અમદાવાદ, ગુજરાત | ૨૪ નવેમ્બર ૨૦૨૬ | આજે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ગુજરાતી પારિવારિક કોમેડી ફિલ્મ ‘રફ એન્ડ ટફ કન્યા’ને લઈને દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન જાણીતા ગાયક અને સંગીતકાર હિમેશ રેશમિયાએ પણ ફિલ્મને પોતાનો ટેકો આપતાં સમગ્ર ટીમને ખાસ શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે બિરલા સ્ટુડિયોઝની ટીમને પણ ખાસ બિરદાવી છે.
હિમેશ રેશમિયાએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટ્રેલર શેર કરીને ટીમને અભિનંદન આપ્યા હતા. તેમના આ સમર્થનથી ફિલ્મને વધુ પ્રોત્સાહન મળ્યું છે અને ગુજરાતી મનોરંજન જગત માટે પણ આ એક ખુશીની વાત છે.
ફિલ્મની વાર્તા એક એવા પિતા પર આધારિત છે, જે પોતાની દીકરી માટે ખૂબ જ રક્ષણાત્મક સ્વભાવ ધરાવે છે. પોતાની દીકરી માટે પસંદ કરાયેલા યુવકની યોગ્યતા જાણવા માટે તેઓ લગ્ન પહેલાં ૩૦ દિવસ સુધી તેના ઘરે રહેવાનો નિર્ણય લે છે. ત્યારબાદ શરૂ થાય છે બે એકસરખા જીદ્દી ગુજરાતી પરિવારો વચ્ચેની રમૂજી ટક્કર. અહીં દરેક વાતચીત દલીલમાં ફેરવાઈ જાય છે અને દરેક દલીલ હાસ્યની નવી પરિસ્થિતિ ઊભી કરે છે. રસપ્રદ પાત્રો, રમૂજી પ્રસંગો અને પરિવારના રોજિંદા જીવન સાથે જોડાયેલી પરિસ્થિતિઓથી ભરપૂર આ ફિલ્મ આખા પરિવારને હસાવવાનું વચન આપે છે.
બિરલા સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુત અને બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શન દ્વારા નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન યશ વૈષ્ણવે કર્યું છે. ફિલ્મમાં હિતેન કુમાર, રવિ ગોહિલ, યુક્તિ રાંડેરિયા અને નીલમ પંચાલ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે.
હાલમાં સિનેમાઘરોમાં પ્રદર્શિત થઈ રહેલી ‘રફ એન્ડ ટફ કન્યા’ દર્શકોને પરિવાર સાથે હાસ્ય અને મનોરંજનથી ભરપૂર સમય પસાર કરવાની સુંદર તક આપે છે.
== સમાપ્ત ==

