આપણે સીધા સૂર્યના સંપર્કમાં આવવું પડે છે. આપણા ઋષિમુનિઓ બીમાર ન પડ્યા,સૂર્યના સીધા સંપર્કમાં છે.ચોથું-ગાયનું દૂધ ઔષધિ છે.સવારના દોયેલા કરતા સાંજે દોહેલી ગાયમાં ઔષધિની માત્રા વધારે હોય એવું ચરક કહે છે.બાપુએ કહ્યું નિયમ જડ છે અને વ્રત સંવેદના પૂર્વક પરિવર્તનશીલ છે. ગંગાજળ ઔષધી છે,ગાયનું દૂધ ઔષધી છે, ગંગાજળ ઔષધિ છે.બુદ્ધ પુરુષનો શબ્દ,સ્પર્શ,રૂપ રસ અને ગંધ ઔષધિ છે.એક સદગુરુ બીમારી મટાડે આમાં અંધ શ્રદ્ધા ન લાવતા.ગુણાતિત સ્પર્શ ઔષધિ છે.ગુરુના હાથનો સ્પર્શ વરદ અને અભયદ હોય છે. બાપુએ કહ્યું કે રાજકોટમાં બધાનો પ્રેમ એક જ શબ્દ કહે છે:બાપુ ભલું કરજો! એ પણ કહ્યું કે ડુંગળી રોપવાની દહાડી કરવા જતો અને એ સ્થિતિમાંથી અહીં આવ્યો.પોથીને પ્રતાપે ક્યાં-ક્યાં પૂગ્યા! એ તો ઠીક છે બાહ્ય રીતે ઘણે પહોંચ્યા પણ આંતરિક યાત્રાએ પણ ક્યાં ક્યાં પહોંચાડ્યા. બાપુએ કહ્યું કે પક્ષીનું પીછું ખરી જાય એ પક્ષીને ખબર જ નથી ત્યાગ એ છે કે ક્યારે થઈ ગયો એ ખબર ન પડે.
આ ભીતરયાત્રા છે.મારે તમારા મન,બુદ્ધિ,ચિત સુધી અને તમારામાં રહેલા શિવરૂપી અહંકાર સુધી પહોંચવું છે.
બાપુએ કહ્યું કે કુંભમેળામાં પૂર્ણ કુંભમાં ૧૮ થી ૨૬ જાન્યુઆરીમાં કથા ગાવાનો અવસર મળ્યો છે ત્યારે માનસ સંગમ એ શીર્ષક નીચે ગાન કરાશે.વૃદ્ધ પણ ઔષધિ છે.
વસીમ બરેલવીનો શેર છે:
યે બચ્ચા આસમાં છુ કર રહેગા;
ક્યોંકી બડોં કે પાવ છુકર આ રહા હૈ!
વૃક્ષ પણ ઔષધિ છે.વૃક્ષની છાયા,એનું મૂળ,છાલ, પાન,ફૂલ,ફળ,ડાળી,રસ અને ગંધ ઔષધિ છે. વૃદ્ધોપનિષદ અને વૃક્ષોપનિષદ રચાવું જોઈએ. કલમથી ન લખાય તો ચિંતા નહીં,દેશ આખો વૃક્ષોથી રોપાઇને હરિયાળો બને એ વૃક્ષ ઉપનિષદ છે.મારો ફ્લાવર પાંચ પાંચ વૃક્ષો વાવ્યા વગર નહીં રહે. આપણા ઘરમાં ત્રણ આશ્રમ છે:બાળકો એ બ્રહ્મચર્ય આશ્રમ,ગૃહસ્થ અને વડીલો વાનપ્રસ્થાશ્રમ છે.આ ત્રણે આશ્રમ વ્યવસ્થિત રીતે રાખશું તો સંન્યાસી ભિક્ષા લેવા આવશે.
વૃક્ષ પાસે પાંચેય તત્વો છે:મૂળ એ પૃથ્વી તત્વ સાથે, સિંચાઈ એ જળ તત્વ સાથે,હવાની અવરજવર એ વાયુ તત્વ સાથે,આકાશમાં વિહરે એ આકાશ તત્વ સાથે અને સૂર્યના તેજમાં વિકસે એ સૂર્ય તત્ત્વ સાથે જોડાયેલું છે.
બાપુએ કહ્યું કે આ માણસ(વિજયભાઈ ડોબરીયા)ની રાષ્ટ્રીય લેવલે નોંધ થવી જોઈએ. પદ્મશ્રી મળવો જોઈએ.કારણ કે અસંગ રહીને એ ઘણું બધું કરી રહ્યો છે.
સાથે સાથે સપ્તસંગીતિ ને યાદ કરતા કહ્યું કે એમાં અજય દા પણ આવી રહ્યા છે,એ ભૈરવી ગાય ત્યારે હમારો પ્રણામ પણ ગાય એવું એને કહેજો.
કથા પ્રવાહને સંક્ષિપ્ત રીતે શરૂ કરતાં બાપુએ અયોધ્યા કાંડમાં ભરત મિલાપના કરુણ પ્રસંગને ખૂબ સજળ નેત્રે વર્ણવ્યો અને પાદૂકા અને ભરત મિલાપની કથાને ગાઇ.સંક્ષિપ્તમાં અયોધ્યા કાંડ, અરણ્યકાંડ,કિષ્કિંધા કાંડની અલગ અલગ ઘટનાઓને લઈ અને સુંદરકાંડમાં હનુમાનજી લંકા દહન કરવા જાય છે એ પ્રસંગ વર્ણવ્યો.એ પછી લંકા કાંડની અંદર રામ અને રાવણનું ભીષણ અને ભયાનક યુધ્ધ થયું,સંધિ વિફળ રહી ત્યારે બાપુએ યાદ કરાવ્યું કે ભારતની હંમેશા વિચારધારા રહી છે કે સંધિ કરી અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવો,પણ એના કોઈ અલગ અર્થો થાય છે ત્યારે યુદ્ધ અનિવાર્ય બને છે.જેને આપણે ધર્મયુદ્ધ કહીએ છીએ.સાથે-સાથે એ પણ ઉમેર્યું કે રાવણને નિર્વાણ આપ્યું ત્યારે દેશમાં ઘણું એવું સારું થવાનું થાય છે,એમાં રાવણ જેવા અસુરોનાં નિર્વાણની જરૂર છે.અહીં રામ કોઈને મારતો નથી પણ નિર્વાણ પદ આપે છે.પુષ્પક આરુઢ થઈને રામ અયોધ્યામાં પ્રવેશ કરે છે.રાજતિલક થાય છે એ પછી કથાને અંત તરફ લઈ અને બાપુએ આ સમગ્ર કથાનું સુફળ ત્રિભુવનનાં બધા વૃક્ષો અને વૃધ્ધ દેવતાઓને અર્પણ કરતા નાનામાં નાના દરેક કાર્યકર,સ્વયંસેવક,પોલિસ,સિક્યુરીટિ,આયોજકો,દાતાઓ,રસોડું,અખબારો અને તમામ મિડિયાએ આ કથાને હાથોહાથ,આંખો સુધી,ઘર-ઘર પહોંચાડી એની પ્રસન્નતા વ્યક્ત કરી.
કથાનાં અંતે પરમાત્માનંદજીએ બાપુની સહજતા સરળતા સ્વભાવ અને કથા આયોજનની પળથી આજ સુધીની વાત કરીને જણાવ્યું કે બાપુ સંત શબ્દનું મૂર્તિમંત રૂપ છે.
શેષ-વિશેષ:
આગામી-૯૪૮મી રામકથાનું ગાયન ૨૧ ડીસેમ્બરથી ૨૯ ડીસેમ્બર દરમિયાન તાંજોર(તમિલનાડુ)થી થશે
જેનું નિયમિત પ્રસારણ નિયત સમયે આસ્થા ટીવી ચેનલ અને ચિત્રકૂટધામ-તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ તેમજ સંગીતની દુનિયા પરિવાર પરથી કરવામાં આવશે.
કથા વિશેષ:
બાપુએ કહ્યું કે માનસના સાતે કાંડ આ રીતે પણ જોઈ શકીએ:
બાલકાંડ એ ભગવંતનો કાંડ છે.
અયોધ્યા કાંડ આરંભ એટલે કે પંથનો કાંડ છે. અરણ્યકાંડ સંત કથા આવે,સંતનો કાંડ છે.
સુંદરકાંડ ગ્રંથ કથા છે.
કિષ્કિંધા કાંડ એ કંથ કથા છે.
લંકાકાંડ એ રાવણના તંતની કથા છે.
ઉત્તર કાંડ સ્વાન્ત: કથા છે.
અતિથિ વિશેષ:
બાપુમાં ગંગા,હનુમાનજી અને રામની ત્રિવેણી દેખાય છે:વ્રજરાજ મહોદય
‘માય વે ઓર નો વે’-હવે એક જ રસ્તો રહ્યો છે:સ્વામી ચિદાનંદ સરસ્વતીજી
કથા આરંભ અગાઉ આ સંસ્થા ના સંરક્ષક ડોક્ટર પરમાત્માનંદજી સરસ્વતીએ આભાર દર્શન કર્યું અને કહ્યું કે સંસ્કૃત ભાષામાં રામાયણ શબ્દની બે વ્યાખ્યા છે:રામસ્ય અયન-ભગવાન રામજીની જીવનયાત્રા અને રામસ્ય અયન એટલે ભગવાન રામનું ઘર.અયોધ્યા તો છે જ પણ રાજકોટને પણ ઘર બનાવી નાખનાર મોરારીબાપુને ખુબ-ખુબ આભાર અને અભિનંદન આપ્યા .
આજે બે વિશિષ્ટ સદગુરુઓ-સંતોની વિશેષ હાજરી હતી વલ્લભકૂળ તિલક ગોકુલ નિવાસી ઇન્દિરા બેટીજીના ખાસ અને વડોદરામાં પણ વસવાટ કરતા કૃષ્ણ વ્રજરાજ મહોદય શ્રી,વૈષ્ણવ યુવા ઓર્ગેનાઇઝેશન(વીવાયઓ)આ સંસ્થાની સ્થાપના કરીને વિશ્વના પાંચ કરોડ વૈષ્ણવોને ભેગા કરવાની જેની નેમ છે,૩૦ હવેલીઓના અધિપતિ અને યુવાઓના ખાસ પ્રેરણાદાયી મહારાજ શ્રી એ પણ ઉદબોધન કરતા કહ્યું કે:વ્યાસપીઠ પર બાપુના દર્શનથી એક જ વાત પ્રગટ થાય છે કે હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે.બાપુ ગંગાજીનું સેવન કરે છે હનુમાનજી છે અને રામની પ્રેરણા-આ રીતે ત્રિવેણી બાપુમાં બિરાજે છે,એટલે જ બાપુની કથાધારા, ત્રિવેણીની ધારાની જેમ અવિરત વહે છે.જે આંબા જેવા વૃક્ષો આવે છે એને ક્યારેય નર્કની પ્રાપ્તિ નથી તેઓએ એક વાત ખાસ કરી કે:બાપુએ આટલી કથાઓ કરી કદાચ ‘માનસ કૃષ્ણ’ કથા કરી હોય એવું ધ્યાનમાં નથી.કારણ કે રામ અને કૃષ્ણ એક જ છે. ઋષિકેશના સૌથી મોટા આશ્રમ-પરમાર્થ નિકેતન આશ્રમનાં અધિપતિ સ્વામી ચિદાનંદ સરસ્વતીએ પોતાનો ભાવ રાખતા કહ્યું કે બાપુ સનાતન સંસ્કૃતિના સંગમ છે.સનાતનના ઉચ્ચ શિખર ઉપર લહેરાતી ધ્વજાને દિશા અને દીક્ષા દેવા માટે જીવન સમર્પિત કરી દીધું છે.સત્ય પ્રેમ કરુણાની કથા જ નહીં સત્ય પ્રેમ અને કરુણાનો અવતાર છે.જ્યારે આજની વિચારધારા જ ધૂંધળી થઈ ગઈ છે ત્યારે બાપુએ સ્પષ્ટ વિચારધારા સનાતન બારામાં કહેલી છે અને ખાસ કહ્યું કે જ્યાં સુધી બાપુ આપની કથા ધારા છે સનાતનને કોઈ ખતરો નથી.અને સનાતન છે તો ભારત છે,ભારત છે તો સુરક્ષા છે.સનાતન છે તો આખા વિશ્વમાં સદભાવના અને સમતા અને સદભાવ છે.તેણે કહ્યું કે ‘માય વે ઓર નો વે’-એક જ રસ્તો છે.પણ ‘માય વે ઇઝ હાઇવે’ આ જ વિચારધારાને દીક્ષા અને દિશાની જરૂર છે.
ઉપરાંત રાજકીય ક્ષેત્રનાં વિશેષ મહાનુભાવો ભુપેન્દ્ર સિંહ ચુડાસમા,રાજુભાઇ ધ્રુવ અને અનેક ક્ષેત્રનાં મહાનુભાવોએ પણ વ્યાસપીઠની પૂજા કરી.