હવાઈ હુમલામાં ૩૯ ઘાયલ થયા
સનાની નજીક હુથીઓના નિયંત્રણવાળા ગામને બનાવાયું નિશાન; બચાવકર્મીઓ પર પણ હુમલો કરાયાનો આક્ષેપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સના, તા.૮ નવેમ્બર ૨૦૨૬ — મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધની સ્થિતિ વણસી રહી છે. યમનની રાજધાની સના નજીક હુથી વિદ્રોહીઓના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૩૩ લોકોનાં મોત થયા છે, જ્યારે ૩૯ લોકો ઘાયલ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હુથી સંચાલિત આરોગ્ય મંત્રાલયે આ હુમલા માટે સાઉદી અરેબિયાને જવાબદાર ઠેરવ્યું છે. જોકે, હુમલાની જવાબદારી અંગે સાઉદી તરફથી સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને આ દાવાઓની સ્વતંત્ર ચકાસણી પણ થઈ શકી નથી.
હુથી સંચાલિત સબા ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, સનાની પૂર્વમાં આવેલા અલ-શરિયા ગામ અને બાની હુશૈશ વિસ્તારમાં રહેણાક મકાનોને નિશાન બનાવીને હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. હુમલામાં મૃત્યુ પામેલા લોકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
હુમલા બાદ હુથી અધિકારીઓએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, બચાવ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને પણ લશ્કરી વિમાનોએ બે વખત નિશાન બનાવ્યા હતા. સનાની હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અનેક લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
સાઉદી અરેબિયાના હુમલાના જવાબમાં હુથી સંગઠને પણ વળતી કાર્યવાહી કરવાનો દાવો કર્યો છે. હુથી સૈન્ય પ્રવક્તા યાહ્યા સારીએ જણાવ્યું હતું કે, સંગઠને બેલિસ્ટિક મિસાઈલો, ક્રૂઝ મિસાઈલો અને ડ્રોનનો ઉપયોગ કરીને છ લશ્કરી કાર્યવાહી હાથ ધરી હતી.
હુથીઓના દાવા અનુસાર, આ હુમલાઓમાં સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ, ઓઈલ કંપની અરામકોની સુવિધાઓ અને વિવિધ સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. બીજી તરફ, સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધને રિયાધ પ્રાંત તરફ છોડવામાં આવેલી હુથી મિસાઈલને હવામાં જ તોડી પાડ્યાનું જણાવ્યું હતું.
યમનના તાઈઝ પ્રાંતમાં શુક્રવારે એક બજાર પર થયેલા હુમલામાં પણ ૩૦ લોકોનાં મોત થયાનો અહેવાલ છે. હુથીઓએ આ હુમલા માટે સાઉદી હવાઈ દળને જવાબદાર ઠેરવ્યું છે, જ્યારે યમનની સરકાર સમર્થિત દળોએ બજાર પર બેલિસ્ટિક મિસાઈલ છોડવા માટે હુથીઓ પર આરોપ લગાવ્યો છે. આમ, બંને પક્ષો એકબીજા પર હુમલાના ગંભીર આક્ષેપો કરી રહ્યા છે.
યમનમાં સાઉદી સમર્થિત સરકાર અને ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. વર્ષ ૨૦૨૨માં સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થીથી થયેલા યુદ્ધવિરામ બાદ હિંસામાં ઘટાડો થયો હતો. જોકે, જુલાઈ ૨૦૨૬થી ફરી શરૂ થયેલા સશસ્ત્ર સંઘર્ષે સ્થિતિ ગંભીર બનાવી છે. આ નવા સંઘર્ષને કારણે યમનમાં માનવીય સંકટ વધુ ઘેરું બનવાની આશંકા છે. આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંગઠન ર્(ૈંંસ્)ના જણાવ્યા અનુસાર, તાજેતરના સંઘર્ષ બાદ બે લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. સતત વધી રહેલી હિંસાને કારણે સમગ્ર મધ્ય પૂર્વમાં પ્રાદેશિક સુરક્ષા અને શાંતિ સામે નવો પડકાર ઊભો થયો છે.

