Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

અદ્વિતીય આધ્યાત્મિક માનસ ભારત સ્વસ્તિક જગન્નાથજીનાં ચરણોમાં પૂર્ણ થયો; હવે પછીની કથા ૫-ડીસેમ્બરથી નવસારીમાં ગુંજશે

ભારત દ્વારા આ યાત્રાથી વિશ્વનું શુભ-મંગલ,વિશ્વ શાંતિ,વિશ્વ કલ્યાણ થાય એ વાત ઇતિહાસ સિદ્ધ કરશે.

ત્રણ ઉર્જાઓ:મહાલક્ષ્મી,મહા સરસ્વતી, મહાકાલીએ-આ સ્વસ્તિક યાત્રા સંપન્ન કરી

આ કોઈ પાગલપન,આવેશ કે તમાશો ન હતો,પણ અંદરથી કોઈ પુશ કરી રહ્યું છે,તો શું કરવું!

માનસની ચાર સંવાદ પીઠ પણ સ્વસ્તિક છે.

આ શાશ્વત સ્વસ્તિક છે,કોઈ ભૂંસવાની કોશિશ કરશે તો પણ ભૂંસી નહીં શકાય;કારણ કે આની પાછળ ત્રણ મહાશક્તિઓએ કામ કર્યું છે.

≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡

અખંડ ઉર્જાથી છલોછલ,અદ્વિતીય આધ્યાત્મિક પ્રીતિથી શરૂ થયેલી માનસ ભારત સ્વસ્તિક યાત્રાની સમાપન વેળાએ,શુભ-મંગળ-સ્વસ્તિકનાં પૂરેપૂરા સમાપન અવસરે,નીલાંચલ વાલે ચારધામોનાં એક પુરી જગન્નાથની ભૂમિ પર રવિવાર સવારે પહોંચતા બાપુએ કહ્યું જગત મંદિર દ્વારકાથી આ સ્વસ્તિકની પૂર્ણતા માટે નીકળેલા.આજે જગતનાં નાથનાં આંગણામાં આવી ગયા! શૃંગેરી જગતગુરુનાં આશીર્વાદ લઇ કન્યાકુમારીથી કેદાર પહોંચ્યા, બદ્રીનાથ જોશી મઠથી આશીર્વાદ લઇ દ્વારિકા સ્વયં જગતગુરુ ઉપસ્થિત રહ્યા.એણે પ્રસન્નતા વ્યક્ત કરી.અહીં ગોવર્ધનપીઠનાં દર્શન કર્યા. જગતગુરુ શંકરાચાર્યજી આ દિવસોમાં કાશીમાં છે પણ ફોન પર ખૂબ પ્રસન્નતાથી આશીર્વાદ આપ્યા અને આજે આપણે અહીં છીએ

જે ફીલ કરી રહ્યો છું,ત્રણ ઉર્જાઓએ આ સ્વસ્તિક યાત્રા સંપન્ન કરી:એક-મહાલક્ષ્મી,બીજી-મહા સરસ્વતી,ત્રીજી-મહાકાળી.

સારું લાગે કે ન લાગે એ નહીં વિચારું પણ હું કહીશ કે મદનભાઈ અને એના પરિવારની મહાલક્ષ્મીએ આ કામ કર્યું.પૈસાએ નથી કર્યું. પૈસાવાળા તો વ્યાસપીઠની લાઈનમાં ઊભા છે.

મહાશક્તિ-મહાભવાની-મહાકાળી એટલે રૂપેશ અને બધા જ યુવાન ભાઈ બહેનોએ પોતાનો વિવેક, મર્યાદા અને પૂરી શક્તિ લગાવી.વ્યાસપીઠની જેન-ઝીએ સેવા કરી.કોણ,ક્યાં,કેટલી સેવા કરી રહ્યું એ ખબર પણ ન પડી-એને હું મહાકાળીની શક્તિ કહીશ. તુલસીની મહા સરસ્વતી-તુલસીની વાણીએ આ કામ કર્યું.આપણે બધા વચમાં આવી ગયા, પરિણામે આજે આપણે જગતનાં નાથના દરવાજે આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છીએ.

આ ત્રણેય શક્તિઓની પાછળ એક પરમશક્તિ ત્રિભુવનગુરુ કૈલાશપતિ મહાદેવની શક્તિ કામ કરી ગઈ.

ભારત દ્વારા આ યાત્રાથી વિશ્વનું શુભ,મંગલ,વિશ્વ શાંતિ,વિશ્વ કલ્યાણ થાય એ વાત ઇતિહાસ સિદ્ધ કરશે.

ખૂબ પ્રસન્નતાથી આ યાત્રા સંપન્ન થઈ રહી છે.

અહીં પણ એક સ્વસ્તિક દેખાય છે:જગન્નાથ કૃષ્ણ સત્ય,કરુણામૂર્તિ-સુભદ્રા,પ્રેમબળ રૂપી-બલરામ, ચોથા ચૈતન્ય મહાપ્રભુજીનો આ સ્વસ્તિક છે.

પહેલી યાત્રાનાં-૧૩ અને આ-૯ દિવસ આપણને બધાએ મળીને ભારતનાં બધા જ આચાર્યો,સંતોનાં આશીર્વાદ મળ્યા.મિડિયાએ ખૂબ સહયોગ આપ્યો જન-જનનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

આ શાશ્વત સ્વસ્તિક છે,કોઈ ભૂંસવાની કોશિશ કરશે તો પણ ભૂંસી નહીં શકાય.કારણ કે ચિરોડી,ગુલાલ, કંકુ,અબીલ કે કોઈ નાના-મોટા રંગોથી અંકિત કરેલો આ સ્વસ્તિક નથી.આની પાછળ ત્રણ મહાશક્તિઓએ કામ કર્યું છે.ખૂબ આનંદ છે.

કૃષ્ણનો પ્રેમ,સુભદ્રાની કરુણા,બલરામના સત્યનું બળ અને ચૈતન્યની મસ્તી પ્રાપ્ત કરી છે.

શેષ કથામાં સેતુબંધ પછી સંધી વિફળ રહેતા રાવણ મહારસમાં ડૂબે એ પહેલા રામે એનો રસભંગ કર્યો. કારણ કે રાવણ મહારસમાં પ્રવેશ કરે તો મારી ન શકાય,કદાચ મારી નાખે પણ એનો શોક ન હોય. નિર્વાણ આપીને પુષ્પક આરુઢ થઈ અયોધ્યા આવ્યા વશિષ્ઠ મુનિનાં હાથોથી રામના ભાલમાં રાજતિલક થયું,ત્રિભુવનમાં જયઘોષ થયા,રામ રાજ્યનું સ્થાપન થયું.

કથા પછી ગરુડને સાત પ્રશ્ન થયા,ન થવા જોઈએ. પણ આ ગરુડને નહીં આપણા જેવા ગરુરીઓ અભિમાની માટે છે.

માનસકારે બે પંક્તિ લખી,જે છેલ્લો સ્વસ્તિક છે:

એહિ કલિકાલ ન સાધન દુજા;

જોગ જગ્ય જપ તપ બ્રત પૂજા.

આ કહી સાતમા કાંડનું સમાપન કરીને જણાવ્યું કે માનસની સંવાદી પીઠ પણ એક સ્વસ્તિક છે.

જ્યાં શિવ-પાર્વતી, ભુશુંડી-ગરુડ, યાજ્ઞવલ્ક્ય-ભારદ્વાજ અને તુલસી-એનું મન વિશ્વમંગલ કરવા માટે સંવાદ કરે છે.

સજળ નેત્રે સંપૂર્ણ સ્વસ્તિક પૂર્ણ કરી યાત્રાનું સમાપન કરી કથાને વિરામ અપાયો

 

રામકથાની સાથે-સાથે:

આ અલ્પવિરામ છે,હું કથાને ક્યારેય પૂરી નહીં કરું:બાપુ

બાપુએ ખૂબ ભાવુક થઈ,વહેતી-સજળ આંખે કહ્યું કે આ અલ્પવિરામ છે.હું કથાને ક્યારેય પૂરી નહીં કરું.મારી કથાનું ક્યારેય પૂર્ણવિરામ ન થાય.જન્મો જનમ મારી કથા ગાતો રહું.

ચારેય પીઠનાં સ્થાપક જગદગુરુ-આદિ શંકરાચાર્ય જે સનાતન વૈદિક પરંપરાનાં રક્ષક છે.એમનાં આશીર્વાદ મળે.ચારેય પીઠોને હું અને અમે બધા જ પ્રણામ કરીને આ સ્વસ્તિક યાત્રાનો રસ એને સમર્પિત કરીએ છીએ ત્યારે,કયા શબ્દોનો પ્રયોગ કરવો! કઈ રીતે સાધુવાદ આપું?કંઈ સૂઝતું નથી.

આ કોઈ પાગલપન,આવેશ કે તમાશો ન હતો,પણ અંદરથી કોઈ પુશ કરી રહ્યું છે,તો શું કરવું!બધું જ પ્રાપ્ત કરી લીધું.આગળ માનસ ભાગવત યાત્રા કરવાની છે,અહીં સંપૂર્ણ છે હવે જે કંઈ છે એ લટકામાં છે.શુકદેવજી પુશ કરી રહ્યા છે.

સજળતાથી કહ્યું:હરિ તુમ બહોત અનુગ્રહ કીન્હો ‘ભરોસા’નું ગાન કરતા જણાવ્યું કઈ વાતનો ભરોસો? ગુરુમાં ક્યારેય મનુષ્ય બુધ્ધિ ન રાખતા.ગુરુમાં મનુષ્ય બુદ્ધિ રાખીએ એ વિવેકની કમી કહીશ પરમાત્માનાં વિગ્રહમાં ક્યારેય પાષાણ બુદ્ધિ ન રાખતા,મહાપ્રસાદમાં અન્નની બુદ્ધિ એ વિવેક હિનતા છે,મંત્રમાં અક્ષર કે શબ્દનો ભાવ અને સાધુમાં ક્યારેય જાતિ ન જોડતા.આવું કરવું એ વિવેક હિનતા છે.

કથા-વિશેષ:

આગામી-૯૮૭મી રામકથા ૫ થી ૧૩ ડીસેમ્બર દરમિયાન સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર સુપા-ગુરુકૂળ નવસારીથી ગુંજશે.

જેનું જીવંત પ્રસારણ આસ્થા ટીવી ચેનલ તથા ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ પર નિયમિત સમયે નિહાળી શકાશે.

== સમાપ્ત ==

Related posts

કાનાની ભક્તિમાં વિદેશીઓ ઘેલા થયા, ગુલાલ અને ભક્તિના રંગે રંગાયા શ્રદ્ધાળુઓ

Master Admin

કથા-સત્યામૃત, પ્રેમામૃત, કરુણામૃત છે.

Reporter1

રામનો રથ દિવ્ય, રાવણનો ભવ્ય અને આંતરિક રથ સેવ્ય રથ છે.

Master Admin

Leave a Comment

Translate »