Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ડુંગળી, તેલ, ખાંડ, દાળ…મોંઘવારી કંટ્રોલ કરવામાં કેન્દ્ર સરકાર કાચી પડી

સ્થાનિક સ્તરે ખાદ્ય તેલ મોંઘું બન્યું છે

ભારતમાં ખાદ્ય મોંઘવારીએ માઝા મૂકી છે, જેમાં ખાંડ, ડુંગળી, ટામેટાં, કઠોળ અને ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચ્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૨ ઓગસ્ટ ૨૦૨૬ — મોંઘવારીમાં સતત થઈ રહેલા ઉછાળાના કારણે સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાઈ ગયું છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ખાંડ, ડુંગળી, ટામેટાં, ખાદ્ય તેલ અને વિવિધ દાળના ભાવમાં ભારે વધારો નોંધાયો છે. આગામી દિવસોમાં પણ કઠોળ અને તેલના ભાવ ઊંચા રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેને પગલે સરકાર ભાવ નિયંત્રણ માટે હરકતમાં આવી છે.

છેલ્લા એક સપ્તાહમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો ૭ રૂપિયા અને છેલ્લા એક મહિનામાં ૧૭ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો છે. જેના કારણે હાલ ખાંડ ૭૦ રૂપિયે કિલો વેચાઈ રહી છે. આ ભાવવધારા પાછળ વેપારીઓ દ્વારા કરાતી સંગ્રહખોરી જવાબદાર હોવાની શંકા છે. આ સ્થિતિને પહોંચી વળવા સરકારે ૩૧ ઑક્ટોબર સુધી ૧૦ લાખ ટન ડ્યૂટી ફ્રી આયાતને મંજૂરી આપી દીધી છે.

આ ઉપરાંત વેપારીઓ માટે ૩૦ નવેમ્બર સુધી ૪૦૦ ટનની સ્ટોક મર્યાદા નક્કી કરી દેવાઈ છે અને ૧૫ ઑક્ટોબરથી જ ખાંડ મિલોમાં પીલાણ શરૂ કરવા આદેશ કરાયો છે.

સરકારી આંકડા મુજબ ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ વધીને ૪૦.૭૯ રૂપિયા પ્રતિ કિલો થયો છે, જે એક મહિના અગાઉ ૩૪.૮૭ રૂપિયા હતો. દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના નાસિક પંથકમાં ચોમાસું મોડું શરૂ થતાં ખરીફ ડુંગળીની આવકમાં વિલંબ થયો છે. ભાવ અંકુશમાં રાખવા સરકાર બફર સ્ટોકમાંથી ડુંગળી વેચવા જઈ રહી છે. બીજી તરફ નબળા ચોમાસાના કારણે તુવેર, મગ, અડદ અને ચણા જેવી દાળના ભાવમાં પ્રતિ કિલો ૧થી ૨ રૂપિયાનો વધારો થયો છે. ચાલુ વર્ષે કઠોળનું વાવેતર ૩૫ હજાર હેક્ટર અને તુવેરનું વાવેતર ૧.૬૯ લાખ હેક્ટર ઘટ્યું હોવાથી ભાવ વધુ વધવાની શક્યતા છે.

વિશ્વ બજારમાં પામ ઓઇલના ભાવ ૨૦ મહિનાની ઊંચી સપાટીએ પહોંચતાં સ્થાનિક સ્તરે ખાદ્ય તેલ મોંઘું બન્યું છે. મુખ્ય ઉત્પાદક દેશ ઇન્ડોનેશિયામાં સૂકાની સ્થિતિ હોવાથી ઉત્પાદન ઘટ્યું છે. આ સિવાય રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે સૂરજમુખી તેલની આયાત પર વિપરીત અસર પડી છે. ભારતમાં છેલ્લા એક મહિના દરમિયાન સીંગતેલ, સરસવ અને અન્ય ખાદ્ય તેલના ભાવમાં ૨થી ૩ ટકાનો વધારો નોંધાયો છે.

Related posts

હિંદ મહાસાગરમાં જહાજ પર હુમલો, છતાં પીએમ મોદી ચૂપ : રાહુલ ગાંધી

Master Admin

સાયબલ અને દ્રોણા દ્વારા HNIs, સેલિબ્રિટીઝ, રાજકીય નેતાઓ અને જાહેર ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓને ડિજિટલ જોખમોથી સુરક્ષિત રાખવા માટે વ્યૂહાત્મક સાયબર ડિફેન્સ ભાગીદારીની જાહેરાત

Master Admin

બાંધકામ વ્યવસાયમાં આધુનિક અને વિકાસલક્ષી આયોજનો થકી ગુજરાતના વિકાસને મહત્તમ ઉંચાઈએ લઈ જવા માટે ક્રેડાઈ ગુજરાત દ્વારા યુથકોન-૨૦૨૬નું અને AGMનું ઉદયપુરમાં આયોજન

Master Admin

Leave a Comment

Translate »