કોલકાતામાં આયોજિત રામકથામાં શહેરની સમૃદ્ધ આધ્યાત્મિક પરંપરાઓ તેમજ ભક્તિ, જ્ઞાન અને ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણના વારસાનો અનોખો સમન્વય જોવા મળ્યો.
કોલકાતા, પશ્ચિમ બંગાળ | ૨૦મી નવેમ્બર ૨૦૨૬ | મા કાલીને સમર્પિત પ્રતિષ્ઠિત મંદિરોની પાવન પરંપરાથી લઈને આધ્યાત્મિક ચિંતકો અને સમાજસુધારકોના અમૂલ્ય વારસા સુધી, ભારતના ધાર્મિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં કોલકાતાનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. પૂજ્ય સંત અને રામચરિતમાનસના મર્મજ્ઞ પૂજ્ય શ્રી મોરારી બાપુના નેતૃત્વમાં નીકળી રહેલી ભારત સ્વસ્તિક યાત્રા 21 નવેમ્બરના રોજ કોલકાતા પહોંચી હતી. આ પ્રસંગે પૂજ્ય શ્રી બાપુ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાના માધ્યમથી સનાતન ધર્મની વિવિધ આધ્યાત્મિક પરંપરાઓ, આધ્યાત્મિક ચિંતન અને ભારતના સાંસ્કૃતિક નવજાગરણના સમૃદ્ધ વારસાને સમેટી રહેલા આ ઐતિહાસિક શહેર સાથે જોડાવાની અનોખી તક સાંપડી હતી.
યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ 14 નવેમ્બરના રોજ દ્વારકાથી થયો હતો. આ તબક્કા દરમિયાન યાત્રા સોમનાથ, ડાકોર, ઉજ્જૈન, નાગપુર, છત્તીસગઢના ચંપારણ, માયાપુર અને કોલકાતા થઈને 22 નવેમ્બરના રોજ જગન્નાથપુરી ખાતે પૂર્ણ થશે.
ભારત સ્વસ્તિક યાત્રાના બીજા તબક્કામાં આશરે 1,000 શ્રદ્ધાળુઓ બે વિશેષ ટ્રેનો – ‘કૈલાશ ભારત ગૌરવ’ અને ‘ચિત્રકૂટ ભારત ગૌરવ’ મારફતે પૂજ્ય શ્રી મોરારી બાપુ સાથે યાત્રા કરી રહ્યા છે. આ બંને ટ્રેનોમાં અનુક્રમે 22 અને 16 કોચ છે. વિશેષરૂપે આયોજિત આ રેલયાત્રામાં દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ જોડાયા છે, જે સામૂહિક સહભાગિતા અને સહિયારા આધ્યાત્મિક અનુભવની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
કોલકાતાના આધ્યાત્મિક મહત્ત્વ પર પ્રકાશ પાડતાં પૂજ્ય શ્રી મોરારી બાપુએ જણાવ્યું હતું કે, “કોલકાતાનો સ્વસ્તિક ચાર મહાન આધ્યાત્મિક વિભૂતિઓ અને દિવ્ય સ્વરૂપોના સમન્વયથી રચાયો છે – ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસ, મા શારદા, સ્વામી વિવેકાનંદ અને મા કાલી. ઠાકુર જ્ઞાનના પ્રતીક છે, મા શારદા ભક્તિનાં પ્રતીક છે, સ્વામી વિવેકાનંદ કર્મના પ્રતીક છે અને મા કાલી શક્તિનું સ્વરૂપ છે. આ સ્વસ્તિકનું બિંદુ એટલે કે કેન્દ્ર મા ગંગા છે. તેમની પાવન ઉપસ્થિતિ આ આધ્યાત્મિક પ્રતીકને પૂર્ણતા પ્રદાન કરે છે અને તમામને એક સૂત્રમાં બાંધે છે.”
“મને ઘણાં વર્ષો પહેલાં કોલકાતાની કરેલી મુલાકાતોની સુખદ સ્મૃતિઓ પણ છે. દક્ષિણેશ્વર મંદિર પરિસરના સભાખંડમાં પ્રવચન કરવાનો અવસર મને મળ્યો હતો. આ પાવન ભૂમિ સાથેના મારા જૂના સંબંધને યાદ કરવું મારા માટે આ યાત્રાને વધુ વિશેષ અને અર્થપૂર્ણ બનાવે છે.”
કોલકાતાની આધ્યાત્મિક ઓળખ અહીં આવેલા અનેક પ્રમુખ તીર્થસ્થળોમાં જોવા મળે છે. તેમાં કાલીઘાટ કાલી મંદિરનો સમાવેશ થાય છે, જેને મા સતી સાથે સંકળાયેલા પ્રમુખ શક્તિપીઠોમાંના એક તરીકે માનવામાં આવે છે. બીજી તરફ, દક્ષિણેશ્વર કાલી મંદિરની સ્થાપના વર્ષ 1855માં રાણી રાસમણિ દ્વારા કરવામાં આવી હતી. દક્ષિણેશ્વરનો શ્રી રામકૃષ્ણ પરમહંસના આધ્યાત્મિક જીવન અને તેમના ઉપદેશો સાથે ગાઢ સંબંધ રહ્યો છે. તેમના દર્શને આગળ જતાં રામકૃષ્ણ આંદોલનને પ્રેરણા આપી હતી અને તેમના પ્રમુખ શિષ્ય સ્વામી વિવેકાનંદના વિચારોને પણ પ્રભાવિત કર્યા હતા. હુગલી નદીના કિનારે સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત બેલુર મઠ આજે પણ આધ્યાત્મિક સાધના, સેવા અને ધાર્મિક સદ્ભાવનાના આ વારસાને આગળ ધપાવી રહ્યો છે.
ધાર્મિક સ્થળો ઉપરાંત, 19મી સદી અને 20મી સદીના પ્રારંભિક દાયકાઓમાં બંગાળ પુનર્જાગરણ દરમિયાન કોલકાતા બૌદ્ધિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના એક અગ્રણી કેન્દ્ર તરીકે પણ ઉભરી આવ્યું હતું.
સંતકૃપા સનાતન સંસ્થાન દ્વારા આયોજિત રામકથાના માધ્યમથી ભારત સ્વસ્તિક યાત્રાનો ઉદ્દેશ સનાતન ધર્મના આદર્શો દ્વારા ભારતના ભૌગોલિક વિસ્તાર અને તેની વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓને એક તાંતણે બાંધવાનો છે.
ભારત સ્વસ્તિક યાત્રામાં કોલકાતાના સમાવેશના મહત્ત્વ અંગે વાત કરતાં મિરાજ ગ્રુપના ચેરમેન અને સંતકૃપા સનાતન સંસ્થાનના મેનેજિંગ ટ્રસ્ટી મદન પાલીવાલે જણાવ્યું હતું કે, “કોલકાતા ભારતના ઇતિહાસમાં આધ્યાત્મિકતા, જ્ઞાન અને સાંસ્કૃતિક નવજાગરણનો અદ્ભુત સમન્વય રજૂ કરે છે. શક્તિ ઉપાસનાની પરંપરાઓ અને શ્રી રામકૃષ્ણ પરમહંસ તથા સ્વામી વિવેકાનંદના ઉપદેશોથી લઈને બંગાળ પુનર્જાગરણ સુધી, આ શહેરે ભારતના આધ્યાત્મિક અને બૌદ્ધિક વારસામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.”
યાત્રાના બંને તબક્કા – કન્યાકુમારીથી કેદારનાથ અને દ્વારકાથી જગન્નાથપુરી –ને સાંકળીને આ યાત્રા ભારતનાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાંથી પસાર થઈ રહી છે. વિવિધ આધ્યાત્મિક પરંપરાઓ, ઐતિહાસિક સ્થળો અને નદીપ્રણાલીઓ સાથે સંકળાયેલા વિસ્તારોને એકસાથે જોડતી આ યાત્રા દેશની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને ઉજાગર કરે છે.
આ યાત્રાનો માર્ગ ભારતના રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ની ભાવના સાથે પણ જોડાયેલો છે. રાષ્ટ્રગીતમાં પંજાબ, ગુજરાત, મરાઠા, દ્રવિડ, ઉત્કલ અને બંગ જેવા દેશના વિવિધ પ્રદેશોની સાથે ગંગા, યમુના, મંદાકિની, અલકનંદા, હિમાલય અને સમુદ્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દેશની અન્ય અનેક નદીઓ સાથે સંકળાયેલા વિસ્તારોમાંથી પસાર થતી આ યાત્રા ભારતના કુદરતી અને સાંસ્કૃતિક વારસાની પરસ્પર આંતરસંબંધિતતાને પણ ઉજાગર કરે છે.
પૂજ્ય શ્રી મોરારી બાપુની રામકથાઓના કેન્દ્રમાં સત્ય, પ્રેમ અને કરુણા જેવા શાશ્વત મૂલ્યો રહેલા છે. તેમના માટે આ યાત્રા આ જ મૂલ્યોની અભિવ્યક્તિ છે, જે આધ્યાત્મિકતા અને સહિયારા વારસાના માધ્યમથી લોકો અને સમુદાયોને એકબીજાની સાથે જોડવાનો પ્રયાસ કરે છે.
યાત્રા દરમિયાન આયોજિત રામકથા અને અન્ય કાર્યક્રમો સૌના માટે નિઃશુલ્ક અને ખુલ્લા છે. યાત્રાના દરેક પડાવ પર શ્રદ્ધાળુઓ માટે પ્રસાદરૂપે ભંડારાનું આયોજન કરવામાં આવે છે, જેમાં શાકાહારી સામૂહિક ભોજન પીરસવામાં આવે છે.
== સમાપ્ત ==

