ગોંડલમાં રક્તરંજિત રાતઃ ગોંડલમાં વેપારીની હત્યાથી ચકચાર
રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યા સુધી દુકાન ખુલ્લી રહેતાં પાડોશીઓને શંકા ગઈ, લૂંટ કે અંગત અદાવતની દિશામાં પોલીસે શરૂ કરી તપાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગોંડલ, તા.૨૮ નવેમ્બર ૨૦૨૬ — ગોંડલમાં સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શહેરની ચુનારા શેરીમાં આવેલી તેલની દુકાનમાં ૬૧ વર્ષીય વૃદ્ધ વેપારીની અજાણ્યા શખ્સોએ મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા નિપજાવી છે. ઘટના બાદ મૃતકનું હોન્ડા સ્પ્લેન્ડર બાઈક પણ ગાયબ હોવાથી આ હત્યા લૂંટના ઈરાદે થઈ છે કે અન્ય કોઈ કારણોસર, તે દિશામાં ગોંડલ એ-ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલના રામ મંદિર પાસે આવેલી અરુણ કોલોનીમાં રહેતા ભરતભાઈ નાનભા ડાભી (ઉં.વ. ૬૧) ચુનારા શેરીમાં ‘મહાવીર ટ્રેડર્સ’ નામે તેલનો વેપાર કરતા હતા. ભરતભાઈ નિત્યક્રમ મુજબ દરરોજ રાત્રે ૧૦ વાગ્યે પોતાની દુકાન વધાવીને ઘરે જતા રહેતા હતા. પરંતુ ગત રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યા સુધી તેમની દુકાન ખુલ્લી જણાતા આસપાસના પડોશીઓને શંકા ગઈ હતી. પડોશીઓએ દુકાનમાં તપાસ કરતા ભરતભાઈ લોહીલુહાણ હાલતમાં મૃત પડેલા જોવા મળ્યા હતા.હત્યારાઓએ દુકાનની અંદર જ ભરતભાઈના મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ ઘા ઝીંકી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ભરતભાઈનું હોન્ડા સ્પ્લેન્ડર બાઈક પણ ઘટનાસ્થળેથી ગાયબ છે. દુકાનમાંથી રોકડ રકમની લૂંટ થઈ છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ બાઈક ગાયબ હોવાથી લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.બનાવની જાણ થતા જ એ-ડિવિઝન પીઆઈ જાડેજા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતકની દુકાનની અંદર સીસીટીવી કેમેરા નથી, પરંતુ બહારના ભાગે લાગેલા કેમેરા અને આસપાસના વિસ્તારના ફૂટેજ પોલીસે કબજે કરીને આરોપીઓનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે. ગુર્જર રાજપૂત સમાજના અગ્રણી વેપારીની હત્યાથી વેપારી આલમમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે.

