Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessIPOnational

વનક્લિક લોજિસ્ટિક્સ ઇન્ડિયા લિમિટેડને એનએસઈ તરફથી મેઇન બોર્ડ પર સ્થળાંતર માટે સૈદ્ધાંતિક મંજૂરી

—સહાયક કંપનીઓના એકીકરણ અને વ્યૂહાત્મક વિસ્તરણને પગલે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છમાસિક ગાળામાં એકત્રિત આવકમાં 320 ટકા અને ચોખ્ખા નફામાં 698 ટકાનો જંગી ઉછાળો

મુંબઈ | ૨૦ નવેમ્બર ૨૦૨૬ | મુંબઈ સ્થિત ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ અને મેરીટાઇમ સોલ્યુશન્સ પ્રોવાઇડર વનક્લિક લોજિસ્ટિક્સ ઇન્ડિયા લિમિટેડ (NSE Emerge: OLIL)ને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE) તરફથી તેના ઇક્વિટી શેરને NSE Emerge (SME પ્લેટફોર્મ) પરથી કેપિટલ માર્કેટ સેગમેન્ટ (મેઇન બોર્ડ) પર સ્થળાંતરિત કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આ મંજૂરીમાં રૂ. 10ની ફેસ વેલ્યૂ ધરાવતા કુલ 1,02,67,081 ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે. કંપનીના સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગોમાં વિસ્તરતા વ્યવસાયિક વ્યાપને ધ્યાનમાં લેતાં આ મંજૂરી કંપની માટે એક મહત્ત્વપૂર્ણ કોર્પોરેટ સીમાચિહ્નરૂપ બની છે.

કંપનીના કાર્યક્ષેત્રના વિસ્તરણ અને વ્યૂહાત્મક રીતે સહાયક કંપનીઓના એકીકરણને પગલે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છમાસિક ગાળા (30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂર્ણ થયેલા)માં શાનદાર નાણાકીય પરિણામો નોંધાયા છે. પ્રથમ છમાસિક ગાળામાં કંપનીની એકત્રિત આવકમાં વાર્ષિક ધોરણે 320 ટકાનો ઉછાળો નોંધાઈ રૂ. 95.71 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 22.79 કરોડ હતી. વનક્લિક ફૂડ્સ, ઇન્ડિસ્પાઇસ ડિહાઇડ્રેશન અને મલ્ટીમોડલ ફ્રેઇટના વધેલા જથ્થાએ આ વૃદ્ધિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

કંપનીનું ઓપરેટિંગ EBITDA 667.5 ટકા વધીને રૂ. 9.26 કરોડ થયું છે, જ્યારે EBITDA માર્જિનમાં 438 બેસિસ પોઇન્ટનો સુધારો થતાં તે 9.68 ટકા થયું છે. બીજી તરફ, ચોખ્ખા નફામાં 697.7 ટકાનો જંગી ઉછાળો નોંધાઈ તે રૂ. 5.65 કરોડ પર પહોંચ્યો છે. પરિણામે, પ્રતિ શેર કમાણી (EPS) અગાઉના રૂ. 1.55થી વધીને રૂ. 8.34 થઈ છે. કંપનીની સ્ટેન્ડઅલોન લોજિસ્ટિક્સ આવકમાં પણ 74.6 ટકાનો વધારો નોંધાઈ રૂ. 39.49 કરોડ થઈ છે, જ્યારે મજબૂત ઓપરેશનલ લેવરેજ અને ખર્ચ પરના નિયંત્રણને કારણે ચોખ્ખા નફામાં 758.3 ટકાનો ઉછાળો નોંધાઈ તે રૂ. 5.10 કરોડ થયો છે.

મુંબઈ સ્થિત રજિસ્ટર્ડ અને કોર્પોરેટ ઓફિસથી કાર્યરત વનક્લિક લોજિસ્ટિક્સ ઇન્ડિયા લિમિટેડ ભારત સરકારના શિપિંગ અને મેરીટાઇમ વિઝન 2047 સાથે સુસંગત રહીને કામગીરી કરી રહી છે. પેરેન્ટ કંપની અને તેની સહાયક કંપનીઓના નેટવર્ક મારફતે કંપની વિવિધ રાજ્યો અને દરિયાકાંઠાના બંદરો પર ઔદ્યોગિક એકમોને વ્યાપક લોજિસ્ટિક્સ, કસ્ટમ્સ ક્લિયરિંગ અને કાર્ગો હેન્ડલિંગ સેવાઓ પૂરી પાડે છે. હાલમાં કંપની અદાણી મુન્દ્રા પોર્ટ, કંડલા પોર્ટ અને મુંબઈ સ્થિત જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) જેવા ભારતનાં અગ્રણી દરિયાઈ બંદરો પર ક્લિયરિંગ અને હેન્ડલિંગ કામગીરીનું સંચાલન કરી રહી છે.

આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ અંગે વનક્લિક લોજિસ્ટિક્સ ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મહેશ ભાનુશાળીએ જણાવ્યું હતું કે, “એનએસઈ તરફથી મેઇન બોર્ડ પર સ્થળાંતર માટે મળેલી સૈદ્ધાંતિક મંજૂરી અમારી મજબૂત કાર્યકારી વ્યવસ્થા, કોર્પોરેટ ગવર્નન્સના ઊંચા ધોરણો અને લાંબા ગાળે મૂલ્યસર્જન કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. ભારત સરકાર મેરીટાઇમ વિઝન 2047 હેઠળ બંદર આધારિત વિકાસને વેગ આપી રહી છે ત્યારે દેશનાં વધુ દસ બંદરો અને પાંચ વ્યૂહાત્મક આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ હબમાં વિસ્તરણ કરવાની અમારી યોજના લોજિસ્ટિક્સ, મરીન અને સીફેરર સેવાઓમાં બહુમુખી વિકાસની તકો ઊભી કરશે.”

ભારત સરકારના મેરીટાઇમ વિઝન 2047 હેઠળ બંદરો અને શિપિંગ ક્ષેત્રમાં રૂ. 10 લાખ કરોડથી વધુના રોકાણની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને વનક્લિક લોજિસ્ટિક્સે ભારતના દરિયાઈ માર્ગો મારફતે વૈશ્વિક વેપારને સહયોગ આપવા માટે વ્યૂહાત્મક દરિયાકાંઠા વિસ્તરણનો રોડમેપ તૈયાર કર્યો છે. આ યોજના અંતર્ગત કંપની ગોવા પોર્ટ, મેંગલોર પોર્ટ, અદાણી વિઝિંજમ પોર્ટ, તુતીકોરિન પોર્ટ, ચેન્નાઈ પોર્ટ, વિશાખાપટ્ટનમ પોર્ટ, ગોપાલપુર પોર્ટ, ધામરા પોર્ટ, પારાદીપ પોર્ટ અને કોલકાતા પોર્ટ સહિત દેશના પૂર્વ અને પશ્ચિમ કિનારાનાં મુખ્ય બંદરો પર નવી ઓફિસો શરૂ કરવાની યોજના ધરાવે છે. આ વિસ્તરણથી કંપની વિશિષ્ટ મરીન સેવાઓ અને સીફેરર સેવાઓ સહિતની વિવિધ સુવિધાઓ પૂરી પાડવા સક્ષમ બનશે.

દેશમાં બંદરોના નેટવર્કનું એકીકરણ અને વિસ્તરણ પૂર્ણ કર્યા બાદ વનક્લિક લોજિસ્ટિક્સ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની હાજરી મજબૂત કરવાની યોજના ધરાવે છે. આ અંતર્ગત દુબઈ, સિંગાપોર, ઇઝરાયેલ, કોલંબો અને દાર એસ સલામ પોર્ટ જેવા વૈશ્વિક મેરીટાઇમ હબ ખાતે વિદેશી કચેરીઓ શરૂ કરવામાં આવશે. બહુવિધ બંદરો પર વિસ્તરણની વ્યૂહરચના, મજબૂત નાણાકીય પ્રદર્શન અને ઉદ્યોગને અનુકૂળ પરિબળોના આધારે વનક્લિક લોજિસ્ટિક્સ ભારતીય લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં વિકાસની નોંધપાત્ર સંભાવના ધરાવતી કંપની તરીકે ઊભરી રહી છે. કંપનીની વિસ્તરણ યોજનાઓ અને નાણાકીય પ્રગતિ રોકાણકારો માટે લાંબા ગાળે મૂલ્યસર્જનની સંભાવનાઓ રજૂ કરે છે. 20 નવેમ્બર, 2026ના રોજ વનક્લિક લોજિસ્ટિક્સ ઇન્ડિયા લિમિટેડના શેરનો ભાવ રૂ. 362 પ્રતિ શેર રહ્યો હતો અને કંપનીનું બજાર મૂડીકરણ રૂ. 372 કરોડ નોંધાયું હતું. આ ઉપરાંત, તાજેતરમાં ઓક્ટોબર 2026માં કંપનીએ તેના શેરધારકોને 1:2ના રેશિયોમાં બોનસ શેર ઇશ્યૂ કરીને પણ લાભ આપ્યો હતો.

== સમાપ્ત ==

Related posts

વિવેકાનંદ કોટસ્પિન બીએસઈ એસએમઈ આઈપીઓ સમીક્ષા

Master Admin

Great Learning Survey: 67% of Engineers Say Their Roles Evolving with AI

Reporter1

Toyota Kirloskar Motor Concludes 24-Hour Toyota Hackathon 2025 in Mumbai, Empowering Young Innovators to Drive Road Safety Solutions

Reporter1

Leave a Comment

Translate »