મૂળ,જળ,જ્વાળા,પળ,કમળ-આ ચાર-પાંચ વસ્તુ ગુરુત્વાકર્ષણનેય ગાંઠતી નથી.
રામચરિતમાનસમાં વૃધ્ધો અને વૃક્ષોનું મહિમાગાન થયું છે.
સાતેય કાંડમાં વૃધ્ધો અને વૃક્ષો અઢળક દેખાય છે.
રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે ચાલી રહેલી રામકથાનાં પાંચમા દિવસે આરંભે બાપુએ જણાવ્યું કે મેં વિનય કરેલો કે દરેક પરિવાર પાંચ-પાંચ વૃક્ષો વાવે,સારો પ્રતિસાદ મળ્યો છે.આપણા આંગણામાં જગ્યા ન હોય તો સંસ્થા વાળા જ્યાં કહે ત્યાં પાંચ વૃક્ષો વાવીને એની રકમ આપી દેવી જોઈએ.
પણ એક પ્રશ્ન ખૂબ સરસ પૂછાયો કે:ગણેશ,દુર્ગા, વિષ્ણુ,શિવ અને સૂર્યનાં નામે એક-એક વૃક્ષ ઉછેરવું પણ આ પાંચ દેવતાનાં વૃક્ષો કયા-કયા છે?
બાપુએ કહ્યું કે ગ્રંથોના આધારે,સાધુ સંતોના અભિપ્રાયના આધારે અને ગુરુકૃપાથી કહું તો વડલો એ માતૃરુપા છે એવા ભાવથી રોપજો.કારણ કે હંમેશા કથા વડલા નીચે ગવાઇ છે.તુલસી વિશ્વાસના વટ નીચે,નીલગીરીના વટ નીચે કાગભુશુંડી,મહાદેવ કૈલાસના વટની નીચે કથા ગાય છે.કથા માતૃરૂપા છે, મા દુર્ગા છે.પ્રયાગમાં પણ વટવૃક્ષ છે.અમે ચિત્રકૂટમાં સાવિત્રી વટ પણ રાખ્યો છે.દુર્ગા કે પાર્વતી અથવા તો પોતાના માતાના નામે પણ વાવજો.શાસ્ત્ર પ્રમાણ મેળવવા ન જતાં,અંતઃકરણની પ્રવૃત્તિને જ પ્રમાણ માનજો.પીપળાનું વૃક્ષ એ વિષ્ણુનું વૃક્ષ છે.ગીતામાં કૃષ્ણ કહે છે વૃક્ષોમાં પીપળો મારી વિભૂતિ છે. બાપુએ કહ્યું કે મારી નિમ્બાર્કી પરંપરામાં નીમનાં વૃક્ષમાં સૂર્યના દર્શન થયા છે.લીમડો એ સૂર્યનું વૃક્ષ છે અને બીલીવૃક્ષ એ મહાદેવનું વૃક્ષ છે.કારણ કે મહાદેવને ત્રીદલ બીલીપત્ર ચઢાવવામાં આવે છે. ચંદનનું વૃક્ષ એ ગણેશ વૃક્ષ છે.
સમર્થ સર્જક રમેશ પારેખને બાપુએ યાદ કર્યા કે આજે એમનો દિવસ છે.બાપુએ એ પણ કહ્યું કે બે ચાર વસ્તુ એવી છે જે ગુરુત્વાકર્ષણને ગાંઠતી નથી નાળિયેરીમાં પાણી ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં ઉપર જાય છે,અગ્નિ-જ્વાળા પણ ઉપર જાય છે, સંસાર પણ ઉર્ધ્વમૂલ હોય છે.આમ મૂળ,જળ,અને પળ પણ આપણને ઉપર લઈ જાય છે.એ જ રીતે કમળ પણ ઉર્ધ્વગામી દિશામાં વહન કરે છે.
બાપુએ કહ્યું કે જબલપુરમાં ૨૦૨૬માં ઓશોના સ્મરણમાં એક કથા ગાવાનું ઈચ્છા છે.
રામચરિત માનસમાં કેટલા વન છે એ જણાવતા બાપુએ કહ્યું બાલકાંડમાં ત્રણ વન છે:એક તો આમ્રકુંજ-આંબાનું,બીજું વિંધ્યવન અને ત્રીજું નેમિષારણ્યનું વન છે.અયોધ્યાકાંડમાં કામદવન અને ચિત્રકૂટ વન છે.અરણ્યકાંડમાં પંચવટીમાં દંડક વન છે કિષ્કિંધા કાંડમાં મધુવન છે.સુગ્રીવ ના સૈનિકો મધુવનમાં ફળ ખાય છે.સુંદરકાંડમાં અશોકવાટિકા એ જ રીતે લંકાકાંડમાં આનંદ કાનન અને ઉત્તરકાંડમાં ચાર-ચાર વૃક્ષોની નીચે કાગભુશુંડી કથાનું ગાન કરે છે.
રામચરિત માનસમાં એટલો જ મહિમા વૃદ્ધોનો થયો છે.સાતે કાંડમાં વૃક્ષો અને વૃદ્ધો બાપુએ બતાવ્યા બાલકાંડમાં સત્યકેતુ,મહારાજ મનુ,અયોધ્યાકાંડમાં દશરથ.એ જ રીતે કાલિદાસે દિલીપ રાજા યુવાન હોવા છતાં એ ચાર પ્રકારે વૃદ્ધ છે એવું કહ્યું.દિલીપ જ્ઞાનવૃદ્ધ,વૈરાગ્ય વૃદ્ધ,ધર્મવૃદ્ધ અને વિદ્યાવૃધ્ધ છે. દશરથનો સારથી સુમંત,અરણ્યકાંડમાં કુંભજ, જટાયુ,અત્રિ,શબરી જે ભક્તિના રૂપમાં જ્ઞાન વૃધ્ધ છે નારદ પણ વૃદ્ધ છે.કિષ્કિંધામાં ગવાક્ષ વગેરે રાક્ષસો, જામવંત,સુંદરકાંડની ત્રિજટા અને રાવણ લંકાકાંડમાં વૃદ્ધ છે,રાવણનો મંત્રી માલ્યવંત પણ વૃધ્ધ છે.વૃદ્ધો અને વૃક્ષો તરફ સદભાવના રાખીએ કારણ વગર વૃક્ષો કાપવા નહીં.
કથા પ્રવાસમાં તપની વાત કરતા બાપુએ કહ્યું કે સત્યતપ,મૌનતપ એમ ધૈર્ય-ધીરજ પણ તપ છે.મારી વ્યાસપીઠ એ ગાનપીઠ છે,માટે ગાઓ! પાર્વતી અને શિવના વિવાહની સંક્ષિપ્ત કથા વર્ણવતી વખતે બાપુએ કહ્યું કે પાર્વતીને ત્યાં શંકરની જાન કઈ રીતે જાય છે અને ભૂતડાઓ કઈ રીતે ભોજન કરે છે એ કથાનું સુંદર હાસ્ય સભર વર્ણન કરવામાં આવ્યું,પછી કન્યા વિદાયનો કરૂણ પ્રસંગ પણ વર્ણવાયો.
કથા વિશેષ:
જ્યારે વૃધ્ધોની સંખ્યા પોણા ત્રણસો ટકા વધી જશે ત્યારે….:લોર્ડ ડોલર પોપટ.
કથાના આરંભે લંડન થી પધારેલા દાનવીર લોર્ડ ડોલર પોપટ કે જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લંડનમાં સભ્ય છે એણે મનનીય પ્રવચન આપતા અંગ્રેજીમાં કહ્યું કે ૨૨ વર્ષ પછી ૩૫ વર્ષની ઉંમર કરતાં વધારે ઉંમરવાળા લોકોની વસ્તી વધી જશે.આવનારા દિવસોમાં અને વર્ષોમાં બુઢાપામાં જીવતા લોકોને મુશ્કેલીઓ વધશે. તે વખતે પરિવારની કાળજી માટે વિચારવું પડશે.આવનારા વર્ષોમાં ૮૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ ની સંખ્યા ૨૮૦ ટકા જેટલી વધશે.૨૦૫૦ સુધીમાં વસ્તી તો વધશે પણ વૃદ્ધોની સંખ્યા ખૂબ વધશે.એને પરિવાર પણ નહીં સાચવી શકે અને હોસ્પિટલમાં પણ નહીં સાચવી શકાય. મેડિકલની શોધનાં કારણે ઉંમર વધશે,મૃત્યુઆંક નીચો જશે.ત્યારે ઘણી બીમારીઓ એકલતા,ડિપ્રેશન વગેરે ઉત્પન્ન થશે અને એ વખતે વૃદ્ધોને સાચવવા માટે ખાસ આવા પ્રકારના વૃદ્ધાશ્રમોની જરૂર પડશે.
અતિથિ વિશેષ:
અહીં બે જ વિકલ્પ છે:કાં આપીને જવાનું,કાં મૂકીને જવાનું છે!:દેવી પ્રસાદજી મહારાજ.
પાંચ દિકરાઓની માતા વૃધ્ધાશ્રમમાં છે,પાંચ દીકરીઓની એક પણ મા વૃધ્ધાશ્રમમાં નથી:દેવી પ્રસાદજી
જામનગરના આણંદ બાબા સંસ્થાના દેવીપ્રસાદજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ હતી.સાથે-સાથે અનેક મહાનુભાવો શાહબુદ્દીન રાઠોડથી લઈને અનેક લોકો પણ કથા મંડપમાં હતા.
દેવીપ્રસાદજીએ ખૂબ જ માર્મિક ઉદબોધન અને આશીર્વાદ વચન પાઠવતા કહ્યું કે પાંચ દીકરાઓના મા બાપ વૃધ્ધાશ્રમમાં જોવા મળે છે પણ પાંચ દીકરીઓની મા ક્યારેય જોવા મળતી નથી.પાંચ દીકરા મા ને પોતાની સાથે રાખવા માટે દિવસોના અને સમયના ભાગ પડે છે!આ દુઃખની વાત પણ છે અને ભારતની સંસ્કૃતિ માટે વૃદ્ધાશ્રમ એ દુઃખ જનક છે છતાં પણ અહીં એ વ્યવસ્થા થાય છે એ આનંદની પણ વાત છે.
ગુજરાતમાં ૮૫ વૃદ્ધાશ્રમ છે.૭૦ કરોડની રકમ સરકાર દર વર્ષે ગ્રાન્ટ પેટે આપે છે.એક પણ જિલ્લો બાકી નથી કે જ્યાં વૃદ્ધાશ્રમ ન હોય.અને વૃદ્ધાશ્રમ થવાનું કારણ છે ભોજન જુદા,પ્રાર્થના જુદી, વ્યવહારો જુદા થઈ ગયા છે.અને એક જ થાળીમાં બધા જ સાથે બેસીને જમનારા(એટલે કે મુસ્લિમો) માં વૃદ્ધાશ્રમ નથી.૮૫માં વર્ષે દીકરાની ટીકા ન કરનારી માં ને પણ મેં જોઈ છે.એક માતાને પૂછ્યું કે આપ આટલા વર્ષે પણ કેમ પાંચ દીકરા હોવા છતાં વૃદ્ધાશ્રમમાં છો? તેઓએ જણાવ્યું કે મારો સ્વભાવ સારો નથી!તોય દીકરાને દોષ ન આપ્યો.વધારે મોટી ઉંમરની વસ્તી સૌથી વધારે જાપાનમાં છે પણ ત્યાં વૃદ્ધાશ્રમ પણ નથી અને ભીખ માગનાર પણ કોઈ નથી.આપણે સંસ્કૃતિનાં પ્રેમ છતાં પણ આપણે સંગઠિત નથી,પ્રેમ નથી,લાગણી નથી.આપણે એકબીજાના પગ ખેંચવા માંથી નવરા પડતા નથી પાછું આપણે ત્યાં માતૃદેવો ભવ પણ બોલાય છે!
એ સારું છે આવા વૃદ્ધાશ્રમ છે એટલે ટકી શક્યા છે મહારાજે એ પણ કહ્યું કે અહીં બે જ વિકલ્પ છે: કાં આપીને જવાનું,કાં મૂકીને જવાનું છે! નક્કી આપે કરવાનું કે શું કરવું છે?સાથે એક ચેતવણી પણ આપી કે એક દીકરા વાળાએ વૃદ્ધાશ્રમમાં જવાની તૈયારી રાખવી પડશે,ગમે ત્યારે દીકરો કાઢી મૂકી શકે!