Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

યુક્રેન યુદ્ધમાં રશિયાના ૭.૨૦ લાખ સૈનિકો ગુમાવ્યાનો ચોંકાવનારો દાવો

રશિયા-યુક્રેન યુદ્ધમાં જાનહાનિના આંકડાથી ખળભળાટ

લીક થયેલા ડેટાના વિશ્લેષણમાં મોટો ખુલાસો, ઘાયલો અને અપંગોને ગણતાં જાનહાનિનો આંકડો ૧૬ લાખ સુધી પહોંચવાનો અંદાજ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
કીવ, તા.૨૫ નવેમ્બર ૨૦૨૬ | રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી ૨૦૨૨થી ચાલી રહેલા યુદ્ધમાં રશિયાને ભારે જાનહાનિ થઈ હોવાનો ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં રશિયાના અંદાજે ૭.૨૦ લાખથી વધુ સૈનિકોનાં મોત થયાં છે. આ આંકડાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે.સ્વતંત્ર રશિયન મીડિયા સંસ્થાઓએ રશિયાની સરકારી આંકડા સંસ્થામાંથી મળેલા લીક થયેલા ડેટાના આધારે આ અંદાજ તૈયાર કર્યો છે. તેમના વિશ્લેષણ મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં લગભગ ૪.૯૦ લાખ સૈનિકોનાં મોત નોંધાયાં હતાં. ગુમ થયેલા સૈનિકોને સામેલ કરતાં આ આંકડો ૭.૨૦ લાખ સુધી પહોંચે છે.આ ગણતરી માટે સંશોધકોએ આંકડાકીય મોડેલિંગનો ઉપયોગ કર્યો છે. અન્ય મીડિયાએ પણ આ વિશ્લેષણનો અહેવાલ પ્રકાશિત કર્યો છે, જોકે તેણે આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી નથી. બીજી તરફ, રશિયાએ સત્તાવાર રીતે અત્યાર સુધીમાં માત્ર ૫,૯૩૭ સૈનિકોનાં મોત સ્વીકાર્યાં છે. આ આંકડો સપ્ટેમ્બર ૨૦૨૨ પછી અપડેટ કરવામાં આવ્યો નથી.અહેવાલ મુજબ, જો મૃત સૈનિકો ઉપરાંત ઇજાગ્રસ્ત અને કાયમી અપંગ બનેલા સૈનિકોને પણ ગણવામાં આવે તો રશિયાની કુલ જાનહાનિનો આંકડો ૧૬ લાખ સુધી પહોંચી શકે છે. આનો અર્થ એ થાય છે કે યુદ્ધ શરૂ થયા પછી સરેરાશ દર સાડા ત્રણ મિનિટે એક રશિયન સૈનિકે જીવ ગુમાવ્યો છે.યુક્રેનના દાવા પ્રમાણે, ઓક્ટોબર ૨૦૨૬માં જ રશિયાના ૫૪,૪૦૦ સૈનિકો માર્યા ગયા અથવા ઇજાગ્રસ્ત થયા હતા. યુદ્ધ શરૂ થયા પછી કોઈ એક મહિનામાં થયેલી આ સૌથી મોટી જાનહાનિ હોવાનું યુક્રેનનું કહેવું છે. જોકે, યુક્રેનના સૈનિકોની જાનહાનિના સત્તાવાર અને સંપૂર્ણ આંકડા હજુ જાહેર થયા નથી.બીજી તરફ, ભારે નુકસાન છતાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુદ્ધ રોકવાના સંકેત આપી રહ્યા નથી. રશિયા યુક્રેનના વીજમથકો અને અન્ય માળખાકીય સુવિધાઓને નિશાન બનાવી રહ્યું છે. તાજેતરમાં ઝાપોરિઝિ્‌ઝયા પર થયેલા રશિયન હુમલામાં બે લોકોનાં મોત અને ૪૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર, યુદ્ધમાં અત્યાર સુધીમાં યુક્રેનના ૧૮ હજારથી વધુ નાગરિકોનાં મોત થયાં છે, જ્યારે ૫૭ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા આ સંઘર્ષે બંને દેશોને ભારે માનવીય અને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.

Related posts

દુબઈ એરપોર્ટ પાસે ઈરાની ડ્રોન હુમલાથી ભીષણ આગ, ફ્લાઇટ્‌સ રદ્દ

Master Admin

અમેરિકા-તુર્કી નજીક આવ્યા તેનાથી ઇઝરાયેલને ડર લાગ્યો

Master Admin

ડિમોના પરમાણુ પ્લાન્ટ અને ઊર્જા મથકો પર હુમલો કરીશું : ઈરાન

Master Admin

Leave a Comment

Translate »