Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

સોમનાથ પહોંચેલી પૂજ્ય શ્રી મોરારી બાપુની ભારત સ્વસ્તિક યાત્રા : ભગવાન શિવની પાવન નગરી અને ભારતની સાંસ્કૃતિક અખંડિતતાનું પ્રતીક

બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવતા સોમનાથ ખાતે યાત્રા દરમિયાન ભારતના આધ્યાત્મિક વારસા, સદીઓ જૂની પરંપરાઓ અને પેઢી દર પેઢીથી ચાલી આવતી અખંડ શ્રદ્ધાની પરંપરા પર ચિંતન કરવામાં આવ્યું.

સોમનાથ, ગુજરાત | ૧૫ નવેમ્બર ૨૦૨૬ | રામચરિતમાનસના પ્રખર મર્મજ્ઞ અને પૂજ્ય સંત શ્રી મોરારી બાપુના નેતૃત્વમાં નીકળેલી ભારત સ્વસ્તિક યાત્રા પોતાના બીજા ચરણમાં દ્વારકાથી જગન્નાથ પુરી તરફની યાત્રા દરમિયાન ગુજરાતના પવિત્ર તીર્થધામ સોમનાથ ખાતે પહોંચી હતી. ભગવાન શિવ અને ભગવાન શ્રીકૃષ્ણ બંને સાથે આધ્યાત્મિક સંબંધ ધરાવતું સોમનાથ દેશનાં પ્રમુખ તીર્થસ્થળોમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. નોંધનીય છે કે સોમનાથ મંદિરને વારંવાર ધ્વસ્ત કરવામાં આવ્યા બાદ તેનું પુનઃનિર્માણ થતું રહ્યું છે. આ ઇતિહાસ ભારતના આધ્યાત્મિક વારસાની અખંડિતતા અને સનાતન ધર્મની શાશ્વત પરંપરાનું પ્રતીક છે.

ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનો પ્રારંભ 14 નવેમ્બરના રોજ દ્વારકા રેલવે સ્ટેશનથી થયો હતો. આ પ્રસંગે રામચરિતમાનસના પ્રખર મર્મજ્ઞ પૂજ્ય મોરારી બાપુ, દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી (સ્વામી સદાનંદજી મહારાજ) સહિતના સંતો-મહાત્માઓ, મહાનુભાવો, આયોજન સમિતિના સભ્યો અને મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

યાત્રાનો બીજો તબક્કો 14 નવેમ્બરના રોજ દ્વારકાથી શરૂ થયો છે. આ યાત્રા સોમનાથ, ડાકોર, ઉજ્જૈન, નાગપુર, છત્તીસગઢના ચંપારણ, માયાપુર અને કોલકાતા થઈને 22 નવેમ્બરના રોજ જગન્નાથ પુરી ખાતે સંપન્ન થશે.

ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણમાં આશરે 1,000 શ્રદ્ધાળુઓ પૂજ્ય મોરારી બાપુ સાથે બે વિશેષ ટ્રેનો – કૈલાસ ભારત ગૌરવ અને ચિત્રકૂટ ભારત ગૌરવ – મારફતે યાત્રા કરી રહ્યા છે. આ બંને ટ્રેનોમાં અનુક્રમે 22 અને 16 કોચ છે.

આ પ્રસંગે પૂજ્ય મોરારી બાપુએ જણાવ્યું હતું કે, “સોમનાથમાં રક્તાભિષેક પણ થયો છે અને વિરક્તાભિષેક પણ થયો છે. આ પાવન અવસરે હું એવા અસંખ્ય લોકોના બલિદાન, સંઘર્ષ અને સમર્પણને શ્રદ્ધાપૂર્વક યાદ કરું છું, જેમણે સોમનાથ મંદિરના પુનઃનિર્માણ અને તેની ગૌરવશાળી પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું.

‘સોમ’ શબ્દના અનેક સુંદર અર્થો છે. સોમ એટલે ચંદ્રમા, સોમ એટલે રામનામ, સોમ એટલે સોમનાથ – સ્વયં મહાદેવ અને સોમ એટલે મન. વ્યાસપીઠની દૃષ્ટિએ જોઈએ તો આ ચારેય અર્થ મળીને સ્વસ્તિકનું સ્વરૂપ ધારણ કરે છે અને ચારેય મંગલકારી તથા કલ્યાણકારી છે. સોમ (રામ)ની કથાની રચના સોમ (મહાદેવ)એ કરી અને સોમની કથાનું ગાન પણ સ્વયં સોમે જ કર્યું. અંતે જીવનને પવિત્ર બનાવવું હોય કે મૃત્યુને પણ સાર્થક કરવું હોય, તો એક જ શાશ્વત આશ્રય છે – રામનામ.”

સંતકૃપા સનાતન સંસ્થાન દ્વારા આયોજિત ભારત સ્વસ્તિક યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મના આદર્શો દ્વારા ભારતના પવિત્ર ભૂગોળ અને વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓને એક સૂત્રમાં પરોવવાનો છે.

ભારત સ્વસ્તિક યાત્રામાં સોમનાથના સમાવેશના મહત્ત્વ અંગે મિરાજ ગ્રુપના ચેરમેન અને સંતકૃપા સનાતન સંસ્થાનના મેનેજિંગ ટ્રસ્ટી મદન પાલીવાલે જણાવ્યું હતું કે, “સોમનાથ ભારતની સામૂહિક ચેતનામાં ઊંડે સુધી વણાયેલું એક મહત્ત્વપૂર્ણ તીર્થધામ છે. તેની ગાથા માત્ર એક મંદિરના પુનઃનિર્માણની નથી. આ યાત્રામાં સમાવિષ્ટ દરેક પવિત્ર સ્થળ પોતાનો વિશિષ્ટ ઇતિહાસ, પરંપરાઓ અને આધ્યાત્મિક સંદેશ ધરાવે છે. આ તમામ સ્થળોને એક સૂત્રમાં જોડીને અમારો પ્રયાસ ભારતની એ અદભુત સાંસ્કૃતિક અખંડિતતા તરફ સૌનું ધ્યાન દોરવાનો છે, જેણે સદીઓથી દેશની ઓળખ ઘડી છે અને આજે પણ દેશવાસીઓને એકતાના તાંતણે બાંધી રાખે છે.”

ભગવાન શિવનાં બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પૂજાતા સોમનાથનું ભારતની આધ્યાત્મિક પરંપરામાં વિશેષ સ્થાન છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારે પ્રભાસ પાટણ ખાતે આવેલું આ પ્રાચીન તીર્થધામ ચંદ્રદેવ સાથે જોડાયેલી પૌરાણિક કથા પરથી ઓળખ ધરાવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, દક્ષ પ્રજાપતિના શ્રાપને કારણે પોતાની કાંતિ ગુમાવ્યા બાદ ચંદ્રદેવે આ જ સ્થળે ભગવાન શિવની આરાધના કરી હતી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

યાત્રાના બંને ચરણ – કન્યાકુમારીથી કેદારનાથ અને દ્વારકાથી જગન્નાથ પુરી – મળીને ભારતનાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાંથી પસાર થાય છે. આ યાત્રા દેશની વિવિધ આધ્યાત્મિક પરંપરાઓ, ઐતિહાસિક સ્થળો અને નદી પ્રણાલીઓ સાથે સંકળાયેલા વિસ્તારોને એકસાથે જોડે છે. આ રીતે ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વ્યાપકતાનું દર્શન કરાવે છે.

યાત્રાનો માર્ગ ભારતના રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ની ભાવના સાથે પણ જોડાયેલો છે. રાષ્ટ્રગીતમાં પંજાબ, ગુજરાત, મરાઠા, દ્રવિડ, ઉત્કલ અને બંગ જેવા દેશના વિવિધ પ્રદેશો ઉપરાંત ગંગા, યમુના, મંદાકિની, અલકનંદા, હિમાલય અને સમુદ્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યાત્રા દરમિયાન અન્ય વિવિધ નદીઓ સાથે સંકળાયેલા વિસ્તારોમાંથી પસાર થવું ભારતના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક પરિદૃશ્યોની પરસ્પર સંલગ્નતાને પણ ઉજાગર કરે છે.

પૂજ્ય મોરારી બાપુની રામકથાઓનો મૂળ આધાર સત્ય, પ્રેમ અને કરુણા છે. ભારત સ્વસ્તિક યાત્રા આ જ શાશ્વત મૂલ્યોની અભિવ્યક્તિ છે, જે આધ્યાત્મિકતા અને સહિયારા સાંસ્કૃતિક વારસા દ્વારા વિવિધ પ્રદેશોના લોકો અને સમુદાયોને એકસૂત્રે બાંધે છે.

યાત્રા દરમિયાન યોજાયેલી રામકથા અને અન્ય તમામ કાર્યક્રમો નિઃશુલ્ક રાખવામાં આવ્યા હતા અને તેમાં સૌ કોઈને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હતું. યાત્રાના દરેક પડાવ પર શ્રદ્ધાળુઓ માટે પ્રસાદરૂપે ભંડારા (શાકાહારી સામૂહિક ભોજન)નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

== સમાપ્ત ==

Related posts

પ્રવચનથી આત્મા નથી મળતો, પણ રામકથાથી આત્મા મળે છે.

Master Admin

પોરબંદર નજીક થયેલા અકસ્માતમાં માર્યા ગયેલાઓ પ્રતિ સંવેદના વ્યક્ત કરી સહાય મોકલતા મોરારિબાપુ

Master Admin

દેશનાં વિવિધ રાજ્યોમાં અકસ્માતમાં અવસાન પામેલા લોકોને મોરારી બાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

Master Admin

Leave a Comment

Translate »