Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

ડિલિવરી બોયે પાર્સલમાં રહેલા મોંઘા ફોન કાઢીને પાકીટ, પાવરબેંક, પૂંઠા મૂક્યા

નોકરી શરૂ કર્યાના એક અઠવાડિયામાં જ ચોરી કરી

સીસીટીવીમાં ચોરીનો ભાંડો ફૂટ્યો, ચાર ફોન સહિત રૂ. ૬.૬૮ લાખનો મુદ્દામાલ પચાવી આરોપી ફરાર થતાં પોલીસ તપાસ શરૂ કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૩ નવેમ્બર ૨૦૨૬ — નવાવાડજ વિસ્તારની એક લોજિસ્ટિક કંપનીના ડિલિવરી બોયે નોકરીએ લાગ્યાના અઠવાડિયામાં જ કંપનીમાંથી ૬.૬૮ લાખની કિંમતના મોબાઈલ ફોન અને અન્ય પાર્સલની ચોરી કરી હતી. ડિલિવરી બોયે મોંઘા ફોનના બોક્સમાંથી મોબાઈલ કાઢીને તેના બદલામાં પાકીટ, પાવરબેંક અને પૂંઠાનો રોલ મૂકી વિશ્વાસઘાત કર્યો હતો. વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નિર્ણયનગર ખાતે આસ્થા ઓપલ બિલ્ડિંગમાં આવેલી ઈન્સ્ટા કાર્ટ સર્વિસીસ પ્રા. લિ.માં એન્ફોર્સમેન્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા અતિક અહેમદ સૈયદે વાડજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. કંપનીએ ગત ઓગસ્ટમાં રાજસ્થાનના ઝાલોરના હનુમાનરામ મેવારામને ડિલિવરી બોય તરીકે નોકરી પર રાખ્યો હતો. નોકરીએ લાગ્યાના સાતમા દિવસે સવારે આરોપી હનુમાનરામ સ્ટોર પરથી અલગ-અલગ પાર્સલ ડિલિવરી કરવા નીકળ્યો હતો. જે બાદના દિવસે તે વિવિધ વસ્તુઓના ૨૫ પાર્સલો લઇને ડિલિવરી કરવા નીકળ્યો હતો. જોકે ત્યારબાદ તે હિસાબ માટે પરત ઓફિસે આવ્યો નહોતો. જેથી કંપનીએ સીસીટીવી તપાસતા તે ૨૫ પાર્સલો સિવાય અન્ય ૮ પાર્સલો ચોરીછુપીથી મેળવતો હોવાનું કેદ થયું હતું. આરોપીએ ચાર પાર્સલોમાં મોંઘા મોબાઈલ ફોન હતા તે પાર્સલ તેણે ગ્રાહકોને પહોંચાડવાને બદલે અનડિલિવર્ડ બતાવી તેમાં અન્ય ચીજવસ્તુ મૂકીને પરત જમા કરાવ્યા હતા. આરોપીએ રૂ. ૩.૯૦ લાખના ચાર મોબાઈલ કાઢીને તેની જગ્યાએ બોક્સમાં પાકીટ, પાવરબેંક, ફેસવોશ ક્રીમ અને કાગળના પૂંઠાનો રોલ મૂકી દીધો હતો. ૨૮ ઓગસ્ટે હનુમાનરામ સ્ટોર પરથી ૨૫ પાર્સલ લઇને ડિલિવરી માટે નીકળ્યો તે બાદ તે પરત ન આવતા તેને ફોન કર્યો હતો. જોકે, તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. આમ, આરોપીએ કુલ ૬.૬૮ લાખનો મુદ્દામાલ પચાવી પાડ્યો હતો. આ મામલે અતિક અહેમદ સૈયદે વાડજ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હનુમાનરામ મેવારામ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Related posts

અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં આગ લાગી

Master Admin

સરપ્રાઈઝ વિઝિટ! ગુજરાત ટાઇટન્સના સ્ટાર્સ HCG કેન્સર સર્વાઈવર્સને તેમની લડાઈનું સન્માન કરવા માટે આવ્યા

Master Admin

અમદાવાદમાં મનોજ બાજપેયીએ કરી ફિલ્મ “ગવર્નર”નું પ્રમોશન

Master Admin

Leave a Comment

Translate »