Nirmal Metro Gujarati News
article

માનસમાં પ્રયાગાષ્ટક છે. સાધુ સમાજ હાલતો ચાલતો પ્રયાગ છે. દેશ,કાળ અને પાત્રની પરિસ્થિતિ જોઇને સત્તાનો ત્યાગ કરવો એમાં રાજપુરુષનું હિત છે. સુખનું કેન્દ્ર સાધુ સંગ છે. રાજ્ય અને રાષ્ટ્રનું મૂળ એનું સંવિધાન છે

 

 

મહાકુંભ પ્રયાગમાં ચાલી રહેલી રામકથાનાં સાતમા દિવસે બાપુએ જણાવ્યું કે સંસ્કૃત સાહિત્યમાં અષ્ટકનો મોટો મહિમા છે.રામચરિત માનસમાં રૂદ્રાષ્ટક છે,જગતગુરુ શંકરાચાર્યજીએ અષ્ટક લખ્યું છે.અનેક અષ્ટક આપણી પાસે છે.પણ રામચરિત માનસમાં પણ એક અષ્ટક છે જેને એને હું પ્રયાગાષ્ટક કહું છું.પ્રયાગ એક અષ્ટક છે. બાલકાંડથી ઉત્તરકાંડ સુધીમાં તુલસીદાસજીએ આઠ વખત પ્રયાગનું વર્ણન કર્યું છે.

બાલકાંડમાં એનો આરંભ થાય છે:

મુદ મંગલ મય સંત સમાજુ;

જો જગ જંગમ તીરથ રાજુ.

સાધુ સમાજ હાલતો ચાલતો પ્રયાગ છે.જ્યાં ભક્તિની ગંગા,બ્રહ્મવિચારની સરસ્વતિ અને વિધિ નિષેધની કર્મ કથાની યમુનાજી મળે છે.વિશ્વાસ રુપી અક્ષય વટ પણ ત્યાં છે.

આ પ્રયાગ તો માઘ મહિનામાં થાય છે પણ સાધુ કોઈ પણ સમયે આપણને મળી શકે છે.

સાધુ સમાજના સંગરૂપી સંગમમાં સ્નાન કરવાથી તરત ફળ પ્રાપ્ત થાય છે.

આપણે એ પણ નિર્ણય કરવો પડશે કે સત્તાનો સંગ મહત્વનો છે કે સંતનો સંગ મહત્વનો છે?સત્તા આજે છે,કાલે ન પણ હોય!સાધુ કાયમ છે.સત્તામાં રજોગુણ અને તમોગુણ છે.સંતનો સંગ ગુણાતિત હોય છે.મહાદેવ પણ શાશ્વત સાધુસંગ માંગે છે.

સુખનું મૂળ-સુખનું કેન્દ્ર સાધુ સંગ છે.સાધુને સાંભળવા એ તો મોટી વાત છે જ પણ,સાધુની સાથે બેસવું એ પણ ખૂબ જ મોટી વાત છે.ગ્રંથથી એટલું નહીં મેળવી શકાય જેટલું સાધુ સંગથી મળશે.

કથા દરમિયાન બાપુની પીડા વ્યક્ત થઇ કે ટાંકણે જ લોકો લૂંટ ચલાવે છે.૧૦-૧૦ મિનિટમાં ભાડું વધતું જાય છે!દુનિયા તો જુઓ! સરકારે ભાવ બાંધણું કરી દેવું જોઈએ.નહીં તો સામાન્ય લોકો કઈ રીતે અહીં આવી શકશે?૭૦-૭૦ હજાર રૂપિયા ફ્લાઈટનો ભાવ થઈ ગયો છે.અહીં તો ન્હાવા આવું કે નાહી નાખવું! કોણ નવડાવી નાખે છે એ જ સમજાતું નથી! બાપુએ પીડા વ્યક્ત કરતા કહ્યું કે દુનિયા તો જૂઓ!સમય ઉપર લાભ લે છે!છોડો!!

બીજો પ્રયાગ ભરત અને યાજ્ઞવલ્ક્યનું મિલન.ત્રીજો પ્રયાગ રામ-લક્ષ્મણ-જાનકી પ્રયાગમાં જાય છે.ચોથો ભરતજી મળે છે એ.પાંચમો ચિત્રકૂટમાં જનક રાજા આવે છે.છઠ્ઠો પ્રયાગ જાનકી અને જનકનું મિલન રચાય છે.સાતમો પ્રયાગ ઉત્તરકાંડમાં બતાવ્યો છે અને વશિષ્ઠ અને વિશ્વામિત્રનો સંગ એક પ્રારબ્ધવાદી-વશિષ્ઠ અને એક પુરુષાર્થવાદી- વિશ્વામિત્ર,રામના માધ્યમથી બંને ધારાઓનો સંગમ થયો છે.

રામ લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે શુભ આશ્રમમાં જાય છે એ વખતે રામ સંકેત કરે છે કે ઈશ્વરના મળ્યા પછી પણ યજ્ઞ,દાન અને તપ છોડવા જોઈએ નહીં. જે કારણ વગર તાડન કરે એવી તાડકાનો વધ કરી મારિચને સત જોજન દૂર ફેંકીને સુબાહુને નિર્વાણ આપી રામ વિશ્વામિત્રના આશ્રમમાં આવ્યા. વિશ્વામિત્ર પાસે મંત્ર,સૂત્ર,શસ્ત્ર,શાસ્ત્ર,સાધન અને સાધના-છ વસ્તુ છતાં પણ રામરૂપી સત્ય અને લક્ષ્મણરૂપી સમર્પણ ન હતું એટલે યજ્ઞ પૂરો ન થઈ શક્યો.જીવનરૂપી યજ્ઞ માટે પણ સત્ય અને ત્યાગ-સમર્પણ જરુરી છે.

અહલ્યાનાં ઉદ્ધારની રસિક કથાનું ગાન કરીને જણાવ્યું કે આટલા બધા મહાપુરુષોની ચરણ રજ આ કુંભમેળામાં પડી છે તો ત્રિવેણીના જળની સાથે સાથે અહીંની થોડીક ધૂળ પણ લેતા જજો.

કુંભમાં વિશિષ્ટ મહાનુભાવો અને વિશિષ્ટ દિવસો ઉજવાય છે એ નિમિત્તે સંવિધાન,દિવસ તિરંગા યાત્રા દિવસ અને બેટી દિવસની ઉજવણી માટે દેશના ન્યાય અને કાનૂન મંત્રી અર્જુનરામ મેઘવાળ અને ઉદ્યોગ મંત્રી વ્યાસપીઠ વંદના માટે આવ્યા અને તેઓએ પણ પોતાની વાત રજૂ કરી હતી.

કથા વિશેષ:

સોળ શણગાર સજતા પ્રશ્નોત્તર:

૧-સૌથી મોટું સુખનું મૂળ કયુ છે?સાધુ સંગ.

૨-મનુષ્યનો સૌથી મોટો દુશ્મન?અહંકાર.

એમ તો ઘણા જ શત્રુઓ,મોહ,લોભ,કામ,ક્રોધ બતાવેલા છે.પણ કોઈના પ્રસાદને કારણે પદ,પ્રસિદ્ધિ પ્રતિષ્ઠા મળ્યા પછી એ પ્રસાદ તત્વને ભૂલી જાય એવો અહંકાર સૌથી મોટો શત્રુ છે.જ્યારે વિચાર્યું પણ ન હોય એટલી પ્રસિદ્ધિ બહુ થોડા સમયમાં મળી જાય તો વિચારજો કે આ કોઈકના પ્રસાદનું પરિણામ છે.

૩-નિર્ધનનું ધન કયું છે?ભરોસો.

૪-સત્પુરુષ કોણ છે?જેના જીવનમાં સત્ય છે.ચરણ અને આચરણનું સત્ય,હૃદયમાં પ્રેમ અને આંખમાં કરુણા હોય એ સત્પુરુષ છે.

૫-સ્ત્રીનું આભૂષણ કયું છે?લજ્જા.

૬-સૌથી મોટો વીર કોણ છે?જેણે પોતાને જીતી લીધો છે એ.

૭-ધર્મનું મૂળ શું છે?સત્ય.

૮-અર્થનું મૂળ શું છે?ઉદારતા.

૯-રાજ્યનું મૂળ શું છે?પોતાનું સંવિધાન.

૧૦-ઇન્દ્રિય ઉપર વિજય મેળવવા માટે શું જોઈએ? સમ્યક સંયમ.

૧૧-વિનયનું મૂળ શું છે?વિદ્યા.

૧૨-વયોવૃદ્ધની શ્રેષ્ઠ સેવા કઈ?તેમને વૃદ્ધાશ્રમમાં ન મોકલવા અને તેમની આજ્ઞાનું પાલન કરવું. ૧૩-રાજપુરુષનું હિત શેમાં છે?દેશ કાળ અને પાત્રની પરિસ્થિતિ જોઇને સત્તાનો ત્યાગ કરવો એમાં રાજ પુરુષનું હિત છે.

લાગે કે હવે આપણો સમય નથી ત્યારે પ્રસન્ન પ્રસન્નતાપૂર્વક સત્તા છોડી દેવી જોઈએ.

૧૪-સાધુઓના મતથી રાજ્ય ચાલે તો શું થાય? વિશ્વનું અતિશય,અતિશય મંગળ થશે.

૧૫-ત્યાગ વૈરાગ્ય અને સંન્યાસમાં શ્રેષ્ઠ કોણ? વૈરાગ્ય શ્રેષ્ઠ છે.એને મધ્યમાં-કેન્દ્રમાં રાખો અને એની આજુબાજુ ત્યાગ અને સંન્યાસ હોવો જોઈએ.૧૬-સુખનું મૂળ?ત્યાગ.

Related posts

Samsung Galaxy Tab S10 Ultra and Galaxy Tab S10+ Go On Sale in India

Reporter1

Toyota Kirloskar Motor Prepares for a Remarkable Participation at the Global Toyota Ekiden Relay Race 2024 in Japan

Reporter1

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘુમા સ્થિત ખોડિયાર ધામ પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત શતચંડી મહાયાગ મહોત્સવમાં આપી હાજરી

Reporter1
Translate »