યુક્રેન પર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
યુક્રેનના ઊર્જા માળખા અને ટ્રાન્સપોર્ટ નેટવર્કને નિશાન બનાવવાની શક્યતા, બીજી તરફ શાંતિ મંત્રણાના પ્રયાસો પણ તેજ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોસ્કો, તા.૨૭ નવેમ્બર ૨૦૨૬ — અંદાજે પાંચ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા સહિતના દેશો ફરી એકવાર રાજદ્વારી સ્તરે સક્રિય થયા છે, પરંતુ જમીની સ્તરે તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો! યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ગંભીર ચેતવણી આપી છે કે, રશિયા યુક્રેન પર ફરી એકવાર મોટો અને વિનાશક હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ હુમલામાં ખાસ કરીને યુક્રેનના ઊર્જા માળખા, ટ્રાન્સપોર્ટ નેટવર્ક અને આવશ્યક સેવાઓને નિશાન બનાવવામાં આવી શકે છે.એક તરફ હુમલાની આશંકા છે, તો બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત જેરેડ કુશનરે શાંતિ મંત્રણાને લઈને મહત્વનો દાવો કર્યો છે. કુશનરે જણાવ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધ દરમિયાન પરમાણુ હથિયારોનો ઉપયોગ ન કરવાની સંમતિ આપીને મોટો સંયમ દાખવ્યો છે અને અમેરિકી પ્રતિનિધિઓને આ અંગે સ્પષ્ટ ખાતરી આપી છે. સાથે કુશનરે એ પણ સ્વીકાર્યું કે પુતિન સાથેની લાંબી વાતચીત પરથી લાગે છે કે તેઓ શાંતિ ઈચ્છે છે, પરંતુ યુક્રેનના કેટલાક પ્રદેશો પરના નિયંત્રણને લઈને અસંમતિ હોવાથી હાલ વાતચીત અટકી પડી છે.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પુતિનને યુરોપિયન ક્ષેત્રોમાં સૈન્ય આક્રમકતા રોકવા અપીલ કરી છે, જેથી બંને દેશો વચ્ચે વહેલી તકે કોઈ સમજૂતી થઈ શકે! કુશનરે સંકેત આપ્યો છે કે, રશિયા વોશિંગ્ટન સાથે પોતાના સંબંધો સુધારવા ઇચ્છે છે, ખાસ કરીને પોતાની સરહદો નજીક નાટોની વધતી હાજરીના મુદ્દે તે ઉકેલ ઈચ્છે છે. તો બીજી તરફ, ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓનું માનવું છે કે, મોસ્કો કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવા તૈયાર નથી અને સતત સૈન્ય અભિયાન ચલાવી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં લાખો સૈનિકો અને હજારો નિર્દોષ નાગરિકોના જીવ ગયા છે.

